Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

આંગણવાડી વર્કર બહેનો ભા.જ.પ.નાં કાર્યક્રમમાં વ્યસ્તઃ નંદઘરની ડેલીએ તાળાથી વાલીઓમાં રોષઃ કોંગ્રેસ

રાજકોટઃ સરકાર સંચાલીત આઇ.સી.ડી.એસ. નંદઘર (આંગણવાડી)નાં વર્કર બહેનોને શાસકો અવાર-નવાર પક્ષનાં કાર્યક્રમમાં વ્યસ્ત હોઇ આંગણવાડી બંધ રહેતી હોવાની ફરિયાદો અવાર-નવાર ઉઠવા પામે છે. તેવી જ રીતે આજે વોર્ડ નં. ૧૮ માં કિરણનગરમાં આવેલ ઇસ્ટ ઝોનની આંગણવાડીમાં તાળાઓ લાગેલા હોવાથી આવી ઠંડીમાં બાળકોને વહેલા ઉઠાડીને આંગણવાડીએ લાવનાર વાલીઓમાં તંત્ર સામે રોષની લાગણી ફેલાઇ હતી. જે તસ્વીરમાં દર્શાય છે. આ બાબતે આ વોર્ડનાં કોંગ્રેસનાં કોર્પોરેટર નિર્મળભાઇ રાવતભાઇ મારૂ (નિલેશ મારૂ) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે વોર્ડ નં. ૧૮ ની આ આંગણવાડીમાં મહિનામાં બે-ત્રણ વખત એવું બને છે કે આંગણવાડી વર્કર બહેનો ભા.જ.પ.નાં કાર્યક્રમમાં જતાં રહે છે અને નંદઘરમાં તાળા લાગેલા હોઇ છે અને નાના ભૂલકાઓને લઇને વાલીઓ હેરાન થાય છે ત્યારે જવાબદાર અધિકારીઓએ આ વખતે જરૂરી પગલા લઇ અને બાળકોનાં ભવિષ્ય સાથે ચેડા સમાન આ કૃત્ય બંધ કરાવવું જોઇએ. તેવી માંગ શ્રી મારૂએ નિવેદનનાં અંતે ઉઠાવી છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:57 pm IST)