Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

રાજકોટ જેલમાં મોબાઇલ-ચાર્જર-તમાકુની પડીકીઓ વીંટાળેલો 'દડો' મળ્યો!

૧૨મીની વહેલી સવારે સિપાઇ નવી જેલ-૨ અંદરની સાઇડ રાઉન્ડમાં હતાં ત્યારે બહારથી સેલોટેપથી પ્રતિબંધીત ચીજવસ્તુઓ ચોંટાડેલા દડાનો ઘા આવ્યોઃ જેલર કે. એમ. સાધુએ પ્ર.નગર પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાવતાં તપાસ : મોબાઇલ ફોન, ત્રણ ચાર્જર, એક ડેટા કેબલ, બુધાલાલ તમાકુની ૨૪ પડકીઓ મળતાં ખળભળાટઃ તમામ ચીજવસ્તુઓ એફએસએલમાં મોકલવામાં આવી : અગાઉ અનેક વખત પ્રતિબંધીત ચીજવસ્તુઓ પકડાતાં તેમાં ખુદ જેલ સિપાહીઓની સંડોવણી પણ ખુલી હતીઃ મોબાઇલ-તમાકુ કોના? તે અંગે તપાસ

રાજકોટ તા. ૧૪: રાજકોટ જીલ્લા જેલમાંથી અગાઉ અનેક વખત મોબાઇલ ફોન, તમાકુ, બીડી સહિતની ચીજવસ્તુઓ મળી આવી હતી. વધુ એક વખત એક મોબાઇલ ફોન, ત્રણ ચાર્જર, ચાર્જરનો કેબલ, તમાકીની ૨૪ પડીકીઓ સહિતની પ્રતિબંધીત ચીજવસ્તુઓ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ચોંકાવનારી બાબત એ છે કે કોઇએ ચીજવસ્તુઓ એક દડા સાથે સેલોટેપથી વીંટાળીને દડાનો જેલ કમ્પાઉનડમાં ઘા કર્યો હતો! આ અંગે જેલરે ગુનો દાખલ કરાવ્યો છે.

પ્ર.નગર પોલીસે મધ્યસ્થ જેલના ગ્રુપ-૨ જેલર કે. એમ. સાધુની ફરિયાદ પરથી પોલીસે અજાણ્યા શખ્સ સામે ધ પ્રિઝન એકટની કલમ ૪૨,૪૩,૪૫ અને પેટા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. જેલરશ્રીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું મધ્યસ્થ જેલમાં ગ્રુપ-૨માં ફરજ બજાવું છું. ૧૨/૧૨ના હું ફરજમાં રહેલ એ વખતે આશરે ૩ થી ૪ વાગ્યાની આસપાસ નવી જેલ-૨ અંદરની કોર્ટ પાળી પાછળ ત્યાંના સિપાહી ધર્મેન્દ્રસિંહ સોઢા જેલ અંદરની ગાર્ડ નં. ૧ કોટપાળીનો રાઉન્ડ લેતાં હતાં.

તે વખતે ખાખી કલરની સેલોટેપ વિંટાળાયેલી એક વસ્તુનો જેલની બહારથી અંદરની તરફ ઘા આવ્યો હતો. જેથી સિપાહીએ તપાસ કરતાં દડા પર સેલોટેપથી ચીજવસ્તુઓ ચોંટાડાઇ હોવાનું જણાતાં તેમણે નાઇટ અમલદાર જસવંતભાઇ કટારાને આ દડો આવ્યો હતો. તેમણે જેલ ઓપનીંગ સમયે જેલ અધિક્ષક સમક્ષ આ દડો રજૂ કર્યો હતો. જે અધિકારીઓની હાજરીમાં ખોલવામાં આવતાં તેમાંથી સેમસંગ કંપનીનો સ્લીવપીસ મોબાઇલ નંગ ૧, તેમજ સેમસંગ કંપનીના સિલ્વર કલરના અલગ-અલગ ત્રણ ચાર્જર, ચાર્જરનો કેબલ (ડેટા કેબલ) તથા બુધાલાલ તમાકુની ૨૪ પડકીઓ મળી આવી હતી!

મોબાઇલ, ચાર્જર, તમાકુ જેલમાં પ્રતિબિંધી વસ્તુ હોઇ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવાઇ હતી. પ્રતિબંધીત વસ્તુઓ એફએસએલ ખાતે સાયબર ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં ચકાસણી માટે મોકલવામાં આવે તો ઘણી બાબતોનો ખુલાસો થઇ શકે તેમ છે. તેમજ મોબાઇલ ફોન કઇ વ્યકિતનો નામે છે? મોબાઇલ ફોનના ઉપયોગથી કોઇ ગુનાહિત પ્રવૃતિને અંજામ આપવાનો હતો કે કેમ? તેની ઉંડાણપૂર્વકની તપાસકરવા  જેલર મારફત ફરિયાદમાં જણાવાયું છે.

પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એમ. બી. ગોસ્વામી અને ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. નોંધનીય છે કે અગાઉ રાજકોટ જેલમાંથી અનેક વખત મોબાઇલ ફોન, તમાકુ, બીડી સહિતની પ્રતિબંધીત વસ્તુઓ મળી આવતી હતી. જે તે વખતે જેલ અધિક્ષક અરૂણકુમાર વ્યાસના વખતમાં અનેક કેદીઓ અને સિપાહીઓ વિરૂધ્ધ પણ ગેરકાનૂની પ્રવૃતિઓ કરવા સબબ ગુના નોંધાયા હતાં અને ધરપકડ પણ થઇ હતી. ત્યાં હવે કોઇએ દડા (બોલ)માં મોબાઇલ, તમાકુ, ચાર્જર વીંટાળીને જેલમાં ફેંકતા ચકચાર જાગી છે.

(11:52 am IST)