Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પરિસંવાદ

૭૧મું પ્રજાસત્તાક પર્વ, રાજ્ય મહોત્સવ અન્વયે

રાજકોટ,તા.૧૫: ખેડૂતોએ આ રાસાયણિક ખેતી ઓછી કરી/ છોડી દઇ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું છે. જેના ભાગરૂપે રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છા શકિતના પરિણામે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી ખેડૂતોને પરિચિત કરાવવા ગાંધીનગર મુકામે તા.૪.૯.૨૦૧૯ના રોજ પહ્મેશ્રી સુભાષ પાલેકરની ઉપસ્થિતિમાં રાજ્યનાં ૫૦૦૦ થી વધારે ખેડૂતોનો પરિસંવાદ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજવામાં આવેલ હતો. ત્યારબાદ વડતાલ મુકામે તા.૫/૧૨/૨૦૧૯થી ૧૨/૧૨/૨૦૧૯ દરમ્યાન પહ્મશ્રી સુભાષ પાલેકરની ઉપસ્થિતીમાં માસ્ટર ટ્રેનર તૈયાર કરવા માટે સાત દિવસીય તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમજ રાજ્ય સરકાર દ્વારા રાજ્યના બધા જ જિલ્લાઓમાં ેખેડૂતોને એક અઠવાડીયાની તાલીમ આપી માસ્ટર ટ્રેનરો તૈયાર કરી આ દિશામાં હરણ ફાળ ભરવા માટે તૈયારીઓ પણ કરેલ છે.

આ પધ્ધતિનો વ્યાપ વધે અને ખેડૂતો ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં થાય તેના ઉત્સાહને વધારવા માટે તા. ૨૫/૧/૨૦૨૦ના રોજ બપોરે ૩ વાગ્યે પ્રમુખસ્વામી ઓડીટોરીયમ, આલાપગ્રીન સીટી સામે રૈયા રોડ ખાતે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી અને પશુપાલન પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી ખાસ ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત જેમાં રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી, સાંસદસભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ તથા પશુપાલન નિયામકશ્રી ઉપસ્થિત રહેનાર છે. આ કાર્યક્રમમાં અંદાજીત ૮૦૦ જેટલા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર હાજર રહેનાર છે. તથા રાજ્યપાલશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ પ્રાકૃતિક ખેતી કરતાં બેસ્ટ માસ્ટર ટ્રેનર/ખેડૂતનું સન્માન કરવામાં આવશે. તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોના અનુભવોની ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવનાર છે.

(4:09 pm IST)