Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

આત્મવિશ્વાસ હોય તો કોઇપણ લક્ષ્ય સિદ્ધઃ તન્વી ગાદોયા

કેએસપીસી દ્વારા રીલાયન્સના સહયોગથી'શોર્ટકટ ટુ સકસેસ' વાર્તાલાપ

રાજકોટઃ કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લી.ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે ટ્રેનર અને મોટીવેટર તન્વી ગાદોયાનો ''શોર્ટકટ્સ ટુ સકસેસ'' એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઇ સચદેએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના પ્રમુખ હસુભાઇ દવે તથા માનદ મંત્રી મનહરભાઇ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા તન્વી ગાદોયાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરેલ હતો. કાર્યક્રમના અધ્યક્ષ હસુભાઇ દવેએ પ્રાસંગીક પ્રવચન કર્યા બાદ કાર્યક્રમના મુખ્ય વકતા તન્વી ગાદોયાએ જણાવેલ હતું કે સફળતા મેળવવા માટે સાચો રસ્તો શોધી તેના પર આગળ વધવું જરૂરી છે. હંમેશા સારી વસ્તુઓ કે માહિતીથી ઘેરાયેલા રહો કે જેથી પોઝીટીવ એનર્જી આપણી અંદર આવે. નકારાત્મકતાને તમારા પર હાવી ન થવા દો. અત્યારની દુનિયા હંમેશા બદલાતી રહે છે માટે હંમેશા કંઇક નવું શીખવા માટે આતુર રહો. જો તમને તમારી જાતમાં આત્મવિશ્વાસ હશે તો તમે કોઇપણ લક્ષ્યને હાંસલ કરી શકશો. કોઇપણ વસ્તુથી ડરવાની જરૂર નથી તેને સમજવાની જરૂર છે. કોઇપણ વસ્તુ કે લક્ષ્ય પ્રત્યેના ડરની દવા જ્ઞાન છે. આજની ઇન્ટરનેટની દુનિયામાં ઓનલાઇન ઘણીબધી સારી માહિતી મેળવી શકાય છે. જ્ઞાન મેળવવાની કે શીખવાની કોઇ ઉંમર હોતી નથી. આજનો સમય જ ટીમવર્કનો છે. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોડીના સભ્યો હિરાભાઇ માણેક, એન.એમ. ધારાણી તથા અન્ય સભ્યોમાં સીએ પ્રવિણભાઇ ધોળકીયા, મનસુખલાલ જાગાણી, અશ્વિનભાઇ ત્રિવેદી, શ્યામલ જોશી, ખોડીદાસ સોમૈયા, નિકેત પોપટ, ભૂષણ મજીઠીયા, તથા જી.એન. અલ્ટેક, રાજકોટ નાગરિક સહકારી બેંક લી., ધરતી કો-ઓપ બેંક લી., શ્રી યમુના ટ્રેડીંગ કંપની વિગેરે કંપનીના અધિકારીઓ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનાં અંતે આભાર દર્શન કાઉન્સીલની ગવર્નીંગ બોડીના મેમ્બર હિરાભાઇ માણેકે કરેલ. કાર્યક્રમની વ્યવસ્થા કાઉન્સીલના આસી. એકઝીકયુટીવ સેક્રેટરી રવિ ત્રિવેદીએ કરેલ હતી.(૧.૨૦)

(3:21 pm IST)