Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

૧૮મીએ કલેકટર કચેરીમાં રાજ્યનું મોડલ જન સેવા કેન્દ્ર ખુલ્લુ મુકાશેઃ ૧૦૯ પ્રકારની સેવાઃ અરજી સામે ૨૪ કલાકમાં પ્રમાણપત્ર

મહિલાઓના નાના બાળકો માટે બેબી કેર - રમકડા રૂમઃ ખાસ હેલ્પ ડેસ્કઃ ટોકન સિસ્ટમઃ કલેકટરની જાહેરાત : જનસેવાના ૧૭ અને આધારકાર્ડના બે કાઉન્ટર :મુખ્યમંત્રી ખુલ્લુ મુકશેઃમામલતદાર કચેરીના ધક્કા દુર થશે

રાજકોટ,તા.૧૫: જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે ૧૮મીએ મુખ્યમંત્રીના હસ્તે કલેકટર કચેરીમાં મોડલ જનસેવા કેન્દ્રનું લોકાર્પણ થનાર છે.

રાજય સરકારશ્રી દ્વારા લોકોપયોગી કાર્યો સરળતાથી અને ઝડપથી થઈ શકે તે માટે ઉપાયાત્મક પગલાં લેવામાં આવી રહેલ છે.જે અન્વયે આધુનિક જનસેવા કેન્દ્ર દરેક જિલ્લા કક્ષાએ બનાવાયું છે. જેના ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આધુનિક જનસેવા કેન્દ્ર તા.૨૪/૧/ર૦ર૦ થી કાર્યરત થનાર છે. તેમજ આ જનસેવા કેન્દ્ર સંપુર્ણ આપની રહેશે. આ જનસેવા કેન્દ્રમાં લોકોને વન ડે ગર્વનન્સ સર્વિસીસ ઝડપથી મળી રહે તે માટે એક જ જગ્યાએથી આ અરજીઓ સ્વીકારવામાં આવશે અને ૨૪ કલાકમાં તેમને પ્રમાણપત્ર આપવામાં આવશે. આમ, લોકોને જુદી જુદી મામલતદાર કચેરી ખાતે જવું ન પડે તે માટે આ આધુનિક જનસેવા કેન્દ્ર ખુબ જ ઉપયોગી રહેશે.

આ જનસેવા કેન્દ્રમાં કુલ જનસેવાના ૧૭ કાઉન્ટર તેમજ આધાર કાર્ડના ર કાઉન્ટર રાખવામાં આવેલ છે. આ જનસેવા કેન્દ્રમાં મામલતદાર કચેરી ખાતે ઉપલબ્ધ વનડે ગર્વનન્સ સર્વીસીસ ઉપરાંત અન્ય સેવાઓનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. આ જનસેવા કેન્દ્રમાં આધારકાર્ડની સેવા, ઈલેકશન સ્માર્ટકાર્ડ, ગામ નમુના નં.૭/૧૨, ૮-અ ના ઉતારા, ઈ-સ્ટેમ્પીંગ તેમજ વ્યાજબીદરે ઝેરોક્ષની પણ સેવાનો સમાવેશ કરવામાં આવેલ છે. જનસેવા કેન્દ્રમાં નાના બાળકો સાથે આવનાર મહિલાઓને પણ બાળકો હેરાન ન થાય તે માટે બેબી કેરની સુવિધા ઉપલબ્ધ કરેલ છે. જેમાં આધુનિક રમકડાઓ રાખવામાં આવનાર છે.

જનસેવા કેન્દ્રમાં અરજદારોને અરજી ફોર્મમાં ભરવાની વિગતની સમજણ માટે અને મદદ માટે હેલ્પ ડેસ્કની વ્યવસ્થા કરાયેલ છે. જે હેલ્પ ડેસ્ક ઉપરના કર્મચારી અરજી ફોર્મ ભરવા માટે સંપુર્ણ રીતે સહાયભૂત થશે . જનાસેવા કેન્દ્રમાં આવતા અરજદાર પ્રથમ અરજી ફોર્મ મેળવી વિગતો ભરી ટોકન મેળવશે ત્યારબાદ કમાનુસાર તેમનો વારો આવે ત્યા સુધી તેઓ વેઈટીંગ લોન્જમાં પ્રતિક્ષા કરશે અને તેમના ટોકન નંબર ડીસ્પ્લે થનાર કાઉન્ટર ઉપર અરજી ફોર્મ રજુ કરશે અને ર૪ કલાકમાં તેમનો પ્રમાણપત્ર અલગ રખાયેલ રવાનગી કાઉન્ટર પરથી મેળવશે.

(3:42 pm IST)