Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ગાર્ડન વિભાગનું નવતર અભિયાન...

જ્યુબેલી બગીચામાંથી ૩૫ ભીખારીઓને તગડી મૂકયા : દરવાજો બંધ

બગીચામાં બિસ્કીટના પડીકા ફેંકી ગંદકી ફેલાવનારા ત્રણને ૨૫૦-૨૫૦નો દંડ ફટકારાયો : વર્ષોથી અડ્ડો જમાવીને બેઠેલા અસામાજિકો સહિતનાઓને બગીચા બહાર કાઢી મૂકાયા : ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ ડો. હાપલિયાના માર્ગદર્શન હેઠળ ત્રિવેદીભાઇ દ્વારા કાર્યવાહી

રાજકોટ તા. ૧૫ : શહેરનાં હાર્દશમા વિસ્તારમાં આવેલ ઐતિહાસિક જયુબેલી બગીચામાં વર્ષોથી પડયા પાથર્યા રહેતા અસામાજિકો સહિત ઘરવિહોણા લોકોને બગીચાની બહાર કાઢી મૂકવાનું નવતર પ્રકારનું અભિયાન મ્યુ. કોર્પોરેશનના ગાર્ડન વિભાગે હાથ ધરી અને ૩૫ જેટલા આવા ઘરવિહોણા ભિક્ષુકોને બગીચા બહાર તગડી મૂકી બગીચાના દરવાજા બંધ કરાવી દીધા હતા. આ અંગે ગાર્ડન સુપ્રિટેન્ડન્ટ ડો. હાપલિયાએ આપેલી વિસ્તૃત માહિતી મુજબ રાજકોટની મધ્યે આવેલ રાજાશાહી વખતના ઐતિહાસિક જયુબેલી ગાર્ડનમાં છેલ્લા ઘણા વર્ષોથી રખડતા - ભટકતા ભિક્ષુકો અને અસામાજિકોએ અડ્ડો બનાવી પડયા - પાથર્યા રહેતા હતા. જેના કારણે બગીચાના ફુલ-છોડને ભારે નુકસાન પહોંચતું હતું. એટલું જ નહીં આવા લોકો બગીચામાં જ પડયા - પાથર્યા રહેતા હોઇ બગીચામાં અસહ્ય ગંદકી પણ ફેલાવી રહ્યા હતા. જેના કારણે આ બગીચાની હાલત એટલી હદે ખરાબ થઇ ચૂકી હતી કે સામાન્ય નાગરિકોએ આ બગીચામાં જવાનું છોડી દીધું હતું અને આ બગીચાની બદનામી પણ થઇ રહી હતી. દરમિયાન ગાર્ડન વિભાગે જયુબેલી બગીચામાંથી આ સમસ્યાનો કાયમી નિકાલ કરવાનું બિડુ ઝડપ્યું અને ગાર્ડન વિભાગના કર્મચારી ત્રિવેદીભાઇ સહિતના સ્ટાફે છેલ્લા ત્રણ દિવસ સુધી બગીચામાં સતત ચેકીંગ કરી અને બગીચામાં કાયમી ધોરણે અડીંગો જમાવનારા ભીખારીઓ તથા સવાર-સાંજ પડયા રહેતા અસામાજિકો વગેરેને બગીચાની બહાર તગડી મૂકયા હતા. આવા અંદાજે ૩૦થી ૩૫ લોકોને બગીચાની બહાર ધકેલી દેવાયા હતા.

ખાનગી વાહનો પર બગીચામાં પ્રતિબંધ

એટલું જ નહી આવા લોકો ફરી બગીચામાં ઘુસણખોરી ન કરે તે માટે જયુબેલી બગીચાના મુખ્ય દરવાજા બંધ કરાવી દેવાયેલ અને માત્ર સરકારી વાહનોને જ બગીચામાં પ્રવેશ આપવા નિર્ણય લેવાયો હતો. કેમકે બગીચામાં ઘણા ખાનગી વાહનો પાર્કિંગ કરીને જતા રહેવાની ઘટનાઓ પણ બની રહી હતી. આ ઉપરાંત બગીચામાં ગંદકી ફેલાવનારા ત્રણ વ્યકિતઓ પાસે રૂ. ૨૫૦ - ૨૫૦નો દંડ પણ વસુલાયો હતો.(૨૧.૨૪)

 

(3:35 pm IST)