Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચેમ્બરને ફરી ધમધમતી કરશું: વેપારીઓ 'વાયબ્રન્ટ' પેનલને જીતાડે

રાજકોટની વેપારી-આલમ-ઉદ્યોગ આલમનાં પ્રાણપ્રશ્નોની સચોટ-પરીણામલક્ષી રજુઆતો કરશુઃ ચેમ્બરની ગરીમા પુનઃ સ્થાપીત કરશું: સૌને સાથે લઇ ચાલશું : વેપારીઓ 'વાયબ્રન્ટ'પેનલના ર૪ ઉમેદવારોની તરફેણમાં જંગી મતદાન કરેઃ વી.પી.વૈષ્ણવનાં નેતૃત્વ હેઠળની વાયબ્રન્ટ પેનલની પત્રકાર પરીષદઃ વિકાસ એજ પ્રાધાન્ય

ચેમ્બરની ચુંટણી લડતી વાયબ્રન્ટ પેનલ દ્વારા આજે પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું તે સમયની તસ્વીર. તસ્વીરમાં પત્રકારોને સંબોધતા વી.પી.વૈષ્ણવ ઉપરાંત પુર્વ પ્રમુખ શિવલાલભાઇ બારસીયા, પુર્વ ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા સહીત પેનલના તમામ ઉમેદવારો તસ્વીરમાં નજરે પડે છે. આ પ્રસંગે પીઢ અગ્રણી રમણીકભાઇ જસાણી પણ ઉપસ્થિત રહયા હતા તે સમયની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧પઃ આવતીકાલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની કારોબારી સમીતીની રસપ્રદ ચુંટણી યોજાઇ રહી છે તે પુર્વે આજે સવારે વી.પી.વૈષ્ણવના નેતૃત્વ હેઠળની વાયબ્રન્ટ પેનલ દ્વારા પત્રકાર પરીષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેઓએ રાજકોટના વેપાર-ઉદ્યોગ આલમને આ પેનલના ર૪ ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરતા કહયું હતું કે અમે જો સતારૂઢ થશુ તો ચેમ્બરને ફરી ધમધમતી કરશું. વેપારીઓના પ્રાણપ્રશ્નો માટે સતત  સચોટ રજુઆત કરી પરીણામ લાવવા પ્રયાસ કરશું. એટલું જ નહી ચેમ્બરની ગરીમા પુનઃ સ્થાપીત કરશું. સૌને સાથે રાખી ચાલશુ તથા એજન્ડા મુજબ કાર્યવાહી કરતા રહીશું.

વાયબ્રન્ટ પેનલના સુત્રધાર વી.પી.વૈષ્ણવને પત્રકાર પરીષોદને સંબોધતા જણાવ્યું હતું કે આવતા ૬ માસમાં અનેકવિધ પ્રવૃતિઓ-કાર્યક્રમો કરવા અમારૂ આયોજન છે. તેમણે કહયું હતું કે રાજકોટના એરપોર્ટ, રેલ્વે, જીએસટી, કન્વેનશન સેન્ટર નિકાસ, જીઆઇડીસી સહિતના પ્રશ્નોને ઉકેલવા સતત પ્રયાસો કરતા રહેશું. વેપારીઓ અમે કરેલી ભુતકાળની કામગીરીને ધ્યાને રાખી અમારી તરફેણમાં મતદાન કરે તેવી મારી નમ્ર અપીલ  છે સૌને સાથે રાખી તમામ વર્ગ-જ્ઞાતિ-સેકટરને ધ્યાને રાખી ટીમ પસંદ કરી છે જે જીતે એ જરૂરી છે.

સમગ્ર ગુજરાતમાં પ્રતિષ્ઠીત રાજકોટની મહાજન સંસ્થા એવી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની આવતીકાલે એટલે કે ૧૬ જાન્યુઆરીના રોજ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ કાલાવડ રોડ રાજકોટ ખાતે થનાર ચુંટણી સંદર્ભે અમારી વાયબ્રન્ટ પેનલ વેપારી ઉદ્યોગના પ્રાણપ્રશનોને વાચા આપવા અને વિકાસને વેગ મળે તેવી વિકાસ લક્ષી કામગીરી સાથેના કોલ સાથે ચેમ્બરના સભ્યોને વિશ્વાસ આપવા માંંગીએ છીએ અને ચેમ્બરના સભ્યો-મતદારોને વાયબ્રન્ટ પેનલના ર૪ ઉમેદવારોને ચુંટી કાઢવા મતદાન કરવા અપીલ કરીએ છીએ. અમારી વાયબ્રન્ટ પેનલ સતામાં આવ્યે અમારી ભવિષ્યની કામગીરી નીચે મુજબના એજન્ડા મુજબની રહેશે.

વાયબ્રન્ટ પેનલનો આગામી એજન્ડા

(૧) વેપાર-ઉદ્યોગને લગતા પાયાના પ્રશ્નો જેવા કે ટ્રાફીક સમસ્યા, રોડ રસ્તા પાણી લાઇટ અને ઇન્ટરનેટ કનેકટીવીટી જેવી બેજીક સર્વિસને લગતી બાબતો ઉપર જે તે લગતી સંલગ્ન ઓથોરીટી અને ગુજરાત સરકાર સાથે વિચાર વિમર્શ, રજુઆતો કરી પ્રશ્નોનો નિકાલ કરાવીશું.

(ર) ઝડપથી વિકસતા રાજકોટ શહેર અને સીટીની આજુબાજુનો વિસ્તાર જેવા કે રૂડા તેમજ અન્ય વિસ્તારોમાં નવી ડેવલોપીંગ સ્કીમો તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રાજય સરકાર અને કેન્દ્ર સરકારમાંથી મળતી સહાયો, સ્કીમો માટે અને તેની અમલવારી માટે અને રાજકોટ ખાતે કન્વેન્શન સેન્ટર તાત્કાલીક બને એ માટે પુરતા પ્રયત્નો કરવામાં આવશે.

(૩) રેલ્વેના લગતા પ્રશ્નોમાં રાજકોટ-સુરેન્દ્રનગર રૂટમાં ડબલ રેલ્વે ટ્રેકનું કામ ઝડપી પુર્ણ થાય, રાજકોટને લાંબા રૂટની ટ્રેનો વધુમાં વધુ મળે, એ માટે પ્રયત્ન કરીશું. ઉપરાંત વેપાર ઉદ્યોગને સ્પર્શતા રોડ, બંદરો, રેલ્વે, એરકાર્ગો, બેકીંગ નાણા નિગમને લગતી જરૂરીયાત જલ્દી પુર્ણ થાય એ માટે પુરતા પ્રયત્નો કરીશું. રાજકોટ-મુંબઇ ચોથી ટ્રેન શરૂ કરીશું.

(૪) રાજકોટમાં નવુ બનનાર ગ્રીનફિલ્ડ એરપોર્ટ વધુ ઝડપથી કેમ બને, સમયસર કામ પુર્ણ થાય એવી માંગણી કરી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા, રાજય સરકાર કેન્દ્ર સરકારમાં સંકલન કરીશું. રાજકોટ ખાતે હયાત એરપોર્ટમાં એક સાથે એકથી વધુ ફલાઇટ લેન્ડીંગ થાય એ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા વધારવા એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા અને કેન્દ્ર સરકારમાં પ્રયત્ન કરીશું અને રાજકોટને દેશના વિવિધ મેટ્રોસીટી સાથે વધારાની ફલાઇટોની એરકનીકટીવીટી મળે એવા પ્રયત્ન કરીશું.

(પ) રાજકોટમાં બનનારા કન્ટેનર ડેપો માટે રાજય સરકાર તરફથી ફાળવવામાં આવેલ જમીનની સોંપણીની પ્રક્રિયાના અંતરાય બનતા પરીબળો સાથે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં વાટાઘાટો કરી ત્વરીત નિર્ણય કરાવીશું.

(૬) વેપાર ઉદ્યોગને લગતા જુના વેટના ઓડીટ કેસોનું ભારણનો નિકાલ કરવા સરકારશ્રી સાથે વાટાઘાટો કરી, ત્વરીત નિકાલ કરવા પ્રયત્ન કરીશુ઼ તેમજ જીએસટી રીલેટેડ જીએસટીના રિફંડ તેમજ નવી અમલવારી, વિવિધ પ્રક્રિયા ઓનલાઇન કરાવવી અને જીએસટી રીલેટેડ પ્રશન માટે ચેમ્બર ઓફ કોમર્સમાં નીવૃત સરકારી ઓફીસર હાયર કરી નવા સર્વિસ વિભાગની રચના કરવામાં આવશે.

(૭) રાજકોટ શહેરના કામ કરતા વેપાર ઉદ્યોગને લગતા વિવિધ સંગઠનોને સાથે રાખીને ચેમ્બરમાં યોગ્ય પ્રતિનિધિત્વ આપીને સામુહીક મુંજવતા પ્રશ્નોની ચેમ્બર ઓફ કોમર્સ આગેવાની લઇને જરૂરી લીગલ સેલની પણ સ્થાપના કરી પ્રશ્નોનો નિકાલ  લાવવા અગ્રેસર કામગીરી કરીશું.

(૮) રાજકોટ સૌરાષ્ટ્રનું કૃષિ ઉત્પાદનનું અને વેચાણનું હબ હોઇ અને ખેતીવાડીમાં મુખ્ય સમસ્યા પાણી હોય તેના કાયમી નિકાલ માટે કલ્પસર યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવા અને તેના અમલીકરણ માટે પુરતા પ્રયત્નો કરીશું.

(૯) રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પોતાની કોર્પોરેટ ઓફીસ બિલડીંગ, આધુનીક ઓડીટોરીયમ સાથે તેમજ વેપાર ઉદ્યોગને લગતી માહીતી માટે હેલ્પ સેન્ટર સાથેનું સંપુર્ણ સુવિધાસભર ભવ્ય ઓફીસ બિલ્ડીંગ બનાવીશું.

(૧૦) એકસર્પોર્ટરોની સુવિધા માટે 'સર્ટીફીકેટ ઓફ ઓરીજીન' ટુંક સમયમાં જ ઓનલાઇન કરીશું.

(૧૧) રાજકોટ ખીરસરા ખાતે બનનારી નવી જીઆઇડીસીના પ્લોટ માંગણીદારોને ટોકન ભાવે પ્લોટ મળે અને જીઆઇડીસીનો હેકટર એરીયા મોટો કરવા માટે રાજય સરકાર સાથે વાટાઘાટો કરી ન્યાય અપાવીશું.

(3:49 pm IST)