Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

જાગનાથમાં પટેલ વૃધ્ધના ઘરમાંથી સોનાના સિક્કા-રોકડની ચોરીનો ભેદ ખુલ્યોઃ બે તસ્કરણી પકડાઇ

દિવસે ભંગાર વિણવાના બહાને રેકી કરી ગઇ, રાતે દરવાજે તાળુ જોતાં જ તોડીને હાથફેરો કરી લીધો'તો : શોભના ગુજરાતી અને કિરણ પંડ્યાની મુદ્દામાલ સાથે સોની બજારમાંથી ધરપકડ : ક્રાઇમ બ્રાંચના સમીરભાઇ શેખ, મહેશભાઇ મંઢ, હરદેવસિંહ રાણા અને અજીતસિંહ પરમારની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૧૫: જાગનાથ પ્લોટમાં રહેતાં ૯૪ વર્ષના પટેલ વૃધ્ધના ઘરમાં ગયા મહિને થયેલી રૂ. ૧, ૯૦,૫૦૦ની ચોરીનો બનાવ બન્યો હતો. જે તે વખતે આ અંગે પોલીસને ઘરધણી દ્વારા જાણ કરવામાં આવી નહોતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે બે તસ્કરણીને સોની બજારમાંથી પકડતાં તેણે આ ચોરી કર્યાનું કબુલતાં ગુનો નોંધાયો છે.

એ-ડિવીઝન પોલીસે આ બનાવમાં નિર્મલા કોન્વેન્ટ રોડ પર મંગલ પાર્ક બ્લોક નં. ૪૧માં રહેતાં શેર બ્રોકર નિમીષ મનસુખભાઇ તંતી (ઉ.વ.૩૮)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે. નિમીષ તંતીના નાના અરજણભાઇ કરમણભાઇ સભાયા (ઉ.વ.૯૪) છે. જેમનું મકાન 'ઇન્દુ' જાગનાથ પ્લોટ શેરી નં. ૨૫/૪૦માં આવેલુ છે. ત્યાં તેઓ એકલા જ રહે છે. તેઓ નિત્યક્રમ મુજબ રાત્રે નિમીષ તંતીના ઘરે આવી જાય છે. સવારે પરત તેઓ તેમના મકાને જતાં રહે છે. તા. ૨૬/૧૨ના સાંજે સાતેક વાગ્યે તેઓ તેમના ઘરને તાળા લગાવી અમારી ઘરે આવી ગયા હતાં. ૨૭મીએ સવારે ત્યાં જતાં તાળા તૂટેલા જોવા મળ્યા હતાં. રોકડ-સોનાના સિક્કા મળી કુલ રૂ. ૧,૯૦,૫૦૦ની ચોરી થઇ હતી.

આ ચોરીનો ભેદ ક્રાઇમ બ્રાંચના હેડકોન્સ. સમીરભાઇ શેખ, મહેશભાઇ મંઢ, હરદેવસિંહ રાણા અને અજીતસિંહ પરમારને મળેલી બાતમી પરથી ઉકેલાઇ ગયો છે. બે મહિલા સોની બજારમાં સોનાના સિક્કા વેંચવા આવ્યાની બાતમી મળતાં બંનેને સકંજામાં લઇ પુછતાછ કરતાં પોતાના નામ શોભના મુકેશ ગુજરાતી (ઉ.૩૨-રહે. નાગલપર, કિંગ પ્લાઝા આગળ, કલરવ પાર્ક બ્લોક નં. ૪૩) તથા કિરણ તુષાર પંડ્યા (ઉ.૨૩-રહે. ખોડિયાર પાર્ક-૬ પારેવડી ચોક) જણાવ્યા હતાં. તેની પાસેથી સોનાના સિક્કા ૮ તથા રૂ. ૩૦૦૦ રોકડા મળતાં તે અંગે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ ચોરી કબુલી હતી.

શોભના અને કિરણ બંને ભંગાર વિણવાનું કામ કરે છે. રામનાથપરામાં ભંગાર આપવામાં બંને અવાર-નવાર ભેગી થતી હોઇ ઓળખાણ થયા બાદ જાગનાથમાં બંધ મકાનમાં ચોરી કરવાનો પ્લાન ઘડ્યો હતો. જો કે ચોરાઉ સિક્કા વેંચવાની પેરવી કરતાં જ ઝડપાઇ ગઇ હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએઅસાઇ એ. એસ. સોનારા, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, નિશાંતભાઇ પરમાર તથા જેને બાતમી મળી એ તમામે આ કામગીરી કરી હતી.

(1:17 pm IST)
  • દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટી તમામ 70 બેઠકો પર ચૂંટણી લડશે access_time 8:53 pm IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST