Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

સામા કાંઠે ફાયરીંગના ગુનામાં ભાગી છૂટેલા તમામને ઝડપી લેવા દરોડાઃ કોઇ ન મળ્યા

કચરો ફેંકવા જેવી બાબતે ધારાસભ્યના ભાઇ સુરેશ રૈયાણી સાથેના ભૂપત ભરવાડે ત્રણ ભડાકા કર્યાઃ ટ્રાન્સપોર્ટ સંચાલક પ્રકાશ પટેલની ફરિયાદ પરથી હત્યાની કોશિષનો ગુનો

રાજકોટ તા. ૧૫: સામા કાંઠે પેડક રોડ પર એસબીઆઇ પાસે આવેલા ઉદય કાર્ગો નામની ટ્રાન્સપોર્ટ ઓફિસના સંચાલક પટેલ યુવાન પર હુમલો કરી હવામાં ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરવાના કિસ્સામાં બી-ડિવીઝન પોલીસે રાયોટ, હત્યાની કોશિષ અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી ધારાસભ્યના ભાઇ સુરેશ રૈયાણી, તેની સાથેના ભૂપત ભરવાડ, શૈલેષ તથા અજાણ્યા પાંચ છ શખ્સોને ઝડપી લેવા દોડધામ શરૂ કરી હતી. આ તમામના રહેણાંક તેમજ ફાર્મ હાઉસ, ઓફિસો પર પોલીસ ત્રાટકી હતી. પણ કોઇ હાથમાં આવ્યા નહોતાં.

ધોકાથી થયેલા હુમલામાં ઘાયલ થયેલા શ્રી રણછોડનગર સોસાયટી-૨માં રહેતાં પ્રદિપ મંગળભાઇ અમૃતિયા (પટેલ) (ઉ.૨૯)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં બી-ડિવીઝન પોલીસ પહોંચી હતી. પોલીસે તેના ભાઇ પ્રકાશ મંગળભાઇ અમૃતિયા (ઉ.૩૭)ની ફરિયાદ પરથી ભૂપત ભરવાડ, સુરેશ રૈયાણી, શૈલેષ અને અજાણ્યા પાંચ-છ શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૩૦૭, ૫૦૪, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) તથા આર્મ્સ એકટની કલમ ૨૫ (૧) બી, એ મુજબ ગુનો નોંધ્યો છે.

પ્રકાશ પટેલે એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું રણછોડનગરમાં રહુ છું અને પેડક રોડ પર ઉદય કાર્ગો નામે ટ્રાન્સપોર્ટનો ધંધો કરુ છું. હું બપોરે સવા ત્રણેક વાગ્યે સેટેલાઇટ ચોકમાં હતો ત્યારે અમારી ઓફિસના માણસ મિતેષ ડી. ગોહેલે ફોન કરીને કહેલ કે તારા ભાઇ પ્રદિપભાઇને અમુક માણસો ટ્રાન્સપોર્ટની ઓફિસે માર મારે છે. આ ફોનથી હું તુરત જ મારા વાહન પર ઓફિસે પહોંચ્યો હતો. ત્યારે મારા ભાઇને ભૂપત ભરવાડ, સુરેશ રૈયાણી અને બીજા માણસો માર મારતાં હતાં અને ગાળો દેતાં હતાં. મેં ગાળો દેવાની ના પાડતાં છતાં આ લોકો વધુ માથાકુટ કરતાં હોઇ અમે પણ સામનો કરતાં આ લોકો ભાગી ગયા હતાં. ભૂપતે પાણીના ઘોડા તરફ દોડતા દોડતા મારા ભાઇને મારી નાંખવાના ઇરાદે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. ભાઇ પ્રદિપને ખુબ મુંઢ માર માર્યો હોઇ તેને સારવાર માટે દાખલ કર્યો હતો.

પ્રકાશ પટેલે વધુમાં જણાવ્યું છે કે અમારી ઓફિસની આગળના ભાગે કોઇએ કચરો નાંખ્યો હતો. અહિ પાર્સલો પડ્યા હોઇ તે ખરાબ થાય તેમ હોઇ મારા ભાઇએ કચરો નાંખવાની ના પાડી હતી. આથી સુરેશ રૈયાણી, ભૂપત ભરવાડ સહિતનાએ આવી કોણ કચરો નાંખવાની ના પાડે છે? કહી હુમલો કર્યો હતો. પી.આઇ. આર. એસ. ઠાકર, જે. પી. મેવાડા, ચંદ્રસિંહ, પી.એસ.આઇ. પટેલ, મહેશગીરી ગોસ્વામી, અજીતભાઇ, નિશાંતભાઇ, મહેશભાઇ, દેવેન્દ્રસિંહ સહિતના સ્ટાફે ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીઓને પકડવા તરઘડીયા ફાર્મ, તમામના ઘર, ઓફિસો પર દરોડા પાડ્યા હતાં. પણ કોઇ મળ્યું નહોતું. ડખ્ખો કચરાનો છે કે પૈસાની લેણદેણનો? તે અંગે પણ તપાસ થઇ રહી છે.

(12:35 pm IST)