Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

મવડીમાં આંબલીની ડાળી કાપવા મામલે ડખ્ખોઃ પટેલ વૃધ્ધ અને પુત્રો પર હુમલો

બાજુની વાડીવાળા ચતુરભાઇ સહિતના પાંચ જણા તૂટી પડ્યા

રાજકોટ તા. ૧૫: મવડીમાં રહેતાં પટેલ વૃધ્ધે પોતાની વાડીના રસ્તા પર આડે આવતી આંબલીની એક ડાળી મજૂર પાસે કપાવતાં બાજુની વાડીવાળાએ વાંધો ઉઠાવી ઝઘડો કરી હુમલો કરતાં વૃધ્ધને તેમજ તેમના દિકરાઓને મુંઢ માર લાગતાં સારવાર લેવી પડી હતી. તાલુકા પોલીસે આ બારામાં મવડી ગામમાં ખોડિયાર ગેરેજ પાસે રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં લક્ષમણભાઇ કડવાભાઇ સોરઠીયા (ઉ.વ.૬૫) નામના પટેલ વૃધ્ધની ફરિયાદ પરથી ચતુર હરજીભાઇ, સંજય ચતુરભાઇ, વિપુલ ગોરધનભાઇ, પાંચા હરજીભાઇ અને લલિત ગોરધનભાઇ સામે આઇપીસી ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે.લક્ષમણભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે સોમવારે સવારે નવેક વાગ્યે હુંમ ારી વાડી જે સર્વોદય સ્કૂલ સામે ઇવેન્ટા પાર્ટી પ્લોટથી આગળ ૮૦ ફુટ રોડ પર આવેલી છે ત્યાં હતો ત્યારે રસ્તામાંએક આંબલીની ડાળી આડી આવતી હોઇ જેથી મારા મજૂર વિક્રમભાઇ પાસે આ આંબલીની ડાળી કપાવી હતી. જેથી મારી બાજુમાં જ ખેતર ધરાવતાં ચતુરભાઇએ મારી પાસે આવી 'આંબલીની ડાળી શું કામ કપાવી છે?' તેમ કહી બોલાચાલી કરી હતી. એ પછી ચતુરભાઇએ ફોન કરતાં તેના બીજા પરિવારજનો આવી જતાં બભાએ ભેગા મળી ગાળો દીધી હતી. ત્યાં મારા બે દિકરા અને કાકાનો દિકરો રમેશભાઇ પણ આવી જતાં તેઓને પણ આંબલીની ડાળી બાબતે ગાળો દઇ ઝઘડો કર્યો હતો. એ પછી હું મારી ઓરડીની પાછળ ખાટલા પર બેઠો હતો ત્યારે લલીત ગોરધનભાઇએ આવી ધોકાથી હુમલો કરી ડાબા પડખે બે ઘા અને માથામાં એક ઘા ફટકારી દેતાં મેં રાડારાડી કરતાં તે ભાગી ગયેલ. મને ઇજા થઇ હોઇ હોસ્પિટલમાં ખસેડાયો હતો. મારા દિકરા સુરેશ અને સંજય તથા વિપુલભાઇ સાથે પણ એ લોકોએ ઝપાઝપી કરી મુંઢ માર માર્યો હતો.

પીએસઆઇ જી.એસ. ગઢવી અને હેડકોન્સ. એચ. જી. રાઠોડે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)