Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રાજકોટમાં સીડીએથી પટકાતાં એકનું મોતઃ પતંગના દોરાથી ૫૯ ઘાયલ

સંત કબીર રોડ શાળા નં.૭૨ સામે રહેતાં બ્રહ્મક્ષત્રિય ભરતભાઇ પડીયા (ઉ.૪૬) પતંગ ઉડાડી નીચે ઉતરતી વખતે સીડીએથી પટકાતાં જીવ ગૂમાવ્યોઃ પરિવારમાં કલ્પાંતઃ સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં તબિબો-નર્સિંગ સ્ટાફની કાબીલેદાદ કામગીરીઃ દર્દીઓનો સતત ધસારો રહ્યોઃ વોર્ડ પાસેના મીની ઓપરેશન થીએટરમાં તત્કાલ સારવાર અપાઇ : ખાનગી હોસ્પિટલોમાં પણ પતંગના દોરાથી ઘાયલ થયેલા અનેક લોકોએ સારવાર લીધીઃ ૧૦૮ પણ સતત દોડતી રહી

રાજકોટ તા. ૧૫: મકર સંક્રાંતિનું પર્વ ઉમંગ ઉત્સાહનું પર્વ છે. પરંત આ પર્વમાં જો બેદરકારી રાખવામાં આવે તો માનવજીવ માટે મુશિબત પણ બની જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પતંગના દોરાથી હાથ, ગળા, ગાલ, નાક, આંગળીઓ, મોઢામાં ઇજા થવાના અનેક બનાવ બન્યા હતાં. તો સામા કાંઠે ધાબા પર પતંગ ઉડાડ્યા બાદ નીચે ઉતરતી વેળાએ સીડીએથી પડી જતાં એક બ્રહ્મક્ષત્રીય આધેડનું મોત નિપજતાં પરિવારની તહેવારની ખુશી શોકમાં પરિણમી હતી. સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં સવારથી મોડી સાંજ સુધી સતત દોરાથી ઘાયલ થયેલા લોકો લોહીલુહાણ થઇને પહોંચ્યા હતાં. તબિબો અને નર્સિંગ સ્ટાફે સતત ખડેપગે રહી દોરાથી ઘાયલ થયેલા તમામને તાકીદની સારવાર આપી હતી. ઇમર્જન્સી વોર્ડ પાસે જ આવેલા મીની ઓપરેશન થીએટરમાં ટાંકા લેવા સહિતની સારવાર અપાઇ હતી. વધુ ઇજા હોય તેવા લોકોને ઇએનટી વિભાગમાં દાખલ કરાયા હતાં. સાંજના છ વાગ્યા સુધી ૫૯ લોકોને સારવાર અપાઇ હતી.

જાણવા મળ્યા મુજબ સામા કાંઠે સંત કબીર રોડ પર શાળા નં. ૭૨ સામે રહેતાં ભરતભાઇ ચંદુભાઇ પડીયા (બ્રહ્મક્ષત્રીય) (ઉ.૪૬) સંક્રાંતની સવારે ધાબા પરથી પતંગ ઉડાડી નીચે ઉતરતા હતાં ત્યારે પહેલા બાળે સીડી પરથી પડી જતાં પડખા અને માથામાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર કારગત નિવડી નહોતી અને દમ તોડી દીધો હતો. બી-ડિવીઝનના પીએસઆઇ વી. કે. ઝાલા અને ધર્મરાજસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્યુ પામનાર ભરતભાઇ બંગડીનો ધંધો કરતાં હતાં. તેઓ ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતાં. સંતાનમાં બે પુત્ર છે. બનાવને પગલે સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.

જેને પતંગના દોરાથી ઇજા થઇ અને સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી તેના નામ આ મુજબ છે. રાજકોટના સત્યમભાઇ અશ્વિનભાઇ (ઉ.૫૦)ને દોરાથી ગળામાં, નવાગામના મેહુલ નવઘણભાઇ (ઉ.૧૦)ને મોઢામાં, મોરબી રોડના બંસીબા જાડેજા (ઉ.૬)ને મોઢામાં, શાપરના રાજુ છગનભાઇ (ઉ.૨૫)ને મોઢામાં, પરાબજારના અરવિંદભાઇ જગજીવનભાઇ (ઉ.૫૦)ને ગળામાં, રાજકોટના રમેશ (ઉ.૧૮)ને ગળામાં, દિલીપભાઇ હીંગુ (ઉ.૬૫)ને હાથમાં, ગંજીવાડાના હસમુખભાઇ દાફડા (ઉ.૨૫)ને ગળામાં, બેડીપરાના વિશ્વાસ સોલંકી (ઉ.૧૯)ેને ગળામાં, શકિત સોસાયટીના પિન્ટુ ગોરવાડીયા (ઉ.૨૪)ને, મોરબી રોડના સુરેન્દ્રભાઇ રાઠોડ (ઉ.૪૦)ને ગળામાં, કુવાડવા રોડ ગુરૂદેવ પાર્કના અમૃત શૈલેષભાઇ (ઉ.૧૨)ને હાથમાં, રાજકોટના રામભાઇ યાદવ (ઉ.૪૫)ને આંખ પાસે, યાર્ડ પાસે રહેતાં ઇસુ ઉકાભાઇ (ઉ.૧૮)ને ગળામાં, ભોમેશ્વરના યોગેશ પરમાર (ઉ.૩૦)ને હાથમાં, જયદિપ ગોહેલ (ઉ.૨૫)ને હાથમાં દોરાથી ઇજા થઇ હતી.

આ ઉપરાંત પરસાણાના સતિષ બારીયા (ઉ.૨૫), લાખાપરના સવાદી ભીખાભાઇ (ઉ.૨૩), પેડક રોડના શંકર ગોવિંદભાઇ (ઉ.૨૧), ખોડિયારનગરના હસમુખભાઇ કોટક (ઉ.૪૮), રાજકોટના વીરજીભાઇ પીપળીયા (ઉ.૫૬), બેડીપરાના મુરર્તુઝા અબ્બાસભાઇ (ઉ.૪૭)ને, રાજકોટના અર્જુનભાઇ મેણંદભાઇ (ઉ.૪૨)ને, દેવાંગ વિનોદભાઇ (ઉ.૧૯), રમજાનભાઇ સાજીદભાઇ (ઉ.૪૮), મોરબી રોડના રમેશભાઇ રતનભાઇ (ઉ.૪૮), રામનાથપરાના વિપુલભાઇ માનસીંગભાઇ (ઉ.૩૫), ભીસ્તીવાડના નવાજ તબરેજભાઇ (ઉ.૪૮), બેડીપરાના સાગર અશોકભાઇ (ઉ.૨૫), કરણપરાના નવીનભાઇ પથુભાઇ (ઉ.૫૯), શકિત સોસાયટીના હર્ષ લાઠીયા (ઉ.૨૫), દુધસાગર રોડ પરના મુસાભાઇ (ઉ.૪૫) તથા ચુનારાવાડના દેવજીભાઇ દામજીભાઇ (ઉ.૫૦)ને ગળા, હાથ, નાક, આંગળીઓ, મોઢા-આંખ પાસે દોરાથી ઇજા થઇ હતી. આ ઉપરાંતના દોરાથી ઘાયલ થયેલા અન્ય લોકોને પણ સિવિલમાં સારવાર અપાઇ હતી. કુલ ૫૯ લોકોએ દોરાની ઇજામાં સારવાર લીધી હતી.

ઇમર્જન્સી વોર્ડમાં સતત તબીબો અને નર્સિંગ સ્ટાફ ખડેપગે રહ્યા હતાં અને ઘાયલોને તાકીદની સારવાર આપી હતી. મોટા ભાગના બનાવમાં એમએલસી કેસ જાહેર કરવામાં આવ્યા નહોતાં. આ જ રીતે ખાનગી હોસ્પિટલોમાં પણ દોરાને કારણે ઘવાયેલા અને દોરા ફસાતા અકસ્માત સર્જાતા ઇજા પામનારા અનેક લોકોએ ઓપીડી સારવાર લીધી હતી. ૧૦૮ની ગાડીઓ પણ સતત દોડધામ કરતી રહી હતી. (૧૪.૧૦)

(11:37 am IST)