Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મનહરપુરના ભૂપત કોળીની હત્‍યામાં ૭ ઓરોપીના ૬ દિ'ના રિમાન્‍ડઃ વધુ એક આરોપીની ધરપકડ

ગઇકાલે ઘટના સ્‍થળે પુછતાછ વખતે પોલીસ સાથે ઘર્ષણને પગલે આજે પણ મનહરપુરમાં બંદોબસ્‍ત

રાજકોટ તા. ૧૪: માધાપર ચોકડી પાસેના મનહરપુર-૨માંરહેતાં ભૂપતભાઇ સોમાભાઇ જાખલીયા નામના કોળી યુવાન પર અગાઉના રિક્ષા પાર્કિંગના ડખ્‍ખાનો ખાર રાખી અગિયાર શખ્‍સોએ હીચકારો હુમલો કરી હાથ-પગ ભાંગી નાંખ્‍યા હતાં. આ યુવાનનું મોત નિપજતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો. હત્‍યાના આ ગુનામાં પોલીસે  ૭ આરોપીઓને પરમ દિવસે પકડયા હતાં. તેના છ દિવસના રિમાન્‍ડ મંજુર થયા છે. આ ઉપરાંત હોસ્‍પિટલમાં દાખલ જયદિપને હોસ્‍પિટલમાંથી રજા અપાતાં તેની પણ ધરપકડ થઇ છે.

ગંભીર રીતે ઘવાયેલા ભૂપતભાઇને સારવાર માટે રાજકોટથી અમદાવાદ લઇ જવાયા હતાં. જ્‍યાં પરમ દિવસે વહેલી સવારે તેણે દમ તોડી દેતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો હતો. મૃતકના સ્‍વજનો અને કોળી સમાજના લોકોએ આરોપીઓ ન પકડાય ત્‍યાં સુધી લાશ નહિ સંભાળવાનો અને મૃતદેહ પોલીસ કમિશનર કચેરીએ લઇ જવાનો નિર્ણય કર્યો હતો. એ પછી પોલીસે તાકીદની કાર્યવાહી કરી ૭ આરોપીઓને પકડી લીધા હતાં. જો કે મૃતદેહ અંતિમવિધી માટે લઇ જવાયો નહોતો અને સિવિલ હોસ્‍પિટલે રખાયો હતો. મૃતકના સ્‍વજનો અને કોળી સમાજે એ પછી આરોપીઓનું સરઘસ કાઢી પુછતાછ કરવામાં ન આવે ત્‍યાં સુધી મૃતદેહ નહિ સંભાળવાનો નિર્ણય કર્યો હતો.  અંતે પોલીસ બપોર પછી આરોપીઓને મનહરપુર લઇ જવામાં આવતાં તેને જાહેરમાં ફટકારવાની માંગણી કોળી સમાજના લોકોએ કરી ચક્કાજામ કરતાં અને પોલીસ ઉપર પથ્‍થરમારો કરતાં પોલીસને પણ લાઠીચાર્જ કરવો પડયો હતો.

ગઇકાલની ઘટના બાદ મનહરપુરમાં બંદોબસ્‍ત રાખવામાં આવ્‍યો છે. પોલીસે આ ગુનામાં મનહરપુરના વિભા ગોવિંદભાઇ હુંબલ (આહિર) (ઉ.૪૨), જીતેન્‍દ્ર ઉર્ફ જીતુ કાનાભાઇ હુંબલ (ઉ.૩૪), જગદીશ ઉર્ફ લાલો કાનાભાઇ હુંબલ (ઉ.૨૮), અશ્વિન ખેંગારભાઇ જળુ (ઉ.૩૭), આનંદ ખેંગારભાઇ જળુ (ઉ.૨૯), અરશી જેઠાભાઇ વસરા (ઉ.૪૨), ભરત ઉર્ફ કેતન હરેશભાઇ ઉર્ફ હકાભાઇ બહોકીયા (કોળી) (ઉ.૨૨)ની ધરપકડ કરી હતી. આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં તેના ૬ દિવસના રિમાન્‍ડ મંજુર થયા છે. જયદિપ હુંબલને હોસ્‍પિટલમાંથી રજા અપાતાં તેની પણ ધરપકડ કરવામાં આવી છે. પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ રબારી,  ગિરીરાજસિંહ જાડેજા સહિતની ટીમ વધુ તપાસ કરે છે.

(4:01 pm IST)