Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

હવે ગેલ્વેનોમીટર નો સૂક્ષ્મ પ્રવાહમાપક તરીકે સીધો જ ઉપયોગ કરી શકાશે

કોટક સ્કૂલની વિદ્યાર્થીનીઓનું સંશોધન : અભિનંદનવર્ષા

રાજકોટ : ધોરણ ૧૨ સાયન્સમાં ઉપયોગમાં લેવામાં આવતા ગેલ્વેમીટરની મદદથી પ્રવાહની દિશા જાણી શકાય છે. ગેલ્વેમીટર પોતે માઇક્રોએમ્પીયર હોવા છતાં તેનો ઉપયોગ પ્રયોગશાળામાં પ્રવાહમાપક  તરીકે કરવામાં આવતો નથી કારણકે તેના ડાયલના સ્કેલ પર માઇક્રોએમ્પીયરના ક્રમના અંકો લખેલા હોતા નથી તેથી સીધી રીતે પ્રવાહનું મૂલ્ય ડાયલના સ્કેલ પરથી માપી શકાતું નથી. તેના માટે ફિગર ઓફ મેરીટ નામની રાશીનો ઉપયોગ કરવો પડે છે. આ સમસ્યાને દૂર કરવા માટે કોટક સ્કુલના વિજ્ઞાન શિક્ષક અશ્વિન ભુવાના માર્ગદર્શન નીચે ધોરણ ૧૨ સાયન્સની છાત્રાઓ (૧) સુર્યવંશી આસ્થા (૨) વાઢીયા ક્રિષ્ના (૩) ઠેબા તરહાના (૪) કુરેશી સુઝાને ગેલ્વેનોમીટરના ડાયલ સ્કેલ પરથી સીધુ  જ માઇક્રોએમ્પીયરના ક્રમના પ્રવાહનું મૂલ્ય માપી શકાય તેવો સરળ ઉપાય શોધી કાઢેલો છે.

હાલમાં ઉપયોગમાં લેવામાં આવતા ગેલ્વેનોમીટરના ડાયલના સ્કેલ પર શૂન્યની બંન્ને તરફ એકમ રહીત જે અંકો લખેલા છે તે અંકોને દૂર કરીને  તેના સ્થાને શૂન્યની બન્ને તરફ માઇક્રોએમ્પીયરના ક્રમના અંકોના સ્કેલ વાળુ પ્રિન્ટ કરેલું ડાયલ જ ફીટ કરી દેવામાં આવે તો ગેલ્વેનોમીટર વીથ માઇક્રોએમ્પીયર મીટર બની જશે. આ નવા ડાયલના સ્કેલ પરથી સીધું જ  માઇક્રોએમ્પીયર ક્રમના પ્રવાહનું મૂલ્ય માપી શકાશે. જ્યારે જે જે પ્રયોગમાં ગેલ્વેનોમીટરનો ઉપયોગ કરવો પડે છે તે પરીપથના તે શાખામાંથી કઇ દિશામાં અને કેટલો પ્રવાહ પસાર થશે તેનું મૂલ્ય પણ વિદ્યાર્થીઓ ડાયલના સ્કેલ પર સીધુજ જાણી શકશે.

આમ હવે ગેલ્વેનોમીટર વીથ  માઇક્રોએમ્પીયર મીટરની મદદથી પ્રવાહનું મૂલ્ય, દિશા અને તીવ્રતા એમ ત્રણેય રાશી ડાયલ સ્કેલ પરથી સીધેસીધી જાણી શકાશે. આ સરળ ઉપાયનો ઉપયોગ કરીને તમામ  પ્રકારની રેન્જના માઇક્રોએમ્પીયર મીટરને પણ ગેલ્વેનોમીટરમાં રૂપાંતરિત કરી શકાશે.

કોટક સ્કૂલના વિદ્યાર્થીનીઓને પ્રમાણ પત્ર આપીને અભિનંદન પાઠવાયા હોવાનું લોક વિજ્ઞાન કેન્દ્રના ડાયરેકટર ડો. રમેશભાઇ ભાયાણીની યાદીમાં જણાવાયું છે.

(4:08 pm IST)