Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

Practice makes man perfect

વર્ષોના અનુભવથી પોકિયા થઇ ગયા 'પ્રવીણ', ઓપરેશન થિયેટર એની અનેરી દુનિયા

મજેવડીની ધૂળથી રજોટાઇને રાજકોટના ડો. ઢોલરિયાની હોસ્પિટલ સુધીની શાનદાર કારકિર્દી

રાજકોટ તા. ૧૩ : કોઇપણ ક્ષેત્રે સફળતા મેળવવા માટે નિષ્ઠા - પરિશ્રમની સાથોસાથ સ્થીરતા અને ધિરજ ખૂબ અગત્યનું પરીબળ છે. મક્કમ મન થકી કારકિર્દીનું ઘડતર કરીને અનોખી પ્રતિભા અંકે કરી શકાય છે.

એક સમયે ખેતરમાં તનતોડ મજૂરી કરી પરિવારનું ભવિષ્ય સહિત અનેક પડકારો વચ્ચે મૂળ મજેવડી ગામના પ્રવિણભાઇ પોકીંયા આજે એક  જગ્યાએ ૪ દાયકા સુધી ઓપરેશન આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવીને કાર્યમાં પારંગતતા મેળવી છે.

પ્રવીણભાઈ પોકીંયાએ જણાવ્યું કે, ૮૦ના દાયકામાં પરિવારને કાળી મજૂરી કરતો જોયો હોવાથી અને તેમ છતાં બે પાંદડે ન થયાનું દ્રશ્ય સામે હોવાથી ૧૯૮૦માં એચ.એસ.સી પાસ કર્યા બાદ મારે કંઈક કરી છુટવું છે એવી ધગશ અને આત્મવિશ્વાસ હતો પણ શું કરવું તે અંગે ખાસ સમજ નહોતી. તે સમયે ગામડાના યુવાનોમાં ડાયમંડ નગરી સુરતમાં જઈને હીરામાં કરિયર બનાવવાનો મોહ હતો, કારણકે તે સમયે હીરાનો સુવર્ણ સમય હતો. મેં પણ સુરત જઈને રત્નકલાકાર તરીકે કામ કરી વર્ષોથી ગરીબીમાં ભીંસાતા પરિવાર માટે ચમકવાનું નક્કી કર્યું હતું.

પ્રવિણભાઇ પોકીંયાએ વધુમાં જણાવ્યું કે, આ સમયે મારી પાસે ઓફર આવી કે, રાજકોટમાં એક નવી હોસ્પિટલમાં ઓપરેશન આસિસ્ટન્ટ તરીકે એક તરવરિયા યુવાનની જરૂર છે. મારે તો દોડવું હતું ને ઢાળ મળ્યો. મેં મારો નિર્ણય બદલીને રાજકોટ જવાનો નિર્ણય લીધો. હું વિચારતો હતો કે અત્યાર સુધી મેં દાતરડા જ ચલાવ્યા છે ને હવે રાજકોટ જઈ ને હોસ્પિટલમાં કામ કરવું? પણ મનમાં વિશ્વાસ હતો કે પોતે જયાં છે તેના કરતા તો ભવિષ્ય ઉજ્જવળ જ હશે. આ જ આશાને અરમાનો સાથે હું ૧૦ મે, ૧૯૮૧ના રોજ રાજકોટ આવ્યો. ગામડાના ધૂળિયા માણસને શરૂઆતમાં નવું શહેર, નવા લોકો અને શહેરીજનોનું વધુ પડતું ચોખલિયાપણું માફક ન જ આવ્યું પણ ધીમે ધીમે શહેરી જિંદગી સાથે અનુ કૂળતા સાધતો ગયો.

શરૂઆતમાં ખૂબ તકલીફ પડી. એક બાજુ દિવસ રાત ખેતીની કાળી મજૂરી કામ અને અહીં એવું જ ચોકસાઈપૂર્વક કરવું પડતું જીવિત વ્યકિત જોડેનું કામ. શરૂઆતમાં પણ આવું વિચારતા જ ઙ્ગમારી સામે એક લાચાર અને ખૂબ શ્રમના કારણે કેડથી વળી ગયેલા મારા બાપુજીનો ચહેરો દેખાતો. ને ફરી પાછો હું કામમાં મારું ધ્યાન લગાવી દેતો. પરિવારને સુખેથી જીવતો જોવા માટે હું ગામ છોડી શહેરમાં આવ્યો હતો એમ વિચારી મન મનાવી લેતો અને ઘણી વખત રડી પણ લેતો.

'મન,વચન અને કર્મમાં નિષ્ઠા રાખવી' આ સૂત્રને જીવનમંત્ર બનાવી ચુકેલા પ્રવીણભાઈએ કહ્યું, ધીમે ધીમે હું કામ શીખતો ગયો અને આગળ વધતો ગયો. રાજકોટના મોટી ટાંકી ચોકમાં ૩૯ વર્ષથી અડીખમ ઉભેલી ઢોલરીયા હોસ્પિટલના ડો. જી.એમ. ઢોલરીયા પણ મારી પાછળ ખૂબ ભોગ આપ્યો. તેમના પુત્રવત પ્રેમ અને હૂંફના કારણે થોડા સમયમાં હું તેમના કુટુંબનો એક સભ્ય જ બની ગયો. ધીમે ધીમે દર્દીના ઓપરેશન પછીની જવાબદારી સંભાળતો થોડા વર્ષો પછી મેં મારા નાના ભાઇને ભણાવીને પગભર બનાવ્યો. પછી તો પોતાનું ઘરનું ઘર, લગ્ન અને બન્ને નાના ભાઇના લગ્ન પણ કર્યા.

ડો.ઢોલરીયાની ઉંમર ૭૦ વર્ષ છે અને પ્રવીણભાઈ પણ ૫૫ વટાવી ચુકયા છે પરંતુ આજે પણ બંનેની કામ કરવાની સ્ફૂર્તિ જોતા એવું લાગે કે બંને હજી એક દસકો દર્દીઓની સેવા કરશે.

(4:05 pm IST)
  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST

  • અમદાવાદમાં ૪ શખ્સો પિસ્તોલ સાથે ઝડપાયા : અમદાવાદ ક્રાઇમબ્રાંચનું સફળ ઓપરેશનઃ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયોઃ મેઘાણીનગર વિસ્તારમાંથી ચાર શખ્શો ઝડપાયાઃ કુખ્યાત વિશાલ ગોસ્વામી ગેંગના સાગરીતો પર સંકજો access_time 4:07 pm IST

  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST