Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

રાજકોટમાં અશાંતધારો લાગુઃ સામાન્ય મિલ્કતધારક વધુ સલામત બન્યા

રાજકોટ મ.ન.પા.ની ચુંટણી પહેલા ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણયઃ રાજય સરકારે જાહેરનામુ બહાર પાડયું : રેસકોર્ષ-રૈયા-એરપોર્ટ વિસ્તારની ૨૮ સોસાયટીમાં સંપત્તિ વેચવા હવે કલેકટરની મંજુરી ફરજીયાતઃ અશાંતધારો ૧૩ જાન્યુઆરી ર૦ર૧થી ૧ર જાન્યુઆરી ર૦ર૬ સુધી અમલી : કોઇની ધાક-ધમકી કે શેહ શરમ વગર હવે સામાન્ય મિલ્કતધારક પોતાની મિલ્કત યોગ્ય ભાવે ઇચ્છીત ખરીદારને વેંચી શકશેઃ રાજય સરકાર વિવિધ વિસ્તારોમાં કોમી ધ્રુવીકરણ રોકવાનું લક્ષ્ય ધરાવે છે

રાજકોટ, તા., ૧૫: રાજકોટના રૈયા રોડ પરના ર૮ વિસ્તારોને અશાંતધારા હેઠળ આવરી લેવાયા છે. આ નિર્ણય આમ જનતાની મિલ્કતોની સલામતી વધે અને યોગ્ય કિંમતો મળી રહે તે માટે લાગુ કરાયાનું સમજાય છે. છેલ્લા ઘણા મહિનાઓથી આ અંગેની કાર્યવાહી ગુપ્ત રાહે ચાલી રહી હતી. આ કાર્યવાહીને મંજુરીની અંતીમ મહોર મારી દેવામાં આવી છે.

રાજકોટના આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ (હાલમાં નવનિર્મિત અંડર બ્રીજ ખુલવા જઇ રહયો છે) ત્યાંથી રૈયા રોડ ઉપર જમણી બાજુ છેક રૈયા સુધીની ર૮ જેટલી સોસાયટી અને રહેણાંક વિસ્તારોને અશાંતધારા માટે સુચીત કરવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે સંવેદનશીલ કે ખલેલગ્રસ્ત સ્થળે સ્થાવર મિલ્કત સ્થાનાંતરણ મિલ્કત ખરીદનાર અને વેચનાર દ્વારા  થયેલી અરજી ઉપર કલેકટર હસ્તાક્ષર કરશે પછીજ થઇ શકશે એટલે કે મિલ્કતો વેચી કે ખરીદી શકાશે.

આ ધારો અસરકર્તા બનવાથી કોઇ સામાન્ય નાગરીક પોતાની મિલ્કત કોઇની બિક કે દબાણથી વેંચી નથી રહયો ને? કે આવા કારણોસર ઓછી કિંમતે વેંચી નથી રહયોને ? તે સ્પષ્ટ થઇ જશે. આ ધારા દ્વારા રાજય સરકાર વિવિધ વિસ્તારોમાં કોમી ધ્રુવીકરણ રોકવાનું લક્ષ્ય ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક વરસોથી રૈયા રોડ પરના ચુડાસમા પ્લોટ, સુભાષનગર, નહેરૂનગર, છોટુનગર આસપાસના વિસ્તારો સહીત બે ડઝનથી વધુ રહેણાંક વિસ્તારોમાં ચોક્કસ કોમનો પગપેસારો થઇ રહયાની અને ના ઇચ્છવા છતાં સંવર્ણોને પોતપોતાની માલીકીની મિલ્કતો ના છુટકે વેંચીને પલાયન કરવુ પડતું હોવાની ફરીયાદો ઉઠી રહી હતી.

ગોધરાકાંડ પછીના તોફાનો પછી આ વિસ્તારોની શકલ-સુરત બદલવાનું શરૂ થઇ ગયું હતું.

રાજયના અમદાવાદ, વડોદરા, સુરત, હિંમતનગર, ગોધરા, કપડવંજ અને ભરૂચ બાદ ડીર્સ્ટબન્સ એકટ (અશાંતધારો) રાજકોટમાં લાગુ પડયો છે. ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી અને રાજકોટના પનોતાપુત્ર શ્રી વિજયભાઇ રૂપાણીની રાજકોટવાસીઓ માટે આ મકરસંક્રાંતીની અદ્વિતીય ભેટ બની ગઇ છે.

અશાંતધારો શું છે?

ડિસ્ટર્બ એરીયા એકટ હેઠળ જિલ્લા કલેકટર શહેર અથવા શહેરના કોઇ ચોક્કસ ક્ષેત્રને 'વિક્ષેપીત વિસ્તાર'  તરીકે સુચીત કરી શકે છે. કોમી સંવદનશીલ વિસ્તારોમાં અગાઉ બનેલી ઘટનાઓ અને બનાવોને આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે.

આ ધારો લાગુ થવાથી સંબંધીત વિસ્તારોની સ્થાવર મિલ્કતોનું ખરીદ-વેચાણ જયારે કલેકટર  સ્પષ્ટપણે મિલ્કત વેચાણકર્તા અને ખરીદનાર દ્વારા થયેલી અરજી પર હસ્તાક્ષર કરશે પછી જ થઇ શકશે. અરજીમાં વેંચનારે એક સોગંદનામુ જોડવુ પડશે જેમાં ઉલ્લેખ હશે કે તેઓ તેમની મિલ્કત મફક સ્વતંત્રતાથી વેચે છે અથવા તો યોગ્ય બજાર કિંમતથી વેંચે છે.

અધિનિયમની જોગવાઇઓનું ઉલ્લંઘન થશે. તો કેદ-દંડ થઇ શકે છે.

સરકારી સૂત્રો મુજબ કાયદાકીય છીંડાઓનો લાભ લઇ અસામાજીક માથાભારે તત્વો ચોકકસ વિસ્તારોને કોમી ધ્રુવીકરણ તરફ દોરી શકે છે આવુ બનતુ અટકાવવા માટે અશાંતધારો અક્ષીર ઇલાજ રૂપી બનશે.

એવું નોંધવામાં આવ્યું હતું કે, કેટલીક વખતે ચોકકસ તત્વો રજીસ્ટ્ેશન એકટની જોગવાઇઓ હેઠળ ટ્રાન્સફર ડીડ નોંધણી કરાવી કલેકટરની પૂર્વ પરવાનગી વિના પણ મિલ્કતો સ્થાનાતરીત હતી. જેમાં ડીએ એકટ હેઠળ કલેકટરની અગાઉ મંજુરી જરૂરી નહોતી આના પરિણામે સ્થાનિકોનું કલન્સ્ટિગ અથવા ધ્રુવિકરણ કરવામાં આવ્યું હતું.

અશાંત વિસ્તારોમાંની સ્થાવર મિલ્કતની તબદિલી ઉપર પ્રતિબંધ મુકવા તથા તે વિસ્તારોની જગ્યામાંથી ભાડુઆતોને ખાલી કરાવવામાંથી રક્ષણ આપવા અંગેની જોગગાઇ એકટ નં.-૧ર ૧૯૯૧માં કરવામાં આવી છેજે હવેથી રાજકોટના ચોકકસ નિર્દેશીત થયેલા વિસ્તારોમાં લાગુ પડશે.

કઈ-કઈ સોસાયટીઓમાં અશાંતધારો લાગુ થયો ?

(૧) છોટુનગર કો. ઓપ. સોસાયટી (૨) નિરંજની સોસાયટી (૩) આશુતોષ સોસાયટી (૪) સિંચાઈનગર સોસાયટી (૫) આરાધના સોસાયટી (૬) સ્વસ્તીક સોસાયટી (૭) પ્રગતિ સોસાયટી (૮) ઈન્કમટેક્ષ સોસાયટી (૯) બેન્ક ઓફ બરોડા સોસાયટી (૧૦) દિવ્યસિદ્ધિ સોસાયટી (૧૧) જીવનપ્રભા સોસાયટી (૧૨) અંજની સોસાયટી (૧૩) કૃષ્ણકુંજ સોસાયટી (૧૪) સૌરભ સોસાયટી (૧૫) રેસકોર્ષ પાર્ક (૧૬) વસુંધરા સોસાયટી (૧૭) અવંતિકા પાર્ક (૧૮) જનતા જનાર્દન સોસાયટી (૧૯) જાગૃતિ શ્રમજીવી સોસાયટી (૨૦) યોગેશ્વર પાર્ક (૨૧) શ્રેયસ સોસાયટી (૨૨) નવયુગ સોસાયટી (૨૩) બજરંગવાડી (૨૪) સુભાષનગર (૨૫) ચુડાસમા પ્લોટ (૨૬) નહેરૂનગર (૨૭) રઝાનગર (૨૮) અલ્કાપુરી

(3:21 pm IST)