Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કોર્પોરેશનમાં કામગીરી ઠપ્‍પ : અરજદારોને ‘મેરેથોન' ધક્કા

અધિકારીઓને ઇવેન્‍ટની જવાબદારી ઉપરાંત મુળ કામગીરી પણ ધ્‍યાન રાખવાનું : બબ્‍બે ઘોડા પર સવારીને કારણે કર્મચારીઓને જમવાનો અને સુવાનો ટાઇમ પણ નથી : માર્ચ એન્‍ડીંગ-બજેટ-ચૂંટણી સમયે જ આવી મરજીયાત ‘ઇવેન્‍ટ'ની કામગીરી સોંપાતા શાશકો સામે પણ કચવાટ

રાજકોટ, તા. ૧પ : મ્‍યુ. કોર્પોરેશન દ્વારા આગામી રવિવારે તા.૧૮ના રોજ મેરેથોન દોડનું આયોજન કરાયું છે, પરંતુ તેની પૂર્વ તૈયારીમાં કોર્પોરેશનના તમામ અધિકારીઓ કર્મચારીઓને જોતરી દેવામાં આવતો હાલમાં મ્‍યુ. કોર્પોરેશનની કચેરીમાં કામગીરી ઠપ્‍પ થઇ ગઇ છે અને અરજદારોને આ મેરેથોનને કારણે ધક્કા થઇ રહ્યા હોઇ તંત્ર સામે રોષ ફેલાઇ રહ્યો છે તેવી જ રીતે અધિકારી અને કર્મચારીઓને તેઓની મૂળ કામગીરી ઉપરાંત મેરેથોનમાં ઇવેન્‍ટ' માં જુદી જુદી જવાબદારીઓ સુપ્રત થતા બે-બે કર્મચારીઓના ઘોડા દોડાવવા પડતા હોઇ શાસકોની આ પ્રકારની સામે આધિકારી વર્ગમાં કચવાટ ફેલાયો છે.

અધિકારી-કર્મચારીઓમાં એવો ગણગણાટ છે કે ટેકસ વિભાગના આસિ. કમિશ્નર સહિતના અધિકારીઓ ઉપરાંત આ વિભાગના કર્મચારીઓને તેઓની વેરા વસુલાતની રોજીંદી ઝુંબેશ ઉપરાંત મેરેથોન ઇવેન્‍ટમાં રીપરીંગ સ્‍ટેશનમાં ડાન્‍સ અને મ્‍યુઝીક સહિતની વ્‍યવસ્‍થાઓની જવાબદારી સુપ્રત થઇ છે, જેના કારણે ચાલુ ઓફીસે ટેક્ષ વિભાગના અધિકારીઓએ મેરેથોનના ગ્રાઉન્‍ડ અને ફૂટ ઉપર જવું પડે છે તેના કારણે વેરાવસુલાત ઝુંબેશમાં મિલ્‍કત સીલ, હરરાજી અને કાર્પેટ એરીયા માપણી સહિતની કામગીરી થતી નથી હવે કચેરીનું મુખ્‍ય કામ ઠપ્‍પ થઇ જાય છે.

આજ રીતે સીટી ઇન્‍જેર કક્ષાના અધિકારીઓને ઇવેન્‍ટ માટે ફુગ્‍ગાઓ મંડપ વ્‍યવસાની કામગીરી સુપ્રત કરાઇ છે જેના કારણે વોર્ડના રોજીંદા પાણી-ડ્રેનેજ-બાંધકામના કામો થતા નથી અને લોકોની ફરીયાદો તથા રોષનો સામનો કરવો પડે છે.

ટી.પી. વિભાગને પાણીની વ્‍યવસ્‍થાની જવાબદારી સુપ્રત થઇ છે. ઉપરાંત ટી-શર્ટ વિતરણની ફરીયાદ નિકાલ કરવાની જવાબદારી સુપ્રત કરાઇ છે આથી ટી.પી. વિભાગની મૂળ કામગીરી પણ ઠપ્‍પ જેવી થઇ ગઇ છે. અધિકારીઓ સાઇટ વિઝીટે જઇ નથી શકતા અને અરજદારોના રોષનું ભોગ બનવું પડે છે.

આજ પ્રકારે લો-ઓફીસરને ડાયસની જવાબદારી સોંપાઇ છે. તેઓ ઉપસ્‍થિત મંત્રીઓ અને પદાધિકારીઓની સેવામાં રહેશે તો જગ્‍યા રોકાણ વિભાગના અધિકારીઓને ફોટોગ્રાફીની જવાબદારી સુપ્રત થઇ છે.

આમા દરેક વિભાગના કલાસ વન અધિકારીઓ હાલ ચોથા વર્ગના કર્મચારી જેવી કામગીરીમાં જોતરી દેવામાં આવ્‍યા છે જેથી આ બાબતે કચવાટની લાગણી અધિકારીઓમાં જોવા મળી છે.

ત્‍યારે બીજી તરફ જન્‍મ-મરણ નોંધ, દબાણ હટાવ, વેરાવસુલાત, આધાર કાર્ડ સહિતની કામગીરી ઠપ્‍પ થઇ જતા અરજદારોને ધક્કા થઇ રહ્યા છે અને મેરેથોન જેવા ઉત્‍સવો યોજવા પાછળ ઘેલા' થયેલા તંત્ર વાહકો પ્રજાને આપવાની મૂળભૂત ફરજ પાડી કામગીરી ભૂલી' ગયા છે અને મરજીયાત કામગીરીમાં લાગી ગયા છે.

(3:36 pm IST)