Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સવર્ણોને અનામત : વાસ્તવમાં કેટલો ફાયદો ? ફાયદો કેટલો સાચો, કેટલો કાલ્પનિક? આવો સમજીએ દેશી ભાષામાં દેશી ગણિત

કેન્દ્ર સરકારે સવર્ણો માટે ૧૦ ટકા અનામતની જાહેરાત કરી છે.

આ કારણે કરી જાહેરાતઃ

એસ.સી-એસ.ટી એકટના સુધારા બાદ સવર્ણોમાં નારાજગી છે.પાંચ રાજયોની ચૂંટણીમાં એ નારાજગી ભાજપને ભારે પડી હતી.ઉત્ત્।ર પ્રદેશમાં દલિત,મુસ્લિમ,યાદવ મતબેંક માયાવતી-અખિલેશ ઝુંટવી જશે એવા સંકેતો છે.અપર કાસ્ટ ખાસ કરીને બ્રાહ્મણોનું રૂખ કોંગ્રેસ તરફી થઈ રહયા નિર્દેશ મળી રહ્યા છે.દેશની કુલ વસ્તીના ૩૦ ટકા સવર્ણો છે.એ મોટી વોટબેંકને રાજી કરવા આ જાહેરાત કરાઈ છે.

હવે સમજીએ સવર્ણ અનામત કવોટાની શરતો.

શરત નંબર : ૧

વાર્ષિક આવક ૮ લાખથી ઓછી હોવી જોઈએ.

પ્રશ્ન : કેટલા સવર્ણો આ માપદંડ હેઠળ લાયક બને?

જવાબ : ભારતમાં ૨.૦૫ કરોડ લોકો ઇન્કમ ટેકસ ભરે છે.એટલે કે એટલા લોકોની આવક જ વાર્ષિક ૨.૫૦ લાખથી વધારે છે.

હવે સરકારી ધારા ધોરણ મુજબ ભારતમાં એક પરિવાર બરાબર ૪.૯ લોકો માનવામાં આવ્યા છે.એ ગણતરીએ ૨.૦૫ કરોડ લોકોને ૪.૯ થી ભાગીએ તો ૪૧૮૩૬૭૨ પરિવારો ઇન્કમટેકસ ભરે છે.

ઇન્કમટેકસ ભરે છે એવા આ કરદાતાઓમાંથી માત્ર ૬.૬૩ ટકા લોકોની આવક ૮ લાખ કરતા વધારે છે.એનો અર્થ એ કે ૪૧૮૩૬૭૨ પરિવારોમાંથી માત્ર ૨૭૭૩૭૭ પરિવારોની આવક ૮ લાખ કરતાં વધારે છે.જયારે ૮ લાખથી ઓછી સંખ્યા ધરાવતાઙ્ગ ૩૯૦૬૨૯૫ પરિવારો છે.

૮ લાખથી વધુ આવક ધરાવતા પરિવારોના ૯૦ ટકા પરિવાર સવર્ણ વર્ગના હશે એમ ધારી લઈએ તો સવર્ણોના ૨ ૪૯ ૬૩૯ પરિવાર થાય જેમની આવક આઠ લાખથી વધારે છે.ભારતમાં સવર્ણોની વસ્તી ૩૯ કરોડ છે. ૪.૯ લોકોનો એક પરિવાર એઙ્ગ ગણતરીએ સવર્ણો ના કુલઙ્ગ

૭ ૯૫ ૯૧ ૮૩૬ પરિવારો છે.તેમાંથી માત્ર ૨ ૪૯ ૬૩૯ પરિવારો ની આવક ૮ લાખથી વધુ છે.એટલે કે સવર્ણો ના માત્ર ૦.૩૧ ટકા પરિવારો ૮ લાખથી વધુ આવક ધરાવે છે.

તાતપર્ય એ કે ૯૯.૬૯ ટકા સવર્ણો આર્થિક માપદંડ અનુસાર આ અનામત યોજનાના લાભાર્થી બનશે.

ફરી એક વખત પાકું કરી લઈએ.

સવર્ણ પરિવારો :  ૭ ૯૫ ૯૧ ૮૩૬

તેમાંથી ૮ લાખ કરતા વધુ આવક વાળા ૨ ૪૯ ૬૩૯ પરિવાર બાદ કરો તો ૭ ૯૩ ૪૨ ૧૯૭ સવર્ણ પરિવારોને આ યોજનાનો લાભ મળે.

હવે આપણે બીજી શરત જોઈશું એટલે લાભાર્થીઓની એ ટકાવારી ઘટશે.

શરત નંબર : ૨

શહેરી વિસ્તારમાં ઘર ૧૦૦ વારથી ઓછી જગ્યામાં અને બાંધકામ ૧૦૦૦ સ્કવેર ફૂટથી ઓછું હોવું જોઈએ

ગ્રામ્ય વિસ્તારમાં ઘર ૨૦૦ વારથી ઓછી જગ્યામાં હોવું જોઈએ.

હવે આપણે એ ગણતરી કરીએ.

ભારતમાં કુલ ૨૪,૬૭,૪૦૨૨૮ ઘર છે.તેમાંથી ગ્રામ્ય વિસ્તારમાં ૧૬૭૮૭૪૨૯૧ ઘર અને ૭૮૮૬૫૯૩૭ ઘર શહેરી વિસ્તારોમાં છે.

ગ્રામ્ય વિસ્તારમાં ઘરની સ્થિતીઃ

૩.૪ ટકા મકાનમાં રૂમ, રસોડું, હોલ બધું મળીને માત્ર એક રૂમ છે.

૩૯.૮ ટકા મકાનોમાં રસોડા ઉપરાંત એક રૂમ છે.

૩૦.૩ ટકા મકાનોમાં એક રૂમ ઉપરાંત હોલ છે.

૧૩.૩ ટકા મકાનોમાં હોલ ઉપરાંત બે રૂમ છે.

એટલે કે ગ્રામ્ય વિસ્તારના ૮૬.૭ ટકા મકાનોના ધારકોનો આ અનામત યોજનામાં સમાવેશ થઈ શકે છે.

શહેરી વિસ્તારમાં ઘરની સ્થિતિ

૨.૩ ટકા મકાનોમાં રૂમ, રસોડું બધું મળીને એક જ રૂમ છે.

૩૫.૧ ટકા મકાનોમાં રસોડા ઉપરાંત એક રૂમ છે.

૨૯.૫ ટકા મકાનોમાં એક રૂમ અને હોલ છે.

૧૭.૧ ટકા મકાનોમાં હોલ ઉપરાંત બે રૂમ છે.

એટલે કે શહેરી વિસ્તારના કુલ ૮૪.૧ ટકા મકાનધારકોનો આ અનામત યોજનાના માપદંડમાં સમાવેશ થઈ જાય છે.

એટલેકે ગ્રામ્ય અને શહેરી બન્ને મળી ૮૫ ટકા પરિવારોનો આ યોજનામાં સમાવેશ થઈ શકે છે.

જે ૧૫ ટકાનો સમાવેશ નથી થતો તેમાં આપણે સવર્ણોના ૧૨ ટકા ગણીએ તો ૯૫ ૫૧ ૦૨૦ સવર્ણ પરિવારોને આ યોજનાનો લાભ ન મળે.તેમાં આવકની દ્રષ્ટિએ નીકળી ગયેલા ૨ ૪૯ ૬૩૯ઙ્ગ પરિવારો ઉમેરીએ તો સવર્ણોના કુલ ૯૮ ૦૦ ૬૫૯ પરિવારોને આ યોજનાનો લાભ ન મળે એટલે કે સવર્ણોના ૧૨ ટકા પરિવારો આ લાભથી વંચિત રહી જાય.

તેનો અર્થ એ થયો કે ૮૮ ટકા સવર્ણો આ યોજનાનો લાભ લેવાના અધિકારી બને.

મહત્વનો મુદ્દો આ જ છે.૧૦ ટકા અનામતનો લાભ લેવા માટે ૮૮ ટકા સવર્ણો વચ્ચે હરીફાઈ થશે.

તો ભલેને થાય, તેમાં તકલીફ શુ છે?

આ છે તકલીફઃ

દ્રષ્ટાંત : એક મેડિકલ કોલેજમાં ૧૦૦ વિદ્યાર્થીને પ્રવેશ આપવાનો છે.

તેમાં ૪૯.૫ ટકા એટલે કે ૫૦ બેઠકો એસ.સી.,એસ.ટી.અને ઓબીસી માટે અનામત છે.

એસ.સી.કેટેગરીના ૧૫, ઓબીસી ના ૨૭ અને એસ.ટી કેટેગરીના ૮ વિદ્યાર્થીઓમાં સહુથી છેલ્લે પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ૮૧ ટકા માકર્સ છે.૮૧ ટકા સુધીના માકર્સ મેળવનાર આ ત્રણ કેટેગરીના ૫૦ વિદ્યાર્થીઓને એ કોલેજમાં પ્રવેશ મળી જાય છે.

હવે જોઈએ ૧૦ ટકા સવર્ણ અનામત કેટેગરીમાં શુ થશે?

એ કેટેગરી માટે એ કોલેજમાં ૧૦ બેઠકો છે.

૮૮ ટકા સ્વર્ણ વિદ્યાર્થીઓ દાવેદાર છે.

એ કેટેગરીમાં એડમિશન ૯૦ ટકાએ અટકી જાય છે.

એ પછી હવે વધી ૪૦ બેઠકો.

એ બેઠકો માટે સવર્ણો,અનામતના માપદંડમાં ન આવેલાઙ્ગ સવર્ણો,એસ.સી,એસ.ટી,ઓબીસી બધા હરીફાઈમાં છે.

એટલે એ કેટેગરીમાં શુ થશે?

સવર્ણ કવોટામાં ન સમાવિષ્ટ થયેલા અને ૯૦ ટકા થી વધુ માર્ક મેળવનારા સવર્ણ વિદ્યાર્થી સહુ થી પહેલાં હકદાર બનશે.એ પછી ૮૧ ટકાથી વધુ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓનો ચાન્સ લાગશે.અને એ મોટાભાગના વિદ્યાર્થી સવર્ણ વર્ગના હશે.કારણકે ૮૧ ટકા સુધી માકર્સ મેળવનાર એસ.સી, એસ.ટી અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓને તો તેમના કવોટામાં પ્રવેશ મળી જ ગયો છે.જે રહી ગયા તે ૮૧ ટકાથી ઓછા માકર્સ વાળા છે.એટલે ઓપન કેટેગરીમાં પ્રવેશ મેળવવાની એમની તકો સાવ નહીંવત છે.

કોઈ કહેશે કે એ ત્રણ કેટેગરીમાં ૮૧ ટકા જેટલું ઓછું કટ ઓફ જ આવ્યું તેમ કેમ ધારી લેવાય?

જવાબ : એ ધારણા નથી.આ આંકડા જુઓ,

૨૦૧૭માં બી.જે.મેડિકલ કોલેજ અમદાવાદમાં ઓપન કેટેગરીમાં નિટ નો કટ ઓફ રેન્ક ૯૩૯૬ અને કટ ઓફ માકર્સ ૫૫૭ હતા.

તેની સામે ઓ.બી.સી.કેટેગરીમાં કટ ઓફ રેન્ક ૪૪૫૦૪ અને કટ ઓફ માકર્સ ૪૫૮ હતા.

એસ.સી.કેટેગરીમાં એ આંકડા અનુક્રમે ૫૭૨૪૬ અને ૪૩૪ તથા એસ.ટી કેટેગરીમાં એ આંકડા અનુક્રમે ૧૭૯ ૩૩૦ અને ૨૯૬ હતા.

બીજા આંકડા જોઈએ.

૨૦૧૭માં નિટ માં ઓપન કેટેગરીમાં ૫૪૩૪૭૩ કેન્ડીડેટ હતા.તેની સામે ઓ.બી.સી.ના ૪૭૩૮૨,એસ.સી.ના ૧૪૫૯૯ અને એસ ટી ના ૬૦૧૮ કેન્ડીડેટ હતા.

આઙ્ગ આંકડા એવું જણાવે છે કે ઉચ્ચ અભ્યાસક્રમમાં એસ.સી.,એસ.ટી.અને ઓબીસી કેટેગરીના વિદ્યાર્થીઓની સંખ્યા સવર્ણોની તુલનામાં ખૂબ ઓછી હોય છે અને એ કેટેગરીના વિદ્યાર્થીઓને સવર્ણ વિદ્યાર્થીઓ કરતા ઘણા ઓછા માકર્સ મળ્યા હોવા છતાં પોતપોતાના અનામત કવોટામાં એ પ્રવેશ મળી જાય છે.

તારણઃ ...પણ, ઓપન કેટેગરીમાં એ વર્ગના વિદ્યાર્થીઓને મેરીટ ઉપર પ્રવેશ મળવાની તક નહિવત છે.

આ તર્ક ઉપરથી ગણતરી કરીએ તો ૫૦ ટકા ઓપન કેટેગરીમાં આમ પણ મેરીટ ઉપર મોટાભાગની બેઠકો સવર્ણો ને જઙ્ગ મળતી હતી.એટલે કે ૧૦ ટકા અનામતને કારણે સવર્ણો ને હવે વધુ તક મળશે એ એક સુખદ ભ્રમણા સમાન છે.પ્રવેશ અંગેની આ જ થિયરી નોકરીમાં પણ લાગુ પડે છે.અત્યાર સુધી પણ ઓપન કેટેગરીની ૫૦ ટકા પેઇકીની મોટાભાગની નોકરી મેરીટ ઉપર સવર્ણોને જ મળતી હતી.૧૦ ટકા કવોટાથી સ્થિતિમાં કાંઈ જાજો ફેર નહીં પડે.

સવર્ણોને ખરેખર ફાયદો કઈ રીતે થાય?

અનામત પદ્ઘતિ શરૂ એટલા માટે થઈ હતી કે સમાજનો જે વર્ગ ગરીબ છે અને ગરીબાઈને કારણે જે વર્ગના લોકો ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા તે વર્ગને ઓછા માર્ક હોવા છતાં અભ્યાસ માટે પ્રવેશ મળે,ઓછી લાયકાત હોવા છતાં નોકરી મળે અને એકંદરે ઉતરોતર એ વર્ગનો વિકાસ થાય.એ માટે ૪૯.૫૦ ટકા અનામત આપ્યું.

એ જ ધારાધોરણ સવર્ણો માટેની આ ૧૦ ટકા અનામત યોજનામાં રાખવાની જરૂર હતી.પણ અહીં તો ગરીબો માટેની આ યોજનામાં ૮૮ ટકા લોકો આવી જાય છે.તો પછી આ યોજનાને આર્થિક ગરીબ માટેની યોજના કહી જ કઈ રીતે શકાય?સરકાર મહત્ત્।મ સવર્ણો ને આ યોજનામાં સમાવીને સવર્ણો ને ખુશ કરવા માંગે છે.પણ તેને કારણે ગરીબ સવર્ણો ને ફાયદો કરવાનો મૂળ હેતુ સર થતો નથી.

અહીં આપણે આગળ જોયું તેમ જાહેર થયેલી આ યોજનાથી વાસ્તવમાં સવર્ણોને કાંઈ ખાસ લાભ નથી થવાનો.

એ લાભ થયો હોત જો સવર્ણોના ઇકોનોમિકલ બેકવર્ડ કલાસ માટેની આ યોજનામાં આવકની મર્યાદા ૮ લાખ ન રાખી હોત.

જો એ મર્યાદા માની લ્યો કે ૩ લાખ રાખી હોત તો શું થાત?

દ્રષ્ટાંત : રમણિકભાઈની આવક ૭ લાખ રૂપિયા છે એટલે એમનો પુત્ર રમેશ સારી ખાનગી શાળામાં ભણે છે અને કોચિંગ કલાસમાં પણ જાય છે.એ કારણે રમેશને ૯૧ ટકા માર્ક મળે છે.રમેશને ૧૦ ટકા અનામત કવોટા હેઠળ પ્રવેશ મળી જાય છે.

બીજી તરફ પુરષોત્ત્।મભાઈની વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા છે.એમનો પુત્ર પ્રવીણ સરકારી સ્કૂલમાં ભણ્યો છે.કોચિંગ કલાસનો લાભ પણ નથી મળ્યો.એને ૮૧ ટકા માર્ક મળે છે.પણ સવર્ણો માટેના અનામત કવોટમાં ૯૦ ટકા એ પ્રવેશ અટકી ગયો હતો એટલે સવર્ણ અને ગરીબ હોવા છતાં તેને તે અનામત યોજનાનો લાભ નથી મળતો.બીજી તરફ જનરલ કેટેગરીની બાકી રહેલી ૪૦ બેઠકોમાં ૮૨ ટકાએ પ્રવેશ અટકી જાય છે.પરિણામે પ્રવીણ ને તેમાં પણ એડમિશન મળતું નથી.

સવર્ણો માટેની EBC અનામત યોજનામાં આવકની મહત્ત્।મ મર્યાદા ઓછી રાખી હોત તો ગરીબ સવર્ણો ને તેનો લાભ મળ્યો હોત. પણ તેવું થયું નથી.

મોટાભાગના સવર્ણો ને હકીકતમાં તો આ યોજના લાગુ થયા પછી પણ મેરીટ ઉપર જ લડવાનું રહેશે.એસ.ટી,એસ.સી અને ઓબીસી વર્ગને ઓછા મેરીટ છતાં જે લાભ મળે છે તેવો લાભ સવર્ણો ને આ યોજનાથી નથી મળવાનો.એ ત્રણ કેટેગરીના એક વિદ્યાર્થીને તેના કવોટા માં ૮૨ ટકાએ પ્રવેશ મળી જશે પણ અહીં સવર્ણ પ્રવીણ ને એ લાભ નહીં મળે.

સવર્ણો ને ન્યાય નથી થયો.

આ છે એક બીજી ગણતરી.

એસ.સી.ની વસ્તી ૨૦ ટકા છે.તેમને ૧૫ ટકા અનામત છે.એટલેકે વસ્તીની તુલનામાં ૭૫ ટકા વર્ગનો સમાવેશ થાય છે.

એસ.ટી.ની વસ્તી ૯.૧ ટકા છે.તેમને ૭.૫ ટકા અનામત છે.વસ્તીની તુલનામાં ૮૨ ટકા લોકોની સમાવેશ થાય છે.

ઓબીસીની વસ્તી ૪૧ ટકા છે.તેમને ૨૭ ટકા અનામત છે.વસ્તીની તુલનામાં ૬૬ ટકા લોકોનો સમાવેશ થાય છે.

જયારે સવર્ણોની વસ્તી ૩૦ ટકા છે.તેમને ૧૦ ટકા અનામત અપાયું છે.વસ્તીની તુલનામાં ૩૩ ટકા લોકોનો સમાવેશ થાય છે.

અહીં ૪૯.૫૦ ટકા ની મૂળ યોજનાની યોગ્યતા સામે સવાલ નથી.મુદ્દો એ છે કે સવર્ણો ને અનામત યોજના મળી ખરી પણ પ્રમાણમાં તેની ટકાવારી પર્યાપ્ત નથી અને યોજનાના મહત્ત્।મ આર્થિક મર્યાદા ના સ્લેબને કારણે આ યોજના કાગળ ઉપર સારી દેખાય તો પણ કાંઈ ખાસ લાભકારી નથી.

યોજનાનો અમલ કઈ રીતે થશે?

શુ સરકાર પાસે દરેક નાગરિકની આવકના આંકડા અને

દરેક નાગરિકની જમીન મકાનના માપ સાઈઝ છે?

શુ સરકાર આ યોજના હેઠળ આવનારા લોકોને EBC સર્ટિફિકેટ આપશે કે પછી અરજદારે પોતાની લાયકાતના પુરાવા આપવા પડશે?

યોજના કયારથી અમલમાં આવશે?

ઉપરના મુદા જોઈએ તો આ યોજનાની અમલવારી માટે અને તેનાથી થનારા ફાયદા માપવા - જાણવા માટે હજુ લાંબો સમય પ્રતીક્ષા કરવી પડશે.એ બધી હવે તો છેક ચૂંટણી પતી ગયા પછી ખબર પડે..

અત્યાર સુધી અનામત

મેળવતા વર્ગની વસ્તી

અને અનામતનો કવોટા

એસ.સી.

વસ્તી ૨૦ ટકા

૨૬ કરોડ

અનામત કવોટા : ૧૫ ટકા

એસ.ટી.

વસ્તી ૯ ટકા

૧૧.૭ કરોડ

અનામત કવોટા : ૭.૫ ટકા

ઓ.બી.સી.

વસ્તી ૪૧ ટકા

૫૩.૩ કરોડ

અનામત કવોટા : ૨૭ ટકા

કુલ અનામત : ૪૯.૫ ટકા

-: આલેખન :-

જગદીશ આચાર્ય

સિનીયર જર્નાલીસ્ટ

- કોલમ રાઇટર

રાજકોટ.

મો. ૯૮૨૫૨ ૭૪૩૭૪

(3:19 pm IST)