Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

નવજાત દિકરીના કજીયા અને માનસિક તકલીફથી કંટાળી ભરવાડ પરિણીતાનો ખાણમાં પડી આપઘાત

આજીડેમ નજીક કિશાન ગૌશાળા પાસે બનાવઃ સવારે પાંચેક વાગ્યે નેસડામાંથી નીકળી ગઇ'તીઃ બપોરે પરિવારજનોને લાશ મળતાં અરેરાટી : માતાના આપઘાતથી ૧૫ દિવસની દિકરી મા વિહોણી થઇ

રાજકોટ તા. ૧૫: આજીડેમ નજીક કિસાન ગૌશાળા પાસે નેસડામાં રહેતી રેખાબેન ગોપાલ સિરોડીયા (ઉ.૨૪) નામની ભરવાડ પરિણીતાએ નજીકમાં આવેલી ખાણમાં કુદી જઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

રેખાબેન વહેલી સવારે પાંચેક વાગ્યે ઘરે જોવા ન મળતાં પતિ સહિતના પરિવારજનોએ ઠેર-ઠેર શોધખોળ શરૂ કરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. પતિ ગોપાલભાઇ આજીડેમ પોલીસ મથકે પત્નિ ગૂમ થયાની જાણ કરવા પહોંચ્યા ત્યાં જ તેમના ભાઇ આવ્યા હતાં અને રેખાબેનની લાશ ગૌશાળા નજીક ખાણમાં હોવાની જાણ કરતાં બધા ત્યાં દોડી ગયા હતાં. ફાયર બ્રિગેડના સ્ટાફે મૃતદેહ બહાર કાઢી પોલીસને જાણ કરતાં આજીડેમના પી.એસ.આઇ. આર. બી. વાઘેલા અને વિપુલભાઇ રબારીએ બનાવ સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર રેખાબેનના લગ્ન અઢી વર્ષ પહેલા થયા હતાં. તેણીના માવતર સુરેન્દ્રનગરના ઉંબાળા ગામે રહે છે. પતિ ગોપાલનું મુળ વતન ચોટીલાનું નાની મોરથર ગામ છે. કેટલાક સમયથી પરિવારજનો રાજકોટ રહેતાં હતાં.

પંદર દિવસ પહેલા જ રેખાબેને દિકરીને જન્મ આપ્યો હતો, આ દિકરી દરરોજ ખુબ કજીયા કરતી હોઇ અને રેખાબેનની માનસિક હાલત પણ અસ્વસ્થ હોઇ કંટાળી જઇ આ પગલુ ભરી લીધાનું તેના પરિવારજનોએ પ્રાથમિક પુછતાછમાં જણાવ્યું હતું. પોલીસે મૃતકના માવતરને જાણ કરી હતી. પંદર દિવસની દિકરી મા વિહોણી થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(3:17 pm IST)