Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સંક્રાંતની આગલી સાંજે સદરના શોૈચાલયમાં પતંગના વેપારી રિન્કુભાઇ ભોજાણીનું બેભાન થઇ જતાં મોત

સાંજથી મોડી રાત સુધી અંદર જ પડી રહ્યાઃ મોડી રાત્રે કર્મચારી શોૈચાલય બંધ કરવા આવ્યો ત્યારે લાશ જોઇઃ હિરેનભાઇ ભોજાણી (ઉ.૩૫)ને હાર્ટએટેક આવી ગયોઃ પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૧૫: જિંદગીની સફર કયારે કયાં પુરી થઇ જાય તેની ખબર પડતી નથી. સંક્રાંતની આગલી સાંજે સદર બજારમાં પતંગ-દોરાનો વેપાર કરતાં લોહાણા યુવાનનું શોૈચાલયમાં હાર્ટએટેક આવી જતાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. રાત્રે કર્મચારી શોૈચાલય બંધ કરવા ગયો ત્યારે વેપારી યુવાનની લાશ જોઇ પોલીસને જાણ કરી હતી.

બનાવની પ્રાપ્ત માહિતી મુજબ સદર બજાર તાલુકા શાળા સામે આવેલા શોૈચાલયને કર્મચારી મોડી રાત્રે દોઢ વાગ્યે બંધ કરવા ગયો ત્યારે સંડાસ અંદર એક યુવાનને બેભાન જોતાં ગભરાઇ ગયો હતો. તેણે તાકીદે ૧૦૮ને અને પોલીસને જાણ કરી હતી. ૧૦૮ના તબિબની તપાસમાં આ યુવાનનું મોત નિપજ્યાનું જાહેર થયું હતું. પ્ર.નગરના પીએસઆઇ કે. ડી. પટેલ અને રાઇટર રામજીભાઇએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરી હતી. મૃતકના મોબાઇલ નંબરને આધારે તેની ઓળખ થઇ હતી.

આ યુવાન સદરમાં જ સોની બોર્ડિંગ નજીક રહેતાં હિરેનભાઇ (રિન્કૂભાઇ) ભરતભાઇ ભોજાણી (લોહાણા) (ઉ.૩૫) હોવાનું ખુલતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. મૃતક યુવાન એક ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં એક પુત્રી છે. હિરેનભાઇ સદરમાં સિઝનલ વેપાર કરતાં હતાં. ગત સાંજે પોતાના પતંગ દોરાના સ્ટોલથી શોૈચક્રિયા કરવા ગયા ત્યારે હાર્ટએટેક આવી જતાં અંદર બેભાન થઇ પડી ગયા હતાં. જેની કોઇને જાણ થઇ નહોતી. છેક રાત્રે શોૈચાલયના કર્મચારીને જાણ થઇ હતી. મોતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. જેમાં હાર્ટએટેકથી જ મૃત્યુ થયાનો રિપોર્ટ આવ્યો હતો. બનાવને પગલે સ્વજનોમાં અને વેપારી મિત્રોમાં ભારે ગમગીની છવાઇ ગઇ હતી.

પાંજરાપોળના કોળી વૃધ્ધ શામજીભાઇનું બેભાન હાલતમાં મોત

પાંજરાપોળ શેરી નં. ૫માં શિતળા માતાજીના મંદિર પાસે રહેતાં શામજીભાઇ  લક્ષમણભાઇ વારા (ઉ.૬૦) નામના કોળી વૃધ્ધને કેન્સરની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમારે જાણ કરતાં બી-ડિવીઝનના પીએસઆઇ જે.આર. સરવૈયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર વૃધ્ધને સંતાનમાં ત્રણ પુત્ર અને ત્રણ પુત્રી છે.

દુધ સાગર રોડના ખોજા પ્રોૈઢનું પણ બેભાન હાલતમાં મોત

ત્રીજા બનાવમાં દૂધ સાગર રોડ પર વીમાના દવાખાના પાસે ગુલશન એપાર્ટમેન્ટમાં રહેતાં અને ખાનગી દવાખાનામાં નોકરી કરતાં નસિરૂદ્દીન પ્યારઅલી ખેરાજ (ખોજા) (ઉ.૫૦) સંક્રાતની વહેલી સવારે ચાર વાગ્યે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. મૃતક ચાર ભાઇ અને બે બહેનમાં બીજા હતાં. સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. (૧૪.૬)

 

(11:31 am IST)