Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

રાજકોટની લાડકવાયી દીકરી ‘અંબા'ને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે

ઈટાલીના દંપતિએ દત્તક લીધીઃ નિષ્‍ઠુર માતાએ તરછોડેલી બાળકી હવે સાત સમુંદર પાર ઈટાલીમાં નવજીવન શરૂ કરશેઃ વિજયભાઈ રૂપાણી, પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની ઉપસ્‍થિતિમાં દત્તકવિધિ કાર્યક્રમ : પીએસઆઈ ક્રિપાલસિંહ જાડેજાએ દીકરી ‘અંબા'ને ચાંદલો કરી પગે લાગી ‘રિધ્‍ધિ દે સિધ્‍ધિ અષ્‍ટ નવ નિધિ દે' પંકિતનું પઠન કર્યુ

રાજકોટ,તા.૧૫: રાજકોટની દીકરી ‘અંબા'ને આજે દત્તક લેવા માટે ઈટાલીનો પરિવાર રાજકોટ આવી પહોંચ્‍યો હતો. ગત  ફેબ્રુઆરી ૨૦૨૦માં રાજકોટની ભાગોળે મહિકા અને ઠેબચડા ગામની વચ્‍ચે નિર્દયી રીતે તરછોડાયેલી ‘અંબા' તીક્ષ્ણ હથિયારના ૨૦ ઘા મારેલી હાલતમાં લોહીલુહાણ મળી આવી હતી. ત્રણ મહિના બાદ હોસ્‍પિટલના બિછાને મોત સામે લડીને તેણે જીતી મેળવી હતી. એ વખતે કલેક્‍ટર, કમિશનરથી લઈને ખુદ તત્‍કાલીન મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અંબાને નવજીવન મળે એ માટે ઈશ્વર સમક્ષ -ાર્થના કરી હતી. હવે તે અંબાને આશરો મળ્‍યો છે. અંબાને ઇટાલીના દંપતીએ દત્તક લીધી છે.
સૌકોઇની લાડકવાયી અંબાને માતાની મમતા અને પિતાનો પ્રેમ મળશે. છેલ્લા દોઢ વર્ષથી કાઠિયાવાડ બાલાશ્રમના સંચાલકોની સાથે ‘અંબા' હવે સંપૂર્ણ સ્‍વસ્‍થ છે. દત્તકવિધિ માટે પ્રોસિજર કરવામાં આવી હતી જેમાં ઈટાલીના ગુંથર અને કેટરિનએ અંબાને દત્તક લેવા માટેની કાર્યવાહી પૂરી કરી છે અને આજે તેઓ અંબાને લેવા માટે રાજકોટ આવી પહોંચ્‍યા છે. ખુશીની વાત એ છે કે અગાઉ પણ ગુંથર દંપત્તીએ ભારતના છતીસગઢ ખાતેથી તેજરામ નામના બાળકને ૪ વર્ષ પહેલા દત્તક લીધેલું છે અને હવે ‘અંબા' તેનું બીજું સંતાન બનશે.
ઉલ્લેખનીય છે કે આ સમયે રાજકોટ પોલીસ હેડક્‍વાર્ટરમાં ફરજ બજાવતા પીએસઆઈ ક્રિપાલસિંહ જાડેજાએ દીકરી અંબાને ચાંદલો કરી પગે લાગી ‘રિદ્ધિ દે સિદ્ધિ અષ્ટ નવ નિધિ દે' પંકિતનું પઠન કર્યું હતું.
કાઠીયાવાડ બાલાશ્રમ ખાતે દીકરી અંબાને ઈટાલીના દંપતિને સોંપવામાં આવી હતી. આ પ્રસંગે રાજયના પૂર્વ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી,પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, ડે.કલેકટર શ્રી કેતનભાઈ ઠકકર, તેમજ કાઠીયાવાડ બાલાશ્રમના પ્રમુખ શ્રી હરેશભાઈ વોરા, સેક્રેટરી શ્રી રાજુભાઈ પોબારૂ, ડાયરેકટર અરૂણાબા ચુડાસમા, પૂર્વ પ્રમુખ શ્રી જયંતભાઈ દેસાઈ, શ્રી દિનેશભાઈ પારી તેમજ સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ તથા પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, અરૂણ નિર્મળ વિ.ઉપસ્‍થિત રહયા હતા. (તસ્‍વીર અશોક બગથરીયા)

 

(4:33 pm IST)