Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

આવતીકાલથી રાજકોટમાં ભગવાન શ્રીકૃષ્ણના શ્રીમુખે કહેવાયેલી ''શ્રીમદ્દ ભગવદ્દ ગીતા'' જ્ઞાનયજ્ઞનું મંગલાચરણ

સાત દિવસ દરમ્યાન દરરોજ ઉજવાતાં મંગલ મનોરથો ભાવિક શ્રોતા સમૂદાયને ભાવ વિભોર કરશે : કથા પ્રારંભ પૂર્વેની શોભાયાત્રા ભાવિક નગરજનોનું અનેરૂ આકર્ષણ બની રહેશેઃ પૂ.દ્વારકેશલાલજીના હસ્તે સાંજે પૂજન

રાજકોટ,તા.૧૪: પોરબંદરના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુકના પરિવારની સેવા ભાવના અને રાજકોટની બે વૈષ્ણવ સંસ્થાઓ દાસી જીવણ સત્સંગ મંડળ અને રાજકોટ વૈષ્ણવ સંઘના સંયુકત સેવા ઉપક્રમે રેસકોર્ષ મેદાનમાં વિશાળ ડોમ- કથા પરિસરમાં આવતીકાલ રવિવાર, તા.૧૫ શનિવારથી તા.૨૧ ડિસેમ્બરના સાત દિવસ સુધી ભગવાન શ્રી કૃષ્ણના શ્રીમુખી કહેવાયેલી ''શ્રીમદ્દ ભગવદ્દ ગીતા'' ઉપદેશ કથા જ્ઞાનયજ્ઞનું વિશાળ ફલક પર આયોજન થયું છે. આ જ્ઞાનયજ્ઞમાં આચાર્યપીઠેથી કડી- અમદાવાદના વૈષ્ણવ ધર્મ સંસ્થાનના યુવા વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહોદય શ્રી ભગવાન શ્રી કૃષ્ણએ ઉપદેશેલ ભગવદ્દ ગીતા જ્ઞાનામૃતનું દરરોજ બપોરે ૩થી સાંજના ૭ સુધી રસપાન કરાવશે.

માનવ માત્રને સુખી જીવનની પ્રેરણા આપતાં આ ધર્મા યોજનના પ્રચાર ઈન્ચાર્જ ગુણવંતભાઈ ડેલાવાળા, સરગમ કલબ રાજકોટના પ્રમુખ સાત દિવસ દરમ્યાનની વિશેષ વિગતો આપતાં જણાવે છે કે, આવતીકાલ ગીતાજ્ઞાનયજ્ઞના મંગલ પ્રારંભ પૂર્વે બપોરે ૨ વાગ્યે કથા સ્થાનેથી વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન થશે, જે શહેરના મુખ્ય રાજમાર્ગો પર વાજતે ગાજતે ફરીને કથાસ્થાને પરત આવશે. કડી- અમદાવાદના વૈષ્ણવાચાર્ય પૂ.વ્રજેશકુમારજી મહારાજશ્રીના કર કમળો દ્વારા ગીતાજ્ઞાનયજ્ઞનું દિપપ્રાગટય કરીને તેઓ વચનામૃતનો લાભ આપશે અને ત્યારબાદ આચાર્યપીઠેથી ભગવદ્દ ગીતા ઉપદેશ કથાનું મંગલાચરણ થશે. આજે શનિવારે સાંજે પાંચ વાગ્યે કથાસ્થળે પૂ.દ્વારકેશલાલના હસ્તે ગૌપૂજન અને સાંજે ૬ વાગ્યે દરબારગઢ ખાતેની બાલકૃષ્ણલાલજી હવેલીમાં પૂ.દ્વારકેશલાલજી વચનામૃતનો લાભ આપશે.

રાજકોટના આંગણે પ્રથમ વખત યોજાય રહેલી અનોખા અને પ્રેરણાદાયી જ્ઞાનયજ્ઞનો લાભ લેવા રમેશભાઈ ધડુક, નૈમિષભાઈ ધડુક, અરવિંદભાઈ ગજજર, ગુણવંતભાઈ ડેલાવાળા, સૂર્યકાન્તભાઈ વડગામા, અલ્પેશભાઈ ખંભાયતા, વિઠ્ઠલભાઈ ધડુક, પોપટભાઈ ભાલાળા સહિત વૈષ્ણવ સેવાને સમર્પિત મહાજનોની યાદીમાં અપીલ કરી છે.

(11:53 am IST)