Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

આજે મુંબઈમાં અને શુક્રવારે રાજકોટમાં મહામુકાબલો

ઘરઆંગણે આવી ચૂકેલી અત્યાર સુધીની સૌથી મજબૂત ટીમ સામે બરાબરનો જંગ જામશે : બુધવારે બપોરે ૧૨:૩૦ આસપાસ બંને ટીમો રાજકોટ આવી પહોંચશે : ૧૬મીએ બંને ટીમોની નેટપ્રેકટીસઃ વિરાટ-રોહિત-ધવન સહિતના સ્ટાર ક્રિકેટરોના આગમનથી ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડશેઃ રાજકોટમાં છવાશે ક્રિકેટ ફીવર : રોહિત, ધવન અને રાહુલની ત્રિપુટીમાંથી કોની બનશે ટીમ ઈન્ડિયાની ઓપનીંગ જોડી? : રાહુલનો વિકેટકીપર તરીકે ઉપયોગ કરવાની વિચારણા

ટીમ ઈન્ડિયાને આ વખતે હોટલ સયાજીમાં ઉતારો : હોટલ બહાર પોસ્ટરો : રાજકોટ : ૧૭મીના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટના ખંઢેરીના મેદાનમાં મુકાબલો રમાનાર છે ત્યારે આ વખતે ભારતીય ટીમને સયાજી હોટેલમાં ઉતારો આપવામાં આવ્યો છે. હોટલની બહાર જાડેજા, રોહિત, વિરાટ, ધવન, બુમરાહ, કેદાર સહિતના ખેલાડીઓના પોસ્ટરો રાખવામાં આવ્યા છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ, તા. ૧૩ : મકરસંક્રાંતિ બાદ રાજકોટમાં ક્રિકેટ ફીવર છવાશે. આજે મુંબઈમાં અને ત્યારબાદ ૧૭મીએ રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો રમાનાર છે. શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ જેવી ટીમો સામે સીરીઝ ભારતે જીતી લીધી હતી. હવે વિશ્વની સૌથી મજબૂત ટીમ સામે મુકાબલો થવાનો છે. ત્રણ મેચોની વન-ડે સીરીઝ રમાનાર છે. દુનિયાની બે મજબૂત ટીમો વચ્ચે જંગ જામશે.

ત્રણ મેચોની વન-ડે સીરીઝનો આવતીકાલે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાનાર છે. કાંગારૂઓ કરતાં ભારતની ટીમ મજબૂત છે. બંને ટીમોએ ગઈકાલે અને આજે પણ નેટ પ્રેકટીસ કરી હતી. આજે પ્રથમ ડે એન્ડ નાઈટ મેચ રમાયા બાદ ૧૫મીએ બંને ટીમો રાજકોટની ફલાઈટમાં ૧૨:૩૦ વાગ્યાની આસપાસ આવી પહોંચશે. આમ ક્રિકેટફીવર છવાશે.૧૬મીએ બંને ટીમો સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત મેદાનમાં નેટ પ્રેકટીસ કરશે. ૧૭મીએ મહાજંગ ખેલાશે.

ઇન્ડિયન ક્રિકેટ ટીમ હાલના સમયમાં જે પ્રમાણે ફોર્મમાં ચાલી રહી છે એ ખરેખર કાબિલે તારીફ છે. રોહિત શર્મા, શિખર ધવન અને લોકેશ રાહુલ એ ત્રણેય પ્લેયરો ટીમ ઇન્ડિયાને સારી શરૂઆત અપાવવા ફોમમાં ચાલી રહ્યા છે એમ કહી શકાય, પણ આ પ્લેયરોમાંથી હવે કયા બે પ્લેયરોને રમવા મેદાનમાં ઉતારવા એ ટીમ માટે એક દ્વિધા બની ગઈ છે.

આ બાબતે બેટિંગ-કોચ વિક્રમ રાઠોડનું કહેવું છે કે આ ત્રણેયમાંથી કોઈ પણ એક પ્લેયર બહાર બેસે તો મને વાંધો દેખાતો નથી. આ એક સારી વાત છે કે ટીમના પ્લેયર્સ ફોર્મમાં ચાલી રહ્યા છે. સ્વાભાવિક છે કે રોહિત રમશે અને શિખર તેમ જ રાહુલ પણ સારું પરફોર્મ કરી રહ્યા છે. વન-ડેમાં શિખર સારો પ્લેયર છે. જોકે આ બાબતે ચર્ચા કરવા ટીમ મેનેજમેન્ટ સાથે બેસશે અને નિર્ણય લેશે.

નોંધવા જેવી વાત છે કે રોહિત અને રાહુલે નેટમાં સાથે પ્રેકિટસ કરી હતી, જયારે શિખરે આરામ કર્યો હતો. સામા પક્ષે જો ટીમ રાહુલ અને ધવનને ઓપનિંગ માટે રમવા ઉતારે તો તેમનું રાઇટ-લેફ્ટ કોમ્બિનિશન પણ સચવાયેલું રહેશે. એવામાં ટીમ કયા પ્લેયરને લઈને મેદાનમાં રમવાનો નિર્ણય લે છે એ જોવાનું રહેશે. સામા પક્ષે રાહુલને ટીમના વિકેટકીપર તરીકેની જવાબદારી સોપવા વિશે પણ વિચારણા કરવામાં આવી શકે છે.

(9:58 am IST)