Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

મવડીની મધુરમ્‌ સોસાયટીમાં પૂજાનો ગળાફાંસો ખાઇ આપઘાતઃ બે વર્ષ પહેલા લવમેરેજ કર્યા'તા

ગોંડલના નાગલકાની પટેલ યુવતિએ ખાંટ યુવાન મિત સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં: કારણ અકળ

રાજકોટ તા. ૧૪: મવડીમાં અંકૂર વિદ્યાલય રોડ પર મધુરમ્‌ સોસાયટી-૧માં રહેતી પૂજાબેન મિત ગુજરાતી (ઉ.વ.૨૪) નામની ખાંટ પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. મુળ પટલ જ્ઞાતિની આ યુવતિએ બે વર્ષ પહેલા ખાંટ યુવાન સાથે પ્રેમલગ્ન કર્યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ મધુરમ્‌ સોસાયટીમાં રહેતી પૂજાબેને સવારે ઘરે ગળાફાંસો ખાઇ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેણે દમ તોડી દીધો હતો. હોસ્‍પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ જાણ કરતાં માલવીયાનગરના  પીએસઆઇ જે. કે. પાંડાવદરા અને પ્રશાંતસિંહ સહિતે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી.  પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ પૂજાબેનના માવતર ગોંડલના નાગલકા ગામે રહે છે. તેણી પટેલ જ્ઞાતિના હતાં. બે વર્ષ પહેલા મિત સાથે લવમેરેજ કર્યા હતાં. પતિ કારખાનામાં નોકરી કરે છે. આપઘાતનું કારણ સાસરિયા પક્ષના લોકો જાણતાં ન હોઇ પોલીસે માવતર પક્ષને જાણ કરી તેના નિવેદન નોંધવા તજવીજ હાથ ધરી છે. બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(4:00 pm IST)