Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

શહેરમાં વધુ એક કલંકિત ઘટના બનતા અટકી

દૂષ્‍કર્મ-છેડતીની ઘટનાઓ વચ્‍ચે સોૈ સજાગ બન્‍યા છે...રિક્ષાચાલક અને સાથેના શખ્‍સનો બદઇરાદો જાગૃત યુવાનને કારણે નિષ્‍ફળ નિવડયો : રાત્રે આનંદ બંગલા ચોકમાં રિક્ષામાંથી એક મહિલાની ચીસ સંભળાતાં જાગૃત યુવાન શ્રીકાંત વ્‍યાસે રિક્ષા અટકાવતાં ચાલક અને સાથેના શખ્‍સે યુવાન સાથે મારામારી કરીઃ એ દરમિયાન મહિલા ઉતરી ગયાઃ મહિલાએ ‘મને ભુખ લાગી છે...મારા રિક્ષાવાળા મારા કપડા ખેંચતા'તા...એવી વાત કરતાં જાગૃત યુવાને તેને નાસ્‍તો કરાવ્‍યો અને ૧૮૧ને જાણ કરતાં તેની ટીમે મહિલાને ઘર સુધી પહોંચાડીઃ માનસિક અસ્‍વસ્‍થ મહિલા ઘેરથી જાણ કર્યા વગર નીકળી ગયા હતાં

રાજકોટ તા. ૧૪: ઠેકઠેકાણે દૂષ્‍કર્મની અનેક ઘટનાઓ છેલ્લા એકાદ મહિનામાં સામે આવી હતી. રાજકોટમાં પણ આઠ વર્ષની બાળા તેના પરિવારજનો સાથે બગીચાના પટમાં સુતી હતી ત્‍યાંથી તેને ઉઠાવી જઇ એક હવસખોરે પિશાચીવૃતિ દાખવી હતી. પોલીસે તેને દબોચી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું. આ સિવાયની ઘટનાઓ પણ સામે આવી હતી. આવી ઘટનાઓ સામે હવે લોકો સતર્ક અને જાગૃત બન્‍યા છે. રંગીલા રાજકોટમાં શુક્રવારની રાતે વધુ એક કલંકિત ઘટના બનતાં અટકી હતી. ઘરેથી નીકળી ગયેલા માનસિક અસ્‍વસ્‍થ મહિલાને આનંદ બગલા ચોકમાં એક રિક્ષાચાલક અને સાથેના શખ્‍સે બળજબરીથી ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો હતો. ચાલુ રિક્ષામાંથી મહિલાની ચીસ સંભાળતાં એ વખતે જ જાગૃત યુવાન ત્‍યાંથી નીકળતાં તેણે કંઇક શંકાસ્‍પદ જણાતાં રિક્ષા ઉભી રખાવી હતી. એ સાથે જ ચાલક અને સાથેના શખ્‍સે તેની સાથે મારામારી કરી હતી. ત્‍યાં મહિલા પણ નીચે ઉતરી ગઇ હતી અને રિક્ષાચાલક તથા સાથેનો શખ્‍સ ભાગી ગયા હતાં. જો યુવાને જાગૃકતા ન દાખવી હોત તો એ અજાણ્‍યા શખ્‍સોનો બદઇરાદો બર આવી ગયો હોત અને કદાચ વધુ એક કલંકિત ઘટના બની ગઇ હોત!?

પ્રાપ્‍ત માહિતી મુજબ રાત્રીના અગિયાર-સાડા અગિયાર આસપાસ આનંદ બંગલા ચોક નજીક એક રિક્ષા જઇ રહી હતી તેમાંથી એક મહિલાનો અવાજ નજીકમાં જ ટુવ્‍હીલર પર પસાર થઇ રહેલા શ્રીકાંત નરેન્‍દ્રભાઇ વ્‍યાસ (શિકો)ને આવતાં તેને શંકા ઉપજી હતી. અંદર નજર કરતાં પાછળ બેઠેલા શખ્‍સે આશરે ૩૫ થી ૩૮ વર્ષની મહિલાને પરાણે પકડીને બેસાડી રાખી હોય તેવું દ્રશ્‍ય જોવા મળતાં જ તેણે પળનો પણ વિલંબ કર્યા વગર રિક્ષા અટકાવી હતી.

રિક્ષાચાલક અને પાછળ બેઠેલા શખ્‍સને આ મહિલા કોણ છે? ક્‍યાં લઇ જાવ છો? કેમ દેકારો કરે છે? તેવું પુછતાં પાછળ બેઠેલા શખ્‍સે નીચે ઉતરી માથાકુટ કરતાં યુવાને તેનો સામનો કર્યો હતો. ત્‍યાં ચાલક બહાર આવ્‍યો હતો અને આ યુવાનને પાટુ મારી પછાડી દીધો હતો. એ પછી તેણે બંનેનો બળપૂર્વક સામનો કરતાં રિક્ષામાંથી મહિલા ઉતરી ગયા હતાં. ત્‍યાં ચાલક અને અજાણ્‍યો શખ્‍સ રિક્ષા લઇ ભાગી ગયા હતાં. અંધારાને કારણે નંબર જોઇ શકાયા નહોતાં.

એ પછી યુવાન શ્રીકાંત (શિકા)એ ખુબ ગભરાઇ ગયેલા મહિલાની પુછપરછ કરતાં તેણીએ રિક્ષામાં પોતાના કપડા ખેંચવામાં આવ્‍યાનું અને પોતાને બહુ ભુખ લાગી હોવાનું કહ્યું હતું. મહિલા જે રીતે વાત કરતાં હતાં તે જોતાં તેઓ માનસિક અસ્‍વસ્‍થ હોય તેવું લાગ્‍યું હતું. યુવાને પહેલા તો તેને નજીકમાં લારીએ લઇ જઇ નાસ્‍તો કરાવ્‍યો હતો અને ત્‍યારબાદ મહિલા હેલ્‍પલાઇન ૧૮૧માં જાણ કરી હતી.

૧૮૧ની ટીમના  કાઉન્‍સીલર પ્રિયંકાબેન રાઠવા, ડ્રાઇવર ભૂપતભાઇ, જીઆરડી કિરણબેન, મિનાક્ષીબેન સહિતના પહોંચ્‍યા હતાં. આ ટીમે મહિલાની પૃછા કરતાં તેણે પોતાનું એડ્રેસ જણાવ્‍યું હતું. એ પછી આ ટીમ મહિલાને તેના ઘરે લઇને પહોંચી હતી ત્‍યારે પરિવારજનો પણ શોધખોળ કરતાં હોવાની ખબર પડી હતી.

મહિલા માનસિક અસ્‍વસ્‍થ હોવાનું અને તેમની દવા પણ ચાલુ હોવાનું તથા રાતે તે ઘરના સભ્‍યોની જાણ બહાર ઘરેથી નીકળી ગયાની માહિતી ૧૮૧ની ટીમને મળી હતી. ૧૮૧ની ટીમના કાઉન્‍સીલરના જણાવ્‍યા મુજબ જાગૃત નાગરિકે અમને ફોન કરીને જણાવ્‍યું હતું કે એક મહિલાને એક ભાઇ જબરદસ્‍તીથી પકડીને લઇ જતાં હતાં તેની પાસેથી તેણે એક મહિલાને મુક્‍ત કરાવ્‍યા છે. એ પછી અમે આનંદ બંગલા ચોકમાં પહોંચ્‍યા હતાં. ત્‍યાં જઇ મહિલાની પુછપરછ કરતાં તેણે માત્ર સરનામુ જણાવ્‍યું હતું. એ પછી તેનું ઘર શોધીને ઘરે પહોંચાડયા હતાં. તેમના પરિવારજનોને પણ તેણીની સંભાળ રાખવા અને ઘરેથી આ રીતે નીકળી ન જાય તે માટે ધ્‍યાન રાખવા સમજ આપી હતી. આનંદ બંગલા ચોકમાં થતી ચર્ચા મુજબ જો જાગૃત યુવાનની નજર ન પડી હોત તો કદાચ વધુ એક કલંકિત ઘટના ઘટી ગઇ હોત.

 

(3:53 pm IST)