Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રાજકોટમાં કિસાનપરાથી કેસરી પુલ સુધી વહેલી સવારે ગેસ જેવી ભેદી દૂર્ગંધ પ્રસરી

ફાયર બ્રિગેડની ટીમોએ ઠેકઠેકાણે તપાસ કરી પણ દૂર્ગંધ કયાંથી આવતી હતી તેની ખબર જ ન પડી!

રાજકોટ તા. ૧૫: શહેરમાં આજે વહેલી સવારે છએક વાગ્યે કિસાનપરા ચોકથી છેક હોસ્પિટલ ચોકી, કેસરી પુલ સુધી ગેસ લિક થયો હોય તેવી વિચીત્ર ભેદી દૂર્ગંધ પ્રસરી જતાં દોડધામ મચી ગઇ હતી. સવારે વોકીંગમાં નીકળતાં લોકોએ તથા બીજા લોકોએ આ દૂર્ગંધ અનુભવતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જો કે જુદી-જુદી ટીમોએ અલગ-અલગ સ્થળે તપાસ કરી હતી પણ દૂર્ગંધ કયાંથી આવતી હતી તે જાણી શકાયું નહોતું.

સવારે છએક વાગ્યે ફાયર બ્રિગેડમાં કિસાનપરા આમ્રપાલી ફાટક પાસેથી, ધરમ ટોકિઝ પાસેથી તથા હોસ્પિટલ ચોકમાંથી અલગ-અલગ લોકોએ ફોન કરી દૂર્ગંધ આવતી હોવાની જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમો તપાસ માટે દોડી હતી. કોઇ મકાનમાંથી ગેસ લિક તો નથી થયો ને? તેની તપાસ કરી હતી. તેમજ જીએસપીસીની ગેસ લાઇન તો લીક થઇ નથી ને? તે જાણવા તેની ટીમોને પણ બોલાવી હતી. જુદી-જુદી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી પરંતુ દૂર્ગંધ કયાંથી આવી તે ખબર પડી નહોતી.

ફાયર બ્રિગેડ સુત્રોનું એવું અનુમાન હતું કે કદાચ ભૂગર્ભ ગટરમાં ગેસ ભરાઇ જવાને કારણે આમ થયું હશે? જો કે દૂર્ગંધ શાની હતી તે કોઇને ખબર પડી નહોતી. વહેલી સવારે દૂર્ગંધની લોકો હેરાન પરેશાન થઇ ગયા હતાં.

(3:51 pm IST)