Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

એ...કાયપો છે... રાજકોટમાં મકરસંક્રાંતિની ઉજવણી

બાળકોથી માંડી મોટેરાઓના આખો દિવસ અગાસીઓ ઉપર ધામાઃ અવનવા ગીતો સાથે પતંગ ઉડાડવાની મજા માણી : જીંજરા, ચીકી, બોર સાથે ઉંધીયાની જયાફત માણીઃ સાંજે આતશબાજી- ડાન્સ મસ્તીની ધૂમ વચ્ચે ઉજવણી

ચલી... ચલી... રે... પતંગ મેરી ચલી રે... રૂપાણી દંપતિએ પતંગ ઉડાડી : પદાધિકારીઓ - અધિકારીઓએ પણ પતંગ ઉડાડવાની મજા માણી : રાજકોટ : ગઈકાલે મકરસંક્રાંતિના પર્વે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી રાજકોટ આવ્યા હતા. તેઓએ પરીવારજનો, અધિકારીઓ - પદાધિકારીઓ સાથે પતંગ ઉડાડવાની મજા માણી હતી. તે પ્રસંગની તસ્વીરોમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે શ્રીમતી અંજલી બેન રૂપાણી, શ્રી ઋષભ રૂપાણી, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ, મ્યુનિસિપલ કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ, કલેકટર શ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, શ્રીમતી કૈલાશબેન ભંડેરી, શ્રી શૈલેષભાઇ હીરપરા (નિશાંત એકસપોર્ટ - જેતપુર), શ્રીમતી ઇલાબેન શૈલેષભાઇ હીરપરા, ડી.સી.પી. શ્રી મનોહરસિંહ જાડેજા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી દંપતિ, જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અભયભાઈ ભારદ્વાજ, જયોતિન્દ્રમામા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અશોક બગથરીયા)

રાજકોટ,તા.૧૫: ગઈકાલે મકરસંક્રાંતિ પર્વની રંગીલા રાજકોટીયન્સે ધામધુમથી ઉજવણી કરી હતી. બાળકોથી માંડી મોટેરાઓ સવારથી જ અગાસીઓ ઉપર ચડી ગયા હતા અને પતંગ ઉડાવાની સાથેસાથ જીંજરા, ચીકી, બોર સાથે ઉંધીયાની પણ જયાફત માણી હતી. આકાશ રંગબેરંગી પતંગોથી છલકાઈ ગયું હતું. ગીત- સંગીતના  તાલ સાથે લોકોએ મનભરીને પતંગ ઉડાડવાની મજા માણી હતી.

ખાસ કરીને બાળકોને મજા પડી ગઈ હતી. બાળકો સાથે યુવાવર્ગ તો સવારથી જ અગાસી- ધાબાઓ ઉપર ચડી ગયા હાતા. લોકોએ અગાસી ઉપર ટેપ પણ ચડાવી દીધા હતા. દિવસ દરમ્યાન અનેકવિધ ગીતો સાથે પતંગો ઉડાડવાની મોજ માણી હતી.

પતંગ ઉડાડવાની સાથોસાથ લોકોએ જીંજરા, ચીકી, બોર, ઉંધીયાની પણ જયાફત માણી હતી. આખો દિવસએ કાયપો છે...ના નારા સતત ગુજતા જોવા મળ્યા હતા. લોકોએ આખો દિવસ પતંગ ઉડાડવાની મજા અને પરિવારજનો સાથે મોજથી ઉજવણી કરી હતી.

ઓછો પવન હોવાં છતાં પતંગ રસિયા લોકોએ તેની ચિંતા કરી  ન હતી. ભરપુર મજા સવારથી જ લેવાની શરૂઆત કરવામાં આવી હતી.  સવારમાં ઓછા પવન હોવાના કારણે અપેક્ષા કરતા આકાશમાં ઓછા પતંગ દેખાયા હતા. બપોર બાદ સ્થિતિમાં સુધારો થયો હતો અને પતંગોની મજા જામી હતી.

ઉતરાયણની પતંગો ચગાવીને ઉજવણીની સાથે સાથે ઉત્તરાયણ પર્વ દાન, પુણ્ય માટે પણ હોય છે.  મોટા પાયે દાનની પ્રવૃતિ પણ શહેરમાં ચાલી હતી. સમગ્ર દિવસ દરમિયાન ખુલ્લા આકાશમાં રંગબેરંગી પતંગ ચગાવી અને સાથે ઉંધીયા જલેબીની લિજ્જત માણવામાં આવી હતી.  શહેરમાં ગરમા ગરમ ઉંધીયાના વેચાણના કેન્દ્રો જોવા મળ્યા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. બાળકો અને વયવૃદ્ધ સુધીના લોકો  ધાબા પર ચડી રંગબેરંગી પતંગો ચગાવતા નજરે પડ્યા હતો. ધાબા પર ઠેર ઠેર મ્યુઝીક સિસ્ટમ સાથે નાચગાન કરી પતંગ ચગાવવાનો અનેરો આનંદ માણવા શહેરવાસીઓ પહેલાથી જ સજ્જ દેખાયા હતા. ચારે બાજુ મોડી સાંજે નાચગાનના કાર્યક્રમ પર છત પર યોજાયા હતા.

(3:58 pm IST)
  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • પંજાબ સરહદે ફરીવાર બે પાકિસ્તાની ડ્રોન ભારતીય સીમામાં ઘુસ્યા જવાનોએ કર્યું ફાયરીંગ : પંજાબ સાથે જોડાયેલી પાકિસ્તાની બોર્ડર તરફથી સોમવારની રાત ફરી એક વખત બે ૨ પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘૂસી આવ્યા હતા BSF જવાનોએ આ ડ્રોન ને નિશાન બનાવી ફાયરીંગ કર્યુ હતુ. અવારનવાર પાકિસ્તાની ડ્રોન ભારતની સીમામાં ઘુસી આવે છે. access_time 11:50 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારમાંથી અને મનીષ સીસોદીયા પ્રતાપગંજ બેઠક પરથી ચૂંટણી લડશે : આપની જાહેરાત access_time 9:00 pm IST