Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ભકિતનગર સર્કલ પાસે 'હિટ એન્ડ રન': ફૂગ્ગા વેંચતા પરિવારના ૨II વર્ષના પુત્ર રાહુલનું મોત

સંક્રાંતની સાંજે બનાવઃ કાળા રંગની કારનો ચાલક અકસ્માત સર્જી ભાગી ગયોઃ લક્ષ્મીનગર નાલા પાસે રહેતાં દેવીપૂજક પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: મકર સંક્રાંતની સાંજે ભકિતનગર સર્કલ નજીક મેઘાણી રંગ ભવન પાસે ફુગ્ગા વેંચી રહેલા દેવીપૂજક પરિવારના અઢી વર્ષના માસુમ બાળકને એક કારનો ચાલક ઉલાળીને ભાગી જતાં 'હિટ એન્ડ રન'ની આ ઘટનામાં માસુમ બાળકનું મોત નિપજતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

જાણવા મળ્યા મુજબ લક્ષ્મીનગર નાલા પાસે ઝૂપડામાં રહેતો સુરેશ દિલુભાઇ વાઘેલા નામનો દેવીપૂજક યુવાન, તેના પિતા દિલુભાઇ, માતા, પત્નિ હિરલ સહિતના પરિવારજનો સંક્રાંતને દિવસે ગેસવાળા ફુગ્ગા વેંચવા ભકિતનગર સર્કલ મેઘાણી રંગ ભવન પાસે ઉભા હતાં. સાંજે સાડા ચારેક વાગ્યે  સુરેશનો દિકરો રાહુલ (ઉ.વ.૨ાા) પરિવારજનો જ્યાં ફુગ્ગા વેંચતા હતાં ત્યાં રમતો હતો ત્યારે એક કારનો ચાલક બંબાટ ઝડપે નીકળો હતો અને રાહુલને ઠોકરે લઇ ગાયત્રીનગર તરફના રસ્તે ભાગી ગયો હતો.

ગંભીર ઇજા થતાં રાહુલને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તેને મૃત જાહેર કરવામાં આવતાં કલ્પાંત સર્જાયો હતો. મૃત્યુ પામનાર રાહુલ એક બહેનથી મોટો હતો. તેની નાની બહેન રૂપા ત્રણ માસની છે. રાહુલના દાદા દિલુભાઇના કહેવા મુજબ લોકોએ અકસ્માત સર્જીને ભાગી ગયેલી કારના નંબર નોંધ્યા હતાં. એ કાર કાળા રંગની હતી અને કાચ પાછળ મહાદેવ લખેલુ હતું. કારના ટુંકા નંબર મળ્યા હોઇ તેના આધારે અને સીસીટીવી ફૂટેજ મળે તો તેના આધારે પોલીસે તપાસ આદરી છે. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને ધર્મેશભાઇ ડાંગરે જાણ કરતાં ભકિતનગરના એએસઆઇ સુભાષભાઇ ડાંગર અને નિલેષભાઇ ચાવડાએ વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૯)

(11:31 am IST)