Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કિસાનપરાના ૨૬ વર્ષના કારડીયા રજપૂત યુવાન દેવુભાને સગા બનેવીએ જ દારૂમાં ઝેર ભેળવી પતાવી દીધો'તો!

ગત જન્માષ્ટમીની સાંજે દેવુભાને ઘરે બેભાન હાલતમાં બનેવી સહિતના શખ્સો મુકી ગયા'તાઃ તેણે દારૂ વધુ દારૂ પીતા બેભાન થઇ ગયાનું બનેવીએ જે તે વખતે કહ્યું હતું: પણ ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં ભાંડો ફૂટતાં એ-ડિવીઝન પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો : સસરા રમેશભાઇ સાકરીયાના એકના એક અપરિણીત વારસદાર દિકરાનું મોત થઇ જાય તો તેમની પુષ્કળ મિલ્કતો પોતાને મળી જાય તે ઇરાદે પડધરીના અશ્વિન ડોડીયાએ કાવત્રુ ઘડી મિત્રો નરેશ સરવૈયા અને અમિત ચોૈહાણ સાથે મળી ૨૪/૮ના સાંજે ભવાનીનગરમાં સાળા દેવુભાને દારૂ સાથે ઝેર આપી દીધુ'તું: પોલીસે એક આરોપીને સકંજામાં લઇ પુછતાછ આદરી

તસ્વીરમાં હત્યાનો ભોગ બનેલા દેવુભા રમેશભાઇ સાકરીયાનું નિવાસસ્થાન, તેનું રેસ્ટોરન્ટ તથા પાછળનો ડેલો (કે જ્યાંથી તેનો મૃતદેહ લાવવામાં આવ્યો હતો) જોઇ શકાય છે. તેમજ અન્ય તસ્વીરોમાં ઇકો કારમાં મૃતદેહ લાવીને ખાટલા મારફત અંદર લઇ જવાયો હતો એ દ્રશ્યો જોઇ શકાય છે. જે તે વખતે દેવુભા મૃત્યુ પામ્યાની તેના પિતા કે બીજા સ્વજનોને ખબર નહોતી. કારણ કે ત્યારે બનેવી અશ્વિન ડોડીયાએ દેવુભાએ વધુ દારૂ પીધો હોવાથી તે બેભાન છે, બે કલાકમાં સરખું થઇ જશે તેવી વાત કરી હતી. કાર આવે છે, પાંચ-છ શખ્સો ઉતરે છે, અંદરથી ખાટલો લાવે છે અને પછી કારમાંથી દેવુભાને કાઢી ખાટલામાં મુકી ખાટલો ચાર-પાંચ શખ્સો ઉંચકીને અંદર લઇ જતાં ફૂટેજમાં દેખાય છે.

રાજકોટ તા. ૧૫: પાંચ મહિના પહેલા જન્માષ્ટમીની મોડી રાતે કિસાનપરામાં રહેતાં  ઓમ પંજાબી એન્ડ ચાઇનીઝ નામે વેપાર કરતાં ૨૬ વર્ષિય કારડીયા રજપૂત યુવાન દેવુભા રમેશભાઇ સાકરીયાને તેના બનેવી સહિતના શખ્સો બેભાન હાલતમાં ઘરે મુકી ગયા હતાં. બીજા દિવસે તેને હોસ્પિટલમાં મૃત જાહેર કરાયો હતો. આ યુવાને વધુ પડતો દારૂ પી લેતાં તેનું મોત થયાનું જે તે વખતે તેના બનેવીએ કહ્યું હતું. પણ પરિવારજનોને મૃત્યુ શંકાસ્પદ જણાતાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયુ હતું. તેનો રિપોર્ટ આવતાં ધડાકો થયો છે. દેવુભાનું મોત ઝેરથી થયાનું ખુલતાં એ-ડિવીઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરતાં ખળભળાટ મચાવતી વિગતો સામે આવી હતી. દેવુભાને તેના જ સગા બનેવી અશ્વિન ડોડીયા સહિતે દારૂમાં ઝેર ભેળવી પાઇ દઇ હત્યા કર્યાનું ખુલ્યું છે. દેવુભા તેના પિતાની પુષ્કળ મિલ્કતનો એકમાત્ર વારસદાર હતો, તેના મોત પછી મિલ્કતોનો માલિક પોતે બની જાય તે માટે થઇને બનેવી અશ્વિને સાળાની હત્યા કર્યાનું સામે આવતાં ચકચાર મચી ગઇ છે.

ઘટનાની વિગતો જોઇએ તો  સાતમ- આઠમના તહેવારો વખતે ૨૪/૮/૧૯ના એટલે કે જન્માષ્ટમીની મોડી રાત્રે કિસાનપરામાં રહેતાં અને કિસાનપરાથી અન્ડરબ્રિજ તરફ જતાં રોડ પર ખોડિયાર વોટર સપ્લાય અને ઓમ પંજાબી-ચાઇનીઝ ફૂડ નામે ધંધો કરતાં કારડીયા રજપૂત યુવાન દેવુભા રમેશભાઇ સાકરીયા (ઉ.૨૬)નું ભેદી રીતે મોત નિપજ્યું હતું. મોડી રાતે ચારેક શખ્સો તેને બેભાન હાલતમાં હોટેલ પાસે મુકીને જતાં રહ્યા બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ, પરંતુ ત્યાં તેણે દમ તોડી દીધો હતો. જે તે વખતે મૃતહેદનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરી વિસેરા લઇ ફોરેન્સિક લેબમાં તપાસાર્થે મોકલાયા હતાં. જેનો રિપોર્ટ આવતાં તેમાં દારૂ સાથે ડાયોકલોરવોસ નામના ઓર્ગેનો નોન-થાયો ફોસ્ફરસ નામના રાસાયણિક પ્રકારનું ઝેર હોવાનું સામે આવતાં આ બનાવ હત્યાનો હોવાનું ખુલ્યું હતું.

એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજા અને ટીમે હત્યાનો ભોગ બનેલા યુવાન દેવુભા સાકરીયાના પિતા રમેશભાઇ થોભણભાઇ સાકરીયા (કારડીયા રજપૂત) (ઉ.વ.૬૫)ની ફરિયાદ પરથી તેના જ સગા જમાઇ અશ્વિન રાઘવજીભાઇ ડોડીયા (રહે. મોટા રજપૂતપરા પડધરી), તેના મિત્રો નરેશ ઉર્ફ પોલીયો નરસીભાઇ સરવૈયા (રહે. ભવાનીનગર-૨, રામનાથપરા પાસે) તથા અમિત ભીખાભાઇ ગુંદરી (ચોૈહાણ) (રહે. ભવાનીનગર, રાજકોટ) સામે આઇપીસી ૩૦૨, ૧૨૦ (બી), ૪૦૩ મુજબ  કાવત્રુ ઘડી દેવુભાને દારૂમાં ઝેર ભેળવી પીવડાવી તેનો મોત નિપજાવી બાદમાં ઇકો કારમાં તેના ઘરે (રેસ્ટોરન્ટ ખાતે) તેને ખાટલામાં સુવડાવી દેવુભા વધુ પડતો દારૂ પી ગયા છે, પછી સારું થઇ જશે તેમ કહી ભાગી જઇ હત્યા નિપજાવી તેમજ દેવુભાના ખિસ્સામાંથી રૂ. ૯૦ હજાર પણ કાઢી લીધાનો ગુનો નોંધ્યો છે.

એકનો એક દિકરો ગુમાવનારા રમેશભાઇ સાકરીયાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું કિસાનપરા-૪માં ખોડિયાર પેલેસ નામના મકાનમાં રહુ છું અને મહિલા કોલેજ અન્ડર બ્રિજની બાજુમાં ખોડિયાર વોટર સપ્લાયર તથા ઓમ પંજાબી એન્ડ ચાઇનીઝ નામે વેપાર કરુ છું. મારે સંતાનમાં આઠ દિકરીઓ અને એક દિકરામાં દેવુભા સોૈથી નાનો અને અપરિણીત હતો. તે અમારી સાથે જ ધંધો કરતો હતો.

તા. ૨૨/૮/૨૦૧૯ના મારી દિકરી જાગૃતિબેન કે જે પડધરી સાસરે છે તે સાતમ-આઠમ કરવા અમારા ઘરે આવી હતી. અમારા જમાઇ અશ્વિન રાઘવજીભાઇ ડોડીયા ૨૩/૮ના સાંજે સાતેક વાગ્યે અમારા ઘરે આવ્યો હતો અને રોકાયો હતો. ૨૪/૮ના સાંજે છએક વાગ્યે હું રેસ્ટોરન્ટ પર હતો ત્યારે મારો દિકરો દેવુભા તેનું એકટીવા જીજે૦૩એચએલ-૦૦૫૨ લઇને ગયો હતો. એ પછી મારો જમાઇ અશ્વિન પણ મારું એકસેસ જીજે૦૩એચજી-૯૩૯૮ મારી પાસેથી માંગીને હું હમણા આવું છું...તેમ કહીને નીકળી ગયો હતો.

થોડીવાર પછી મેં બહાર નીકળીને જોતાં મારા દિકરા દેવુભાનું એકટીવા અમારા રેસ્ટોરન્ટની પાછળ પડેલુ જોવા મળ્યું હતું. જેથી મારો દિકરો તેના બનેવી અશ્વિનને સાથે ગયાની ખબર પડી હતી. આ બંને ઘણીવાર સાથે દારૂ પીતા હતાં. ત્યારબાદ હું અને મારા બીજા જમાઇ અમિતભાઇ પથુભાઇ પરમાર એમ બંને રેસ્ટોરન્ટમાં હતાં. રાત્રીના સાડા દસેક વાગ્યે રેસ્ટોરન્ટની પાછળના ભાગે ઇકો ગાડી આવી હતી. જેમાંથી પાંચ-છ જણા ઉતર્યા હતાં. અમારો જમાઇ અશ્વિન પણ સાથે હતો. એ લોકોએ મારા દિકરા દેવુભાને ઇકો કારમાંથી ઉતાર્યો હતો અને રેસ્ટોરન્ટ પાછળ ખાટલામાં સુવડાવી દીધો હતો. તેમજ અમારે જમવું છે, પાછળના ભાગે ટેબલ રાખી દો તેમ કહેતાં મેં ટેબલ રાખી દીધુ હતું અને એ બધા જમીને જતાં રહ્યા હતાં.

રેસ્ટોરન્ટમાં ગ્રાહકો વધારે હોઇ જેથી હું પણ કામે વળગી ગયો હતો. બીજા જમાઇ અમિત પણ મારી સાથે કામમાં હતાં. રાતે લગભગ પોણા બારેક વાગ્યે રેસ્ટોરન્ટના કર્મચારી ભીમભાઇએ કહ્યું હતું કે દેવુભાને ઉઠાડવા છતાં તે ઉઠતાં નથી અને કંઇ બોલતા પણ નથી. આથી હું ત્યાં ખાટલા પાસે ગયો હતો અને દેવુભાને ઉઠાડવા પ્રયાસ કર્યો હતો. પણ તે ન જાગતાં મારા ઘરના લોકો પણ આવી ગયા હતાં. એ દરમિયાન મારી દિકરી જાગૃતિએ મારા જમાઇ અશ્વિનને ફોન કરી 'દેવુભા તમારી સાથે આવેલ હતો અને હવે ઉઠતો કેમ નથી?' તેમ પુછતાં અશ્વિને કહેલું કે દેવુભા વધુ દારૂ પી ગયો છે એટલે કંઇ બોલતો નથી. બે કલાકમાં સારું થઇ જશે અને કયાંય એને લઇ જવાની જરૂર નથી તેમ કહ્યું હતું.

એ પછી ૨૫/૮ની મોડી રાત શરૂ થઇ ગઇ હતી. અમે ૧૦૮ને બોલાવતાં તેમાં દિકરાને સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતાં. જ્યાં રાતે સવા વાગ્યે ડોકટરે મારા કિદરા દેવુભાને મૃત જાહેર કરી મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમમાં રખાવ્યો હતો. ત્યારે ખબર પડી હતી કે દિકરાના ખિસ્સામાંથી રૂ. ૯૦ હજાર પણ ગાયબ છે. પોસ્ટ મોર્ટમ બાદ પોલીસે લાશ અમને સોંપી હતી. દેવુભાના મોત અંગે પોલીસ તપાસ કરતી હતી. તબિબોએ પોસ્ટ મોર્ટમ વખતે વિસેરા લઇ પૃથક્કરણ માટે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલ્યા હતાં. તેનો રિપોર્ટ આવતાં વિસેરામાં ડાયોકલોરવોસ નામના ઓર્ગેનો નોન-થાયો ફોસ્ફરસ પ્રકારના રાસાયણિક ઝેરની હાજરી હોવાનો રિપોર્ટ પોલીસને મળ્યો હતો. તેની નકલ મને પણ અપાઇ હતી. અમે શંકા ઉપજતાં રેસ્ટોરન્ટની પાછળથી સીસીટીવી ફૂટેજ પેનડ્રાઇવમાં લીધા હતાં. જે પોલીસમાં રજૂ કર્યા હતાં.

તપાસ થતાં અમારા જમાઇ અશ્વિને જ કાવત્રુ ઘડી તેના મિત્રો સાથે મળી મારા દિકરા દેવુભાને દારૂમાં ઝેર ભેળવી પાઇ દઇ હત્યા કર્યાનું જણાયું હતું. હત્યા કરવા પાછળનું કારણ મારી તમામ મિલ્કતોનું જમાઇ અશ્વિનને વારસદાર બનવું હોઇ તે છે. દેવુભા મારો એકનો એક દિકરો હતો અને મારી તમામ મિલ્કતોનો વારસદાર હતો. તેનું મૃત્યુ થાય તો તમામ મિલ્કતો પોતાને મળી જાય તવો ખયાલ મારા જમાઇ અશ્વિન ડોડીયાને લાગતું હોઇ તેણે કાવત્રુ રચી મારા દિકરાની હત્યા કરી હતી. મેં તપાસ કરતાં ખબર પડી હતી કે ૨૪મીએ મારા દિકરા દેવુભાને મારા જમાઇ અશ્વિને ભવાનીનગર-૨માં નરેશ ઉર્ફ પોલીયો નરેશભાઇ સરવૈયા (કોળી)ના ઘરે દારૂ પીવા બેસાડ્યો હતો. સાથે અમિત ગુંદરી (ઓડ) પણ હતો. આ ત્રણેયએ કાવત્રાના ભાગ રૂપે મારા દિકરાને દારૂમાં ઝેર ભેળવી પાઇ દીધું હતું અને હત્યા કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની અને એસીપી એસ.આઇ. ટંડેલની રાહબરીમાં પીઆઇ એન. કે. જાડેજા, પીએસઆઇ એસ.વી. સાખરા, એએઅસાઇ રણજીતસિંહ ઝાલા, વિજયસિંહ જાડેજા, દિપકભાઇ રાઠોડ સહિતે ગુનો નોંધી આરોપીઓને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

સાળો-બનેવી અવાર-નવાર દારૂ પીતા તેનો ગેરફાયદો બનેવીએ ઉઠાવ્યો

. પોલીસ તપાસમાં ખુલ્યું છે કે દેવુભા અને તેના બનેવી અશ્વિન ડોડીયા ઘણીવાર સાથે દારૂ પીવા બેસતાં હતાં. બનેવી અશ્વિને તેનો જ ફાયદો ઉઠાવી લીધો હતો અને પ્લાન ઘડી ૨૪મીએ સાળાને ભવાનીનગરમાં મિત્રના ઘરે લઇ જઇ ત્યાં પાર્ટી કરી સાળાના ધ્યાન બહાર તેના ગ્લાસમાં દારૂ સાથે ઝેર ભેળવી દીધું હતું. એ ઝેરવાળો દારૂ દેવુભા પી ગયા બાદ પ્રાણ નીકળી ગયા હતાં. પણ એ જીવે છે અને વધુ દારૂ પીતા બેભાન થઇ ગયો છે તેવી સ્ટોરી ઘડી તેને ઘરે મુકી અશ્વિન સહિતના જમીને જતાં રહ્યા હતાં.

દેવુભા આઠ બહેનનો એક જ ભાઇ અને અપરિણીત હતો

. બનેવી અને બનેવીના મિત્રોના હાથે હત્યાનો ભોગ બનેલો દેવુભા સાકરીયા આઠ બહેનનો એક જ નાનો ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતો. દેવુભાના બહેનોમાં પ્રફુલાબેન દિલીપભાઇ ડોડીયા (પડધરી સાસરે), જાગૃતિબેન અશ્વિનભાઇ ડોડીયા (પડધરી સાસરે), અનિલાબેન ધર્મેશભાઇ નકુમ (રાજકોટ સાસરે), શિલ્પાબેન વિજયભાઇ રાઠોડ (રાજકોટ, હાલ રિસામણે), દિવ્યાબેન અમીસિંહ પરમાર (મોરબી સાસરે), જાનકીબેન કલ્પેશભાઇ ડોડીયા (રાજકોટ સાસરે), ભુમિબેન જયભાઇ હેરમા (રાજકોટ નવાગામ સાસરે છે. જ્યારે નિકીતાબેન પિતા રમેશભાઇ સાકરીયા સાથે રહે છે. દેવુભાના લગ્ન થયા નહોતાં. તે પિતા-બહેન સહિતના પરિવારજનો સાથે રહી પિતા સાથે ધંધો કરતો હતો. એકના એક વીરાની હત્યા થયાનું ખુલતાં બહેનો-સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.

વજનદાર દેવુભા બે-ચાર જણાથી ઉપડે તેમ ન હોઇ ગોદડામાં ઝોળી કરીને ખાટલામાં સુવડાવ્યો'તો

.બનેવી અશ્વિન ડોડીયા અને તેના મિત્રોએ દેવુભાને દારૂમાં ઝેર ભેળવી મોતને ઘાટ ઉતાર્યા બાદ તે વધુ દારૂ પી જતાં બેભાન થઇ ગયો છે તેવું ખોટુ બોલી તેને ભવાનીનગરમાંથી તેના ઘર પાસે રેસ્ટોરન્ટની પાછળના ભાગે ઇકો કાર મારફત લાવી કારમાંથી રેસ્ટોરન્ટ પાછળ ખાટલામાં ગોદડા સહિત ઉઠાવીને સુવડાવ્યો હતો. દેવુભાનું વજન વધુ હોઇ તે બે-ચાર જણાથી ઉપડી ન શકતાં ગોદડામાં ઝોળી કરવી પડી હતી.

હત્યા બાદ સાળાની લાશ નજીક જ બેસીને બનેવી અશ્વિને મિત્રો સાથે ભોજનની મોજ માણી ને નીકળી ગયો

.બનેવી અશ્વિન ડોડીયા અને તેના મિત્રોએ દેવુભાને બેભાન હાલતમાં રેસ્ટોરન્ટ લાવ્યા હતાં અને પાછળના ભાગે ખાટલામાં સુવડાવ્યા બાદ સસરા રમેશભાઇને અશ્વિને 'અમારે જમવું છે, ટેબલ મુકાવી દ્યો' તેમ કહેતાં સસરાએ ટેબલ મુકાવી દીધુ હતું અને જમાઇ અશ્વિન તથા તેની સાથેના તેના મિત્રોને પ્રેમથી જમાડ્યા હતાં. તે વખતે રમેશભાઇને કયાં ખબર નહોતી કે તેનો દિકરો કે જે ટેબલની બાજુના ખાટલામાં સુવડાવાયો છે તેને ખુબ સગા બનેવીએ જ દારૂમાં ઝેર પાઇ પતાવી દીધો છે!...અશ્વિને પણ જાણે કંઇ બન્યું ન હોઇ તેમ સાળાની લાશ નજીક જ મિત્રો સાથે ટેબલ પર બેસી પેટ ભરીને ભોજન કર્યુ હતું અને બાદમાં મિત્રો સાથે નીકળી ગયો હતો.

દેવુભા કેમ ઉઠતો નથી...એવું પુછાતાં અશ્વિને કહ્યું'તું વધુ દારૂ પીધો છે, બે કલાકમાં સારું થઇ જશે, કયાંય લઇ જવાની જરૂર નથી!

.૨૪/૮ની રાતે દેવુભાને તેનો બનેવી અશ્વિન અને તેના મિત્રો બેભાન હાલતમાં ખાટલામાં સુવડાવી નીકળી ગયા બાદ તે મોડે સુધી ન ઉઠતાં અને જવાબ ન દેતો હોઇ અશ્વિનને ફોન કરીને આ બાબતે પુછતાં તેણે કહ્યું હતું કે-તે વધુ દારૂ પી ગયો છે, બે કલાકમાં સારું થઇ જશે...તેને કયાંય લઇ જવાની જરૂર નથી. આથી પરિવારજનોએ થોડીવાર રાહ જોઇ હતી. આમ છતાં તે ન જાગતાં તેને ૧૦૮ બોલાવી હોસ્પિટલે ખસેડાયો હતો. પરંતુ ત્યારે એ મૃતદેહ જ હોવાનું તબિબે જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો.

દેવુભાના પિતા રમેશભાઇ સાકરીયા પાસે અઢળક મિલ્કતો...આ મિલ્કતોની લાલચ જમાઇને જાગી હતી

. હત્યાનો ભોગ બનનાર દેવુભા આઠ બહેનોનો એક જ ભાઇ અને પિતા રમેશભાઇ સાકરીયાનો એકનો એક દિકરો અને વારસદાર હતો. રમેશભાઇ પાસે મુળ વતન આણંદપર બાઘીમાં બે વાડી ૪૦ વિઘામાં, રોડ પર પ્લોટ-દૂકાનો તેમજ રાજકોટમાં કિસાનપરા ચોકમાં એક મકાન, બે ઓફિસો, રેસ્ટોરન્ટ તથા ૧૫૦ ફુટ રીંગ રોડ પર ૮૦૦ વારનો પ્લોટ છે. જેમાં બોર કરી પાણી સપ્લાયનું કામ કરવામાં આવે છે. આ ઉપરાંત ત્યાં ૧૩-૧૪ રૂમો પણ એ જગ્યાએ છે. પાણીના બે મોટા અને ચાર નાના ટેન્કરો પણ છે. તેમજ એક ફોરવ્હીલર અને ચાર-પાંચ ટુવ્હીલર છે. તમામ મિલ્કતો રમેશભાઇના નામે છે અને તેનો એક માત્ર વારસદાર દેવુભા હતો. તેના લગ્ન પણ થયા નહોતાં. આમ સસરાની આટલી મોટી મિલ્કતો જોઇ જમાઇ અશ્વિનને લાલચ જાગી હતી.

એકના એક ભાઇની હત્યા થતાં જાગૃતિબેન પતિ અશ્વિનનું મોઢુ જોવા પણ રાજી નથી

. અશ્વિનને સસરાની મિલ્કતોની લાલચમાં પોતાના જ સગા સાળા દેવુભાને કાવત્રુ ઘડી પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. અશ્વિનની પત્નિનું નામ જાગૃતિબેન છે અને અશ્વિનને સંતાનમાં ૧૭ વર્ષનો પુત્ર છે. તે પડધરી રજપૂતપરામાં રહે છે. જાગૃતિબેનને પોતાના ભાઇની હત્યા પતિ અશ્વિને જ કર્યાની ખબર પડતાં તે ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા હતાં. તે પતિનું મોઢુ જોવા પણ હવે રાજી નથી.

(1:13 pm IST)
  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST

  • આજ 15 જાન્યુઆરીના રોજ 72 મો વાર્ષિક " આર્મી ડે " : સૌપ્રથમવાર આર્મી પરેડનું નેતૃત્વ મહિલા કેપ્ટ્ન તાન્યા શેરગિલ કરશે : 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિન નિમિતે પણ આર્મી પરેડનું નેતૃત્વ તાન્યાના શિરે access_time 12:37 pm IST

  • બીએસએફએ કહ્યું કે ગઇરાત્રે એલઓસીને અડીને આવેલા નૌગામ સેક્ટરમાં બીએસએફ કેમ્પમાં હિમપ્રપાત થયો,ત્યાં તૈનાત બીએસએફના 7 જવાનમાંથી 6ને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા,ફસાયેલા એક બીએસએફ કોન્સ્ટેબલની શોધખોળ ચાલુ છે access_time 8:26 pm IST