Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

૩૭૦ નાબૂદી- રામ મંદિર નિર્માણ- જેવા નિર્ણયો સરકાર સાહેબને ખરા અર્થમાં અંજલી આપનારા

સરદાર પટેલની પુણ્‍યતિથિએ ભાવાંજલી અર્પણ કરતાં રાજુ ધ્રુવ

રાજકોટ,તા.૧૪: સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્‍યતિથિ નિમિત્તેરાજુભાઈ ધ્રુવે સરદાર સાહેબને ભાવાંજલિ અર્પણ કરતા જણાવ્‍યું હતું કે ભારત નિર્માણ માં જેમના પ્રદાન ને કોંગ્રેસ દ્વારા ભૂલવાડવા ના હજારો પ્રયત્‍નો થવા છતાં દેશવાસીઓ ના હૃદય સિંહાસન પર રાજ કરનાર મહાન રાજપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલ હમેંશા અમર રહેશે. કલમ ૩૭૦ નાબૂદી, રામ મંદિર નિર્માણ, નાગરિકતા સંશોધન બિલ અમલ જેવા નિર્ણયો સરદાર સાહેબને ખરા અર્થમાં અંજલી આપનારા છે. વર્તમાન ભારત સરદાર વલ્લભભાઈ પટેલનાં સપનાનું ભારત બનવા જઈ રહ્યું છે. છેલ્લા ૬૪ વર્ષથી નાગરિકતા બિલ અદ્ધરતાલ હતું, પાછલા ૭૨ વર્ષથી કલમ ૩૭૦ જમ્‍મુ-કાશ્‍મીરની સમસ્‍યા બની રહી હતી. ગત ૫૯૧ વર્ષથી રામ મંદિર મુદ્દે હિંદુઓને અન્‍યાય થઈ રહ્યો હતો, ત્રણ તલાક હોય કે પછી આરક્ષણનો મામલો.. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહનાં નેતૃત્‍વમાં ભારતીય જનતા પક્ષ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલનાં પદચિન્‍હો પર ચાલીને એક ભારત શ્રેષ્‍ઠ ભારતનું નિર્માણ કરી રહ્યાં છે.

રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્‍યું હતું કે, કોંગ્રેસ દ્વારા અન્‍યાય, અવહેલના અને ઉપેક્ષા પામનાર દેશ ના પ્રથમ વડાપ્રધાન બનવા ના હકદાર સરદાર વલ્લભભાઈ પટેલનું વ્‍યક્‍તિત્‍વ ન ભૂતો ન ભવિષ્‍યતિ છે. સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રપુરૂષ ભારતની ધરતી પર જન્‍મ લે તે દેશ માટે અત્‍યંત ગૌરવપૂર્ણ બાબત છે. ભારત નિર્માતા શ્રી સરદાર સાહેબનાં આપણે સૌ ઋણી છીએ. કેમ કે, ઈતિહાસમાં કયારેય પણ ન હતું તેટલું ભવ્‍ય ભારત, એક ભારતનું નિર્માણ શ્રી સરદાર સાહેબે કર્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીની ભેટ આપનારા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય ઈતિહાસ અને રાજકારણનાં એક એવા અમર રાષ્ટ્રનાયક છે તેમની કીર્તિ સદાય અકબંધ રહેશે. સરદાર પટેલ ખરા અર્થમાં ભારતીય લોકશાહીનાં સર્જક નિર્માતા છે. આપણા લોકલાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્‍વનો ભાગ ભજવનાર સરદાર વલભભાઈ પટેલને આપણે આજે આટલા વર્ષો પછી પણ ભુલી શકીએ કે ભવિષ્‍યમાં કયારેય તેમનું ઋણ અદા કરી શકીએ તેમ નથી. પેઢીઓ વીતી જાય છે ત્‍યારે જઈને ક્‍યારેક એક સાચા લોક નેતાનો જન્‍મ થાય છે, જેમાં ઘણું અક્‍લ્‍પનીય કરવાની હિંમત હોય, ઘ ણું બધું કરી છૂટવાની તાકાત હોય, જેમનાથી કરોડો લોકોનું જીવન પ્રભાવિત થઈ જાય, સરદાર વલ્લભભાઈ પટેલ તેવા જૂજ નેતાઓમાંથી એક નેતા છે, જેને ભારતના સાચા સપૂત, સાચા રાજનેતા કહેવામાં આવે છે. કોંગ્રેસે કરેલા સરદાર સાહેબને અન્‍યાય દૂર કરી આપણે સરદાર સાહેબ પર સૌ ભારતીયોએ ગર્વ કરવો જોઈએ.

 સરદાર સાહેબની વિચારધારા અને આચાર-વિચાર નરેન્‍દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહમાં નખશીખ જોવા મળે છે. તેથી જ સરદાર વલ્લભભાઈ પટેલનાં અધૂરા કાર્યો પૂર્ણ કરવાનો અવસર નરેન્‍દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહને સાંપડ્‍યો છે.

સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રવાદી અને માનવતાવાદી હતા. તેમના માટે દેશ પ્રથમ હતો. તે તેમના વ્‍યકિતત્‍વની મહાનતા હતી કે તેમણે ક્‍યારે પણ હોદ્દા માટે નહિ, પરંતુ દેશ માટે કામ કર્યું. હોદ્દો તેમના માટે મહત્‍વનો ન હતો. કોંગ્રેસે સરદાર સાહેબને અન્‍યાય, ઉપેક્ષા, અન્‍યાય કર્યા. ભાજેપે સરદાર સાહેબને માન, સન્‍માન અને આદર અપાવ્‍યા. ભાજપનાં નેતૃત્‍વમાં નિર્માણ પામી રહેલું આજનું આધુનિક ભારત સરદાર વલ્લભભાઈ પટેલનાં વિચારોની જ ભેંટ છે.

(11:47 am IST)