Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ન્યારા પાસે બુટલેગર હર્ષદ મહાજનના ઘરમાં દરોડોઃ ૧૫.૧૯ લાખના દારૂ સાથે બે પકડાયા

પંદર દિવસ પહેલા મોટાવડા પાસેથી પકડાયેલો ૩૦ પેટી દારૂ પણ હર્ષદનો હતોઃ રૂરલ એલસીબી પીઆઇ ચાવડા સહિતની ટીમનો દરોડોઃ રાજસ્થાનનાં ભવર ભાટ અને રાજકોટના અશરફશા શાહમદારની ધરપકડઃ બંને ત્રણ દિવસના રિમાન્ડ પરઃ વધુ આઠનાં નામ ખુલ્યા

રાજકોટ તા.૧૫: જામનગર રોડ પર ન્યારા ગામની સીમ આંબાવાડી પાછળ આવેલ ગ્લોરીયસ સીટી નામચીન બુટલેગર હર્ષદ મહાજનના મકાનમાં એલસીબીના સ્ટાફે બાતમીના આધારે દરોડો પાડી મકાનમાંથી રૂા. ૧૫,૧૯,૬૨૦ની કિંમતની દારૂની ૪૨૬૦ બોટલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. પુછપરછ દરમ્યાન અન્ય આઠ શખ્સોના નામ ખુલતા પોલીસે તેની શોધખોળ આદરી છે.

મળતી વિગત મુજબ રૂરલ એસપી બલરામ મીણાની સુચનાથી દારૂબંધી નેસ્ત નાબુદ કરવા માટે એલસીબીના પીઆઇ જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એચ.એ. જાડેજા, હેડ કોન્સ. મહેશભાઇ જાની, બ્રીજેશરાજસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, કોન્સ. મેરૂભાઇ મકવાણા તથા કોન્સ. નરેન્દ્રભાઇ દવે સહિત પડધરી પાસે પેટ્રોલીંગમાં હતા, ત્યારે પીઆઇ જે.એમ. ચાવડાને મળેલી બાતમીના આધારે જામનગર રોડ ન્યારા ગામની સીમમાં આંબાવાડીની પાછળ આવેલ ગ્લોરીયસ સીટી વિસ્તારમાં રાજકોટનો નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયાના મકાનમાં દરોડો પાડી અવાવરૂ મકાનમાંથી રૂા. ૧૫,૧૯,૬૨૦ની કિંમતની દારૂની ૪૨૬૦ બોટલ મળી આવ્યો હતો. અને દારૂનો જથ્થો લાવનાર ટ્રક ચાલક ભવર ભેરૂલાલ ભાટ (ઉ.વ.૨૯) (રહે. સાકરીયા ખેડી ધારીયાવાસ માવલી રાજસ્થાન) અને બનાસકાંઠાના ડીસામાં રહેતો અશરફશા દાઉદશા શાહમદારની ધરપકડ કરી હતી. અને પોલીસે ટેન્કર નં. જી.જે. ૬ એટી -૯૦૯૩ અને જી.જે. ૧ કે.એ. ૮૨૫૫ નંરની ર્સ્કોપીયો મળી રૂા. ૩૦,૨૦,૬૨૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બંનેની પુછપરછ કરતા ટેન્કર ચાલક રાજસ્થાનનો ભવર ભાટ દારૂનો જથ્થો હરિયાણાથી લાવ્યો હતો. અને આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માંડલીયાએ મંગાવ્યો હોવાની કબુલાત આપી હતી. અને ડીસાનો અશરફશા શાહમદાર જી.જે. ૧કે.એ. ૮૨૫૫ નંબરની ર્સ્કોપીયોમાં દારૂ લેવા માટે આવ્યો હતો. પોલીસે બંને શખ્સોના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અને રાજસ્થાનના ચિત્તોડ જિલ્લાના મંગલવાડનો પિન્ટુ ભાટ, રાજકોટનો હર્ષદ ઉર્ફે મહાજન માણેકલાલ માંડલીયા, રાજકોટનો ધર્મેશ (તરગારા વ્યાસ), રાજકોટ ગોકુલધામનો હાર્દિક ઉર્ફે કવી, દેવો, પ્રિયાંક ઉર્ફે કાળીયો વિનોદભાઇ અને રાજકોટનો ચંદ્રેશ ઉર્ફે કાળીયો જગદીશભાઇના નામ ખુલતા પોલીસે તમામ શખ્સોની શોધખોળ આદરી છે.(૧.૭)

(11:37 am IST)