Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

૧૫મી જાન્યુઆરી, આજે રાષ્ટ્રીય સેના દિવસ

દેશના સીમાડા સાચવતા સેનાના જવાનોને સેલ્યુટ

રાજકોટ : આપણો દેશ ૧૫, ઓગષ્ટ-૧૯૪૭ના દિવસે વિદેશી શાસન માંથી આઝાદ થયો પરંતુ તે વખતે દેશમાં બ્રિટીશ ભારતીય સેના કાર્યરત હતી. સેનાનો કમાન્ડ બ્રિટીશ કમાન્ડર ઇન ચીફ જનરલ રોય બુશરના હાથમાં હતો. ત્યારબાદ ૧૫ જાન્યુઆરી-૧૯૪૯ના દિવસે આપણી સેના પૂર્ણપણે આઝાદ થઇ અને ભારતીય સશસ્ત્ર સેનાના નામે અસ્તિત્વમાં આવી. આ દિવસે ભારતીય સેનાની કમાન્ડ એક ભારતીયને સોંપવામાં આવી. આપણા પહેલા કમાન્ડર ઇન ચીફ કે.એમ. કરિયપ્પા બન્યા. ત્યારથી ૧૫ જાન્યુઆરીને આપણે રાષ્ટ્રીય સેના દિવસ તરીકે ઉજવીએ છીએ.

ભારતીય સેનાનો મુખ્ય ઉદ્દેશ રાષ્ટ્રની સુરક્ષા અને રાષ્ટ્રવાદ દ્વારા એકતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવી, રાષ્ટ્રને બહારના આક્રમણો તથા આંતરિક જોખમોથી બચાવવું તથા આપણી સીમાઓ ઉપર શાંતિ અને સલામતી બનાવી રાખવાનો છે. ઉપરાંત દેશમાં કુદરતી આફતો સમયે તથા અન્ય આંતરિક અશાંતિ સમયે જાનમાલના બચાવ અભિયાનો પણ ચલાવે છે.

ભારતીય સેનાનો ઇતિહાસ ગૌરવવંતો અને જ્વલંત વિજયોથી ભરેલો છે. આઝાદી વખતે ર (બે) લાખ સેનાકર્મીઓ ધરાવતી આપણી સેનામાં અત્યારે ૧૨ લાખથી વધુ સૈનિકો, નેવુ હજારથી વધારે રીઝર્વ ફોર્સના જવાનો ઉપરાંત અત્યંત આધુનિક યુદ્ધ વિમાનો, હેલીકોપ્ટરો, ટેન્કો, તોપો, મીસાઈલો, રાઈફલો વગેરેનો સમાવેશ થાય છે.

આપણી સેના પાકિસ્તાન સાથે ચાર યુદ્ધો તથા ચીન સાથે એક યુદ્ધ લડી ચૂકેલ છે. ભારતીય સેના દ્વારા ચલાવવામાં આવેલ મુખ્ય અભિયાનોમાં 'ઓપરેશન વિજય', 'ઓપરેશન મેઘદુત', 'ઓપરેશન બ્લ્યુ સ્ટાર', 'ઓપરેશન કૈકટસ', 'ઓપરેશન ઓલઆઉટ' વગેરે સામેલ છે. સંયુકત રાષ્ટ્રના શાંતિ મિશનોમાં પણ ભારતીય સેના સક્રિય ભાગીદાર રહી છે.

ભારતીય સેનાના વીર જવાનોનો ઈતિહાસ સંપૂર્ણ રાષ્ટ્રવાદ અને માભોમ પ્રતિ સમર્પણ ભાવથી તરબોર ભરેલો છે. જીવને મુઠીમાં લઈ ટાઢ, તડકો, વરસાદ, કાદવ-કિચડ, બરફ અને કુદરતી તોફાનોની વચ્ચે પણ રાત-દિન અડીખમ રહી દેશ સેવા કાજે ફરજ બજાવતા આપણા વીર જવાનો આપણુ ગૌરવ છે અને ખરા અર્થમાં 'રીઅલ હીરો' છે.

ભારતીય સેના પ્રતિ દેશવાસીઓમાં સન્માન-આદરભાવ વધે તેવા પ્રયત્નો આપણે સૌએ કરવા જોઈએ એ જ સેના દિનની સાચી ઉજવણી હોય શકે.

(3:49 pm IST)