Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

જમવાનું આપવામાં વાર કેમ લગાડો છો? કહી દાવત રેસ્ટોરન્ટના સંચાલક બંધુ પર હુમલોઃ પાંચ પકડાયા

સંક્રાંતની રાત્રે સાધુ વાસવાણી રોડ પર બનાવઃ યુનિવર્સિટી પોલીસે રાતોરાત નવકુંજ બારોટ અને સાથેના ગિરીરાજસિંહ ગોહિલ, દિપકસિંહ રાણા, કરણ કારીયા અને રોનક લીંબાસીયાને શોધી કાઢી ધરપકડ કરી

રાજકોટ તા. ૧૫: મકર સંક્રાંતિની રાત્રે સાધુ વાસવાણી રોડ પર આવેલા દાવત રેસ્ટોરન્ટમાં જમવા આવેલા શખ્સોએ પોતાના ઓર્ડરમાં વાર લાગતાં ડખ્ખો કરી રેસ્ટોરન્ટના સંચાલક બે કોળી ભાઇઓ પર હુમલો કરી પાઇપ અને ઢીકા-પાટુનો માર મારી ખૂનની ધમકી આપતાં ફરિયાદ નોંધાવાઇ હતી. યુનિવસિટી પોલીસે રાતોરાત તપાસ કરી પાંચ શખ્સોને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્યું હતું.

રૈયા રોડ પેરેડાઇઝ હોલ સામે દર્શન પાર્ક-૧માં રહેતાં વિજય ગણેશભાઇ સોલંકી (ઉ.૨૭) અને તેનો ભાઇ વિપુલ ગણેશભાઇ સોલંકી (ઉ.૩૦) રાત્રે સાધુ વાસવાણી રોડ પર આવેલા પોતાના દાવત રેસ્ટોરન્ટ પર હતાં ત્યારે જમવા આવેલા અજાણ્યા ચાર-પાંચ શખ્સોએ ગાળગાળી કરી બંનેને પાઇપથી અને ઢીકા-પાટુનો માર મારી ઇજા કરતાં તેમજ મારી નાંખવાની ધમકી આપતાં બંને ભાઇ સારવાર માટે સિવિલમાં દાખલ થયા હતાં.

યુનિવર્સિટી પોલીસ મથકના એએસઆઇ હરદેવસિંહ રાયજાદાએ વિપુલની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો. હુમલો કરનારા પૈકીના એકનું નામ નવકુંજ બારોટ હોવાનું જણાવતાં નવકુંજ તથા બીજા  અજાણ્યા સામે એફઆઇઆર નોંધી પોલીસે ચારેયની શોધખોળ હાથ ધરી હતી.  વિપુલના કહેવા મુજબ તહેવારને કારણે રેસ્ટોરન્ટમાં ખુબ જ ગિરદી હતી. આ વખતે ચારેય જમવા આવ્યા હતાં અને ઓર્ડર આપ્યો હતો. પણ વધુ ગ્રાહકો હોવાથી તેઓનો ઓર્ડર પુરો પાડવામાં થોડો વધુ સમય લાગતાં ઉશ્કેરાઇ ગયા હતાં અને ગાળાગાળી કરી આતંક મચાવ્યો હતો.

ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી એસ.આર. ટંડેલની રાહબરી અનેં પી.આઇ. આર. વાય. રાવલની સુચના મુજબ  એએસઆઇ એચ. એન. રાયજાદા, કોન્સ. ભગીરથસિંહ ખેર સહિતે તપાસ કરી પાંચ શખ્સો નવકુંજ પ્રફુલભાઇ નાથાણી (બારોટ) (ઉ.૩૧-રહે. બી-૩૨૭, યોગેશ્વર પાર્ક ફલેટ ચોથો માળ, સાધુ વાસવાણી રોડ), ગિરીરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ (ઉ.૨૪-રહે. શિવધારા સોસાયટી વિમલનગર), દિપકસિંહ હકુમતસિંહ રાણા (ઉ.૨૦-રહે. યોગેશ્વર પાર્ક બી-૪૧૭, સાધુ વાસવાણી રોડ), કરણ મિતેશભાઇ કારીયા (ઉ.૨૩-રહે. યોગેશ્વર પાર્ક એ-૨/૨૦) તથા રોનક મગનભાઇ લીંબાસીયા (ઉ.૨૨-રહે. યોગેશ્વર પાર્ક, આકાશવાણી પાછળ બી-૨/૧૨)ની  ધરપકડ કરી છે.

(3:45 pm IST)