Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

રીઢા તસ્કરો ધર્મેશ મિસ્ત્રી અને નિતીન બાવાજીને ક્રાઇમ બ્રાંચે દબોચ્યાઃ ૪ ચોરીના ભેદ ખુલ્યાઃ ૫.૪૭ લાખના દાગીના કબ્જે

દિવસના સમયે જ બંને ચોરી કરતાં: વાવડી, રામોદ, સરધાર, ગોલીડા ગામે થયેલી ચોરીઓનો ભેદ ખુલ્યોઃ હેડકોન્સ. ફિરોઝભાઇ શેખ, યોગીરાજસિંહ જાડેજા અને સોકતખાનની બાતમી પરથી પીએસઆઇ એમ. બી. જાડેજા અને ડી. પી. ઉનડકટની ટીમને સફળતા

ઝડપાયેલા બંને તસ્કર, કબ્જે થયેલો સોનાના દાગીના અને પીઆઇ એચ. એમ. ગઢવી, પીએસઆઇ જાડેજા, પીએસઆઇ ઉનડકટ તથા ટીમ જોઇ શકાય છે

રાજકોટતા. ૧૫: શહેર ક્રાઇમ બ્રાંચે બે રીઢા તસ્કરોને ઝડપી લેતાં ચાર ચોરીના ભેદ ખુલ્યા છે. આ બંને ધોળે દિવસે જ ચોરી કરવાની ટેવ ધરાવે છે. બંને પાસેથી રૂા. ૫,૪૭,૩૪૫નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમે ચોક્કસ બાતમી પરથી ધર્મેશભાઇ રામજીભાઇ ટાંક  (મીસ્ત્રી) (ઉ.૨૭ -ઘંઘો પ્લમ્બર, રહે. મોટી નાગલપર ગામ તા.અંજાર, હાલ બાલાજી હોલ પાછળના કવાર્ટરમાં) તથાનીતીન ઉર્ફે દાસ ગોરઘનદાસ ભણંગજી (બાવાજી) (ઉ.૩૬-ઘંઘો રિક્ષા ડ્રાઇવીંગ રહે. ખોડિયારનગર શેરી નં-૭/૧૧ કોર્નર, એસ.ટી. વર્ક શોપ પાછળ)ને દબોચી તલાશી લેતાં તેની પાસેથી  રૂ.૫,૧૭,૩૪૫ના સોના ચાંદીના દાગીના મળતાં આ બાબતે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા બાદ આકરી પુછતાછ થતાં ચોરીથી મેળવ્યાનું કબુલતાં આ દાગીના  તથા મોબાઇલ ફોન નંગ-૨ રૂ.૧૦,૦૦૦, બાઇક રૂા.૨૦,૦૦૦નું મળી કુલ  ૫,૪૭,૩૪૫નો મુદ્દામાલ સીઆરપીસી ૧૦૨ મુજબ કબ્જે કરાયો હતો.

બંનેની વિસ્તૃત પુછતાછ થતાં કબુલાત આપી હતી કે આશરે ચારેક માસ અગાઉ દિવસ દરમ્યાન મજકુર ઉપરોકત બન્ને ઇસમો તથા તેમનો મિત્ર શારૂખ નાઓએ મળી જેતપુર પાસે આવેલ વાવડી ગામ ખાતે એક બંઘ મકાન ખાતેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરી હતી. આ ઉપરાંત આશરે બે માસ અગાઉ દિવસ દરમિયાન નીતીન ઉર્ફે દાસ ભણંગજીએ કોટડા સાંગાણી પાસે રામોદ ખાતે ખાતે બંઘ મકાનમા રોકડા રૂપિયાની ચોરી કરી હતી. તેમજ બંનેએ સાથે મળી એકાદ માસ અગાઉ  સરઘાર ગામ હરીપર રોડ ઉપર ધોળે દિવસે બંઘ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાની ચોરી કરીહતી.

આ મામલે આજીડેમ પોલીસમાં ગુનો નોંધાયો હતો. જેમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.૫,૦૬,૦૦૦ની ચોરી થઇ હતી. આ ઉપરાંત  ધર્મેશે આશરે સાત-આઠ દિવસ અગાઉ ગોલીડા ગામ ખાતે એક બંઘ મકાનમાથી ૨૮,૨૦૦ના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. આ અંગે પણ આજીડેમ પોલીસમાં ગુનો નોંધાયો હતો. પકડાયેલા પૈકીના ધર્મેશ ટાંક અગાઉ  ભુજ, અંજાર, ખેડબ્રહમા ખાતે ચોરીના તથા બળાત્કાર, છેડતી તથા અપહરણના ગુન્હામા પકડાયો હતો. જ્યારે  નીતીન ઉર્ફે દાસ લોધીકામાં બળજબરીથી નાણા પડાવવાના ગુનામાં પકડાયો હતો.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર શ્રી સિધ્ધાર્થ ખત્રી ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરી તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચના મુજબ    પીએસઆઇ મહાવીરસિંહ.બી.જાડેજા, પીએસઆઇ ડી.પી.ઉનડકટ તથા પો. હેડ કોન્સ. પ્રતાપસિંહ દૈવતસિંહ ઝાલા, હરદેવસિંહ રમુભા, ફીરોઝભાઇ ઇકબાલભાઇ શેખ, યોગેન્દ્રસિંહ દશરથસિંહ જાડેજા, અમૃતભાઇ મકવાણા તથા પો. કોન્સ. કુલદીપસિંહ જાડેજા, સોકતભાઇ ખોરમ, અમીતભાઇ ટુંડીયા, યોગીરાજસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ સહિતના પેટ્રોલીંગમાં હતા તે વખત ફિરોઝભાઇ, યોગીરાજસિંહ અને સોકતભાઇની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. (૧૪.૭)

(11:34 am IST)