Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

રાજકોટમાં પતંગના દોરાથી ઇજાના ૫૦થી વધુ બનાવો

સિવિલ હોસ્પિટલમાં સવારથી મોડી સાંજ સુધી ઘાયલોની આવકઃ ખાસ ઓપરેશન થિએટરમાં તબિબો, નર્સિંગ સ્ટાફ સતત ખડેપડે

રાજકોટ તા. ૧૫: શહેરમાં મકર સંક્રાંતને દિવસે પતંગના દોરાથી ઇજા થવાના પચાસેક બનાવોમાં સિવિલ હોસ્પિટલમાં ખાસ ઓપરેશન થિએટરમાં સારવાર અપાઇ હતી. સવારથી મોડી સાંજ સુધી દોરાથી ઇજા થઇ હોય તેવા લોકોની સતત આવક રહી હતી. આ કારણે ઇએનટી સર્જરીના તબિબો, નર્સિંગ સ્ટાફ અને ઇમર્જન્સી વોર્ડનો સ્ટાફ સતત ખડેપગે રહ્યો હતો. આ ઉપરાંત પતંગ ચગાવતી વખતે અગાસીએથી પડી જવાના બનાવો પણ નોંધાયા હતાં.

પ્રાપ્ત માહિતી મુજબ દૂધની ડેરી પાસે મેરામ બાપાની વાડી નજીક રહેતાં મુસ્તાકભાઇ હબીબભાઇ ફુલાણી (ઉ.૪૫) સંક્રાંતની સવારે બાઇક હંકારી ઉપલેટાથી રાજકોટ આવી રહ્યા હતાં ત્યારે પીરવાડી પાસે પતંગનો દોરો ગળામાં આવી જતાં ફેંકાઇ જતાં ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતાં. ગોંડલના મોટા દડવામાં રહેતો પંકજ માવજીભાઇ જસાણી (ઉ.૩૦) સંક્રાંતની સવારે અગાસીએ પતંગ ઉડાડતી વખતે પડી જતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. બામણબોરમાં અમિત દિનેશભાઇ સોરાણી (ઉ.૫) સંક્રાંતની બપોરે પતંગ ચગાવતી વખતે અગાસી પરથી પટકાતાં ઇજા થઇ હતી. રાજકોટ ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે પાણીના ટાંકા નજીક રહેતો રમેશ ચીંગુભાઇ (ઉ.૧૯) નામનો યુવાન સાંજે ચારેક વાગ્યે રૈયા ગામ જવાના રસ્તે બાપા સિતારામ ચોકમાં પહોંચ્યો ત્યારે ગળામાં પતંગનો દોરો આવી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.

(11:50 am IST)