Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સત્તર લાખની વસતીના જનઆરોગ્ય માટે માત્ર 'ત્રેવીસ' ફિલ્ડવર્કરો

રોગચાળો નિયંત્રણમાં દેખાડવા મહાપાલિકા સિઝનલ ફલુના કેસ જાહેર કરતી નથી : વાસ્તવિકતાથી દૂર ભાગતું તંત્ર : રૂ.૧૯૯૦૦–૬૩ર૦૦ મુજબ પગાર ધોરણ છતાં આરોગ્યલક્ષી કામગીરી અને સર્વેમાં લોલંલોલ : ૧૮ વોર્ડની આરોગ્યલક્ષી બાબતનો ભાર આ કાયમી ફિલ્ડવર્કરોની કામગીરી પર આધારિત

રાજકોટ તા.૧પ : મહાપાલિકાએ રાજકોટને ડેંગ્યૂ અને મેલેરીયાથી મુકત જાહેર કરી દીધુ છે. સિઝનલ ફલુનો રોગચાળો દિવસે ને દિવસે વધી રહયો છે પરંતુ તેના આંકડા આરોગ્ય શાખા જાહેર કરતી નથી. રોગચાળા અંગે જાહેર જનતાને કાયમ ઉંધા ચશ્મા પહેરાવવામાં આવે છે તેવી સ્થિતી વચ્ચે રાજકોટની ૧૭ લાખ જેટલી વસતીનું જનઆરોગ્ય માત્ર ર૩ સુપિરીયર ફિલ્ડ વર્કરના હાથમાં હોવાનું સામે આવ્યું છે. શહેરના ૧૮ વોર્ડની આરોગ્યલક્ષી કામગીરીનો ભાર આ કાયમી ફિલ્ડ વર્કરોની કામગીરી પર આધારિત છે. ફિલ્ડમાં નિકળ્યા બાદ તેઓ રોગચાળાનું કેવું રિપોટશ્નગ કરે છે અને અધિકારીઓ શું જાહેર કરે છે તે સમજવું મુશ્કેલ છે.

મેલેરીયા શાખામાં ર૭ સુપિરીયર ફિલ્ડ વર્કરની જગ્યા મંજૂર થઈ છે જે પૈકી હાલ માત્ર ર૩ ફિલ્ડ વર્કર જ ફરજ બજાવે છે. આરોગ્ય શાખા દવારા દર અઠવાડિયે હજારો ઘરોનો સર્વે કરાવામાં આવે છે અને આરોગ્યનું પિકચર હંમેશા સારૂ જ ઉતારવામાં આવે છે. સિઝનલ ફલુના કેસોથી ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે છતા આરોગ્ય રિપોર્ટમાં કેસ જાહેર કરવામાં આવતાં નથી. અન્ય બીમારીઓના હજારો કેસ સરકારી હોપટલમાં આવે છે છતાં મહાપાલિકા તે ઘ્યાને લેતી નથી. જેથી રાજકોટમાં આરોગ્યની કેવી સ્થિતી છે તેની સાચી વિગતો કયારેય સામે આવી નથી. સ્વાઈન ફલુ અંગે શહેરીજનોએ હવે જાતે જ જાગૃત બનવું પડે તેવી સ્થિતી છે. મહાપાલિકા કેસ જાહેર ન કરે તો પછી માર્ગદર્શિકા જાહેર કરી લોકોને એલર્ટ પણ કયાંથી કરે ?

શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલોમાંથી સિઝનલ ફલુના કેટલા કેસ જાહેર કરવામાં આવ્યા અને મહાપાલિકામાં તેની નોંધ કરાવી તે વિગત પણ સાચી જાહેર કરવામાં આવતી ન હોવાનું જનઆરોગ્ય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતુ.

મહાપાલિકાના સતાવાર અહેવાલ અનુસાર મેલેરિયા શાખામાં કાર્યરત ર૩ સુપિરીયર ફિલ્ડ વર્કરમાં એક ૩૬ વર્ષથી ફરજ બજાવે છે. ૪ વર્કર ૮ વર્ષથી, ૧ વર્કર સાત વર્ષથી, ૩ વર્કર છ વર્ષથી, ૬ વર્કર ૪ વર્ષથી, ર વર્કર ૩ વર્ષથી, પ વર્કર ર વર્ષથી અને એક વર્કર ૧ વર્ષથી ફરજ બજાવે છે. મહાપાલિકા દવારા આ સુપિરીયર ફિલ્ડ વર્કરોને સાતમા પગાર ધોરણ મુજબ રૂ.૧૯૯૦૦–૬૩૦૦૦ (લેવલ ર) મુજબ પગાર ચૂકવવામાં આવે છે. કાયમી સેટઅપ મુજબ આ જગ્યાઓ ભરવામાં આવી છે છતાં શહેરમાં વોર્ડવાઈઝ કરવામાં આવતી આરોગ્યલક્ષી કામગીરી કથળી છે.

આ કર્મચારીઓને સોંપવામાં આવેલી જવાબદારીમાં વોર્ડ વિસ્તારોથી ખુદને માહિતગાર રાખી સોંપવામાં આવેલ વિસ્તારોમાં મચ્છરોના પોરા નિયંત્રક કામગીરી તથા વાહકજન્ય રોગચાળો નિયંત્રણમાં લાવવાની કામગીરી કરવાની હોય છે. સુપિરીયર ફિલ્ડ વર્કરોએ પોતાના ઝોનમાં સવારે ૮ કલાકે હાજર થવાનું હોય છે અને મેલેરીયા ઈન્સ્પેકટરની સુચના અનુસાર કામગીરી કરવાની હોય છે. તેઓએ પોતાને સોંપવામાં આવેલા વિસ્તારોની નિયમીત મુલાકાત લઈને આરોગ્યલક્ષી કામગીરી, નિયંંત્રણ અને મોનિટરીંગ કરવાનું હોય છે. જે વિસ્તારોમાં રોગચાળો ઉત્પન્ન થયાનું જણાય તે વિસ્તારોની નોંધ રાખવાની હોય છે તથા અગ્રતા મુજબ આ વિસ્તારોમાં રોગચાળા નિયંત્રણની કામગીરી કરવાની હોય છે. વોર્ડ વિસ્તારોમાં જયાં બેદરકારી સબબ મચ્છરોની ઉત્પતિ થતી હોય તો જવાબદાર આસામીઓ પાસે વહીવટી ચાર્જ વસૂલવાની કામગીરી પણ આ સુપિરીયર ફિલ્ડ વર્કરો જ કરતાં હોય છે. ફિલ્ડ વર્કરો માટે ફેઈસ ડિટેકટર મશીનમાં હાજરી પુરવી ફરજિયાત બનાવવામાં આવી છે.

ફિલ્ડ વર્કરોને રોગચાળા પર નિયંત્રણ, દેખરેખ રાખવા ઉપરાંત સોંપવામાં આવેલ દવાનો જથ્થો, સાધન સામગ્રી વગેરેની નોંધ રાખી મેલેરિયા ઈન્સ્પેકટરને રિપોર્ટ કરવાનો હોય છે. આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર તથા આશા અને એએએમ સાથે સંકલન સાધી રોગચાળા નિયંત્રણની કામગીરી કરવાની હોય છે. શાળા, સોસાયટીઓ તથા શેરીઓમાં આરોગ્યલક્ષી કામગીરી કરવાની હોય છે. વાહકજન્ય રોગચાળો નિયંત્રણ કરવા કરેલી કામગીરીનું મેલેરીયા ઈન્સ્પેકટરને દૈનિક, સાપ્તાહિક અને મહિને રિપોટશ્નગ કરવાનું હોય છે. ૩ શિફટમાં સુપિરીયર ફિલ્ડ વર્કરો કામ કરે છે.

(3:16 pm IST)