Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

'નો પાર્કિંગ' દંડ રૂ. ૧૦૦; પોલીસે વસુલ્યો ૫૦૦ !! રૂ. ૪૦૦ ગયા કયાં ?!

દંડ વસુલીમાં પોલીસનું લોલંલોલ કે કૌભાંડ...? જોગવાઈથી વધુ વસુલાયેલા નાણા સરકારી વિભાગમાં કયા હેડ હેઠળ જમા થતા હશે ? ઓડીટ થાય તો ભાંડો ફુટે : મોટર વ્હીકલ એકટની જોગવાઈ મુજબ તા. ૬ઠ્ઠીએ અમિન માર્ગ પર 'નો પાર્કિંગ ઝોન'માં મહિલાએ ભૂલથી પાર્ક કરેલી કાર માટે ટ્રાફિક પોલીસે.. અધધ ૫૦૦ રૂ. વસુલી પહોંચ આપીઃ ઘેર જઈ જાગૃત મહિલાએ મોટર વ્હીકલ એકટની ૧૭૭ મુજબની જોગવાઈ વેરીફાઈ કરતા માત્ર રૂ. ૧૦૦ દંડ પેટે જ વસુલવાની સત્તાઃ મહિલાને આપવામાં આવેલી દંડની પાવતી 'ઓરીજનલ' કે 'ડુપ્લીકેટ' સો મણનો સવાલઃ ઉચ્ચ અધિકારીઓ તપાસ કરેઃ બીનજાગૃત વાહન ચાલકો પાસેથી અત્યાર સુધીમાં કરોડો ખંખેરી લેવાયા ? વેધક સવાલ : મકરસંક્રાંતિએ દંડનો ધંધો મંદો રહ્યોઃ પોલીસે ૧૯ કેસોમાં માત્ર ૯૧૦૦ રૂ. વસુલ્યાઃ વર્ષ દરમિયાન (૨૦૨૦) એટલે કે ૧૪ દિવસમાં થયેલા ૪૧૧૫ કેસમાં પોલીસે વાહન ચાલકો પાસેથી ૧૯,૧૨,૭૦૦ વસુલી લીધા છે! ૨૦૧૯માં કરોડોનો દંડ વસુલાયો છેઃ સરકારી પાવતીથી વસુલાયેલા દંડ વિશે ઉદભવેલી શંકા સંદર્ભે ઉંડી તપાસ જરૂરી

રાજકોટ, તા. ૧૫ :. દેશભરમાં સુપ્રિમ કોર્ટના આદેશથી સલામતીના કારણોસર મોટર વ્હીકલ એકટને અસરકારક બનાવવા દંડની જોગવાઈઓનો કડક અમલ કરાવવા સરકારોને આદેશ આપવામાં આવ્યા બાદ રાજકોટ સહિત ગુજરાતમાં હેલ્મેટ, નો પાર્કિંગ, સીટ બેલ્ટ, લાયસન્સ વિના વાહન ચલાવવુ, ગેરકાયદે નંબર પ્લેટ સહિતના નિયમોના ઉલ્લંઘન બદલ ટ્રાફીક પોલીસ દ્વારા લાખો-કરોડોનો દંડ વસુલવામાં આવી રહ્યો છે. શહેરમાં ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટની જોગવાઈ અસહ્ય હોવાનો ઓહાપો મચ્યા બાદ રાજ્ય સરકારે હેલ્મેટના નિયમને ફરજીયાતપણે અમલી નહિ બનાવવાની જાહેરાત કર્યા બાદ ફરી ઉચ્ચ અદાલતે સરકારોને એમવી એકટ માટે થયેલા આદેશોનું કડક પાલન કરવાના આદેશો આપતા ગુંચવણભરી સ્થિતિનું નિર્માણ થયું છે. આ વચ્ચે ટ્રાફીક પોલીસ તેમને સોંપાયેલી ફરજનો ધડાધડ અમલ કરી રહી છે. આ વચ્ચે દંડ વસુલવાના મુદ્દે કેટલાક વેધક મુદ્દાઓ શંકાસ્પદ બની 'ઓન પેપર' ઉભરી આવ્યા છે જે ઉંડી તપાસ માંગી લે તેવા છે. રાજકોટના પોશ વિસ્તારમાં તાજેતરમાં એક કાર ચાલક મહિલા પાસેથી 'નો પાર્કિંગ' નિયમના ભંગ બદલ એમવી એકટ ૧૭૭ પ્રથમ ગુન્હા માટે માંડવાળ દંડ રૂ. ૧૦૦ નક્કી થયેલો છે તેના બદલે રૂ. ૫૦૦ વસુલી પહોંચ પણ પોલીસ હેડ કોન્સ. દ્વારા પકડાવી દેવામાં આવી હતી. મહિલાએ ગણતરીની મીનીટોમાં દંડની રકમ ભરપાઈ કરી પોતાની કાર સાથે ચાલતી પકડી હતી, પરંતુ પાછળથી ઘેર પહોંચી આ રકમ યોગ્ય છે કે અયોગ્ય ? તે વિશે દંડની જોગવાઈનો પરિપત્ર 'ક્રોસ વેરીફાઈ' કરતા જાગૃત મહિલાની આંખો પહોળી થઈ ગઈ હતી. પ્રથમ નિયમ ભંગ બદલ રૂ. ૧૦૦ અને બીજીવાર નો પાર્કિંગના ભંગ બદલ રૂ. ૩૦૦ જોગવાઈ છે, પરંતુ ૫૦૦ રૂ.નો દંડ વસુલવાનો એમવી એકટ ૧૭૭ મુજબના કોષ્ટકમાં કયાંય ઉલ્લેખ નથી !

આ બારામાં મહિલાએ પોતાને ફટકારવામાં આવેલી દંડની પહોંચ અને એમવી એકટની જોગવાઈનું કોષ્ટક અકિલા સમક્ષ રજૂ કરી પોતાનો વેધક સવાલ ઉઠાવતા આ મામલે પ્રાથમિક તપાસના અંતે ફરીયાદમાં તથ્ય ઉડીને આંખે વળગ્યુ છે. ટ્રાફીક પોલીસ દંડ વસુલીમાં લોલંલોલ ચલાવે છે કે કોઈ કૌભાંડ છે ? સરકારી તિજોરીમાં જવાના ૧૦૦ રૂ. સિવાય વધુ વસુલાયેલા રૂ. ૪૦૦ ગયા કયાં ? શું દંડના ચલણની બુક ડુપ્લીકેટ હતી ? બીનજાગૃત લોકો કે વાહન ચાલકો પાસેથી અત્યાર સુધીમાં આવી રીતે લાખો-કરોડો ગેરકાયદે વસુલાયા ? ટ્રાફીક પોલીસ અને પોલીસ વિભાગની અન્ય બ્રાન્ચો દ્વારા વસુલાતા દંડનું ઓડીટ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે તેવુ જાણકારોનું માનવું છે.

અકિલાએ ગઈકાલે તા. ૧૪મીના ટ્રાફીક પોલીસે કરેલા દંડની વિગતો મેળવતા ૧૯ કેસોમાં ગઈકાલે રૂ. ૯૧૦૦ વસુલવામાં આવ્યાનું ઓન પેપર દર્શાવાયુ છે. વર્ષ દરમિયાન આજ સુધીમાં ૪૧૧૫ કેસો કરી ૧૯ લાખ, ૧૨ હજાર, ૭૦૦નો દંડ વસુલાયો છે, એટલે કે માત્ર ૧૪ દિવસમાં જ ૧૯ લાખથી વધુ દંડ વસુલાયો છે. ગત વર્ષમાં ટ્રાફીક ઝુંબેશ દરમિયાન વાહન ચાલકો પાસેથી કરોડો સરકારી તિજોરીમાં જમા થયા છે. આ આંકડાનું ઓડીટ તટસ્થપણે થાય તે જરૂરી બની ગયુ છે.

પોલીસ દ્વારા ફટકારાતો આરટીઓનો દંડ કચેરીની તિજોરીમાં જમા થવાના બદલે વચેટીયાઓ બોગસ પાવતીથી ખિસ્સામાં : સેરવી લેતા હોવાનું કૌભાંડ પણ તાજેતરમાં જ બહાર આવેલુ !

રાજકોટ, તા. ૧૫ :. તાજેતરમાં સુપ્રિમ કોર્ટના આદેશ બાદ રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને આરટીઓના માધ્યમથી મોટર વ્હીકલ એકટની જોગવાઈઓનો કડક અમલ શરૂ થયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરીજનો દંડ ચૂકવી ચૂકવી ત્રાહીમામ પોકારી ગયા છે. જો કે કોઈપણ કાયદાની અમલવારી તંત્ર કડક બની કરાવે તો જ શકય છે તે પણ સ્વીકારવુ રહ્યું પરંતુ કેટલાક નિયમોનો 'પ્રેકટીકલી' અમલ થાય તે પણ જરૂરી હોવાનો જાણકારોનો મત છે.

આ વચ્ચે હેલ્મેટના નિયમને શહેરમાં મરજીયાત બનાવવાની ગુજરાત સરકારની જાહેરાત બાદ ફરી કોર્ટે દેશની સરકારોને આ મુદ્દે બાંધછોડ નહિ કરવા આદેશો આપ્યા છે ત્યારે સરકાર પોલીસ તંત્ર અને વાહન માલિકોમાં દ્વિધાભરી સ્થિતિ ઉદભવી છે. આજે રાજકોટના એક જાગૃત મહિલાએ નો પાર્કિંગ બદલ થયેલો દંડ નિયત રકમ કરતા પોલીસ દ્વારા વધુ વસુલાતો હોવાનો પુરાવારૂપ પાવતી સહિત આક્ષેપ કર્યો છે. જેની પ્રાથમિક તપાસમાં અકિલા અને ઉચ્ચ અધિકારીઓને પણ શંકા જન્મી છે ત્યારે આ મામલે યોગ્ય તપાસ થાય તે જરૂરી બની ગયુ છે.

-: પોસ્ટમોર્ટમ :-

જયદેવસિંહ જાડેજા

'નો-પાર્કિંગ' માટેના નિયત દંડ રૂપિયા ૧૦૦ના બદલે વસુલાયેલ રૂપિયા ૫૦૦ની પહોંચ : મોટર વ્હીકલ એકટમાં કલમ ૧૭૭ મુજબ નો-પાર્કિંગના ભંગ બદલ પ્રથમ વખત નિયત કરવામાં આવેલી દંડની જોગવાઇ

(3:51 pm IST)