Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સંક્રાતને દિવસે બેભાન હાલતમાં પાંચના મોત

કૃષ્ણનગરમાં રહેતાં રાજુભાઇ, ધરમ સિનેમા પાછળ રહેતાં રમણિકભાઇ, ગીતાનગરના હિતેષભાઇ અને રાધેકૃષ્ણનગરના ત્રણ બહેનના એક જ ભાઇ મુકેશ વાસાણીએ દમ તોડ્યો

રાજકોટ તા. ૧૫: મકરસંક્રાતના તહેવારને દિવસે બેભાન હાલતમાં ચાર વ્યકિતના સિવિલ હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોમાં શોક છવાઇ ગયો હતો.

 જામનગર રોડ પર વ્હોરા સોસાયટી પાસે કૃષ્ણનગરમાં રહેતાં રાજુભાઇ ભાણજીભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૯) સંક્રાંતની સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

રાજુભાઇ શ્રોફ રોડ પર આવેલી સિંચાઇ ખાતાની ઓફિસમાં પ્યુન તરીકે નોકરી કરતાં હતાં. સવારે છાતીમાં દુઃખાવો ઉપડતાં હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી. ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં ધરમ સિનેમા પાછળ ત્રણ માળીયા સરકારી કવાર્ટરમાં રહેતાં રમણીકભાઇ જીવરાજભાઇ પરવાડીયા (ઉ.વ.૬૫) સંક્રાંતની રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં જંગલેશ્વરના છેડે રાધેકૃષ્ણનગર-૧૦માં રહેતો મુકેશભાઇ કરસનભાઇ વાસાણી (ઉ.વ.૨૩) સવારે ન્હાવાની તૈયારી કરી રહ્યો હતો ત્યાં જ છાતીમાં દુઃખાવા સાથે ઉલ્ટીઓ થવછા માંડતા બેભાન જેવો થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતક ત્રણ બહેનનો એકનો એક ભાઇ અને માતા-પિતાનો આધારસ્તંભ હતો. મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. ભકિતનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં ગોંડલ રોડ એસટી વર્કશોપ પાછળ ગીતાનગર-૨મા઼ રહેતાં હિતેષભાઇ દિલસુખભાઇ ગોહેલ (ઉ.વ.૪૫) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

રિધ્ધી સિધ્ધીના રંજનબેનનું બેભાન હાલતમાં મોત

ગોંડલ રોડ સાંઢીયા પુલ પાસે રિધ્ધી સિધ્ધી-૩માં રહેતાં રંજનબેન દિનેશભાઇ સોલંકી (ઉ.વ.૪૮) સંક્રાંતની સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકના પતિ કારખાનામાં કામ કરે છે. બનાવથી ખાંટ પરિવારમાં શોક છવાઇ ગયો હતો. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(12:10 pm IST)