Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

સરદાર વાદ-વિવાદ નહિ પણ એક જ વાદમાં વિશ્વાસ ધરાવતાઃ એ હતો રાષ્ટ્રવાદ

દરેક વ્યકિતમાં દેશવાદ કેળવાય એ સરદારને સાચી અંજલી કહેવાશેઃ કોંગ્રેસ દ્વારા સરદારની ઉપેક્ષા થઇ તેની સામે ભાજપનું ચક્રવૃધ્ધી વ્યાજ સહિતના ઋણ ચુકવવાનો પ્રયાસઃ રાજુભાઇ ધ્રુવ

રાજકોટ, તા. ૧૪, સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્ત્।ે રાજુભાઈ ધ્રુવે સરદાર સાહેબનું સ્મરણ કરતા કહ્યું હતું કે, સરદારની સાચી જન્મતારીખ કોઈને ખબર નથી પરંતુ તેમની બ્રહ્મલીન થયાની તારીખ ૧૫ ડિસેમ્બર ૧૯૫૦ છે. જે દિવસે સવારના નવ કલાકને સાડત્રીસ મિનિટે મુંબઈ મુકામે આજીવન દેશને સમર્પિત રહેલા નિષ્ઠાવાન અને કર્મનિષ્ઠ સરદાર વલ્લભભાઈ પટેલ તેમના અવસાન બાદની મિલ્કતમાં માત્ર હાથે કાંતેલા બે જોડી કપડાં, ચંપલ, નાનો રેડિયો, ૩૦ વર્ષ જૂની ઘડિયાળ, અને સાંધેલા ચશ્માં સાથે બસો પચાસ રૂપિયા બેન્ક બેલેન્સ છોડી નથી ગયા પરંતુ સ્વતંત્ર અને અખંડ ભારત રૂપે સરદાર દેશવાસીઓ માટે  એક એવો અમૂલ્ય વારસો છોડી ગયા છે જેનું ઋણ ચૂકવવું અશકય છે.

સરદાર વલ્લભભાઈ પટેલ જેવા રાષ્ટ્રપુરુષ ભારતની ધરતી પર જન્મ લે તે દેશ માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. નૂતન ભારતના નિર્માતા શ્રી સરદાર સાહેબનાં આપણે સૌ ઋણી છીએ. કારણ કે, ઈતિહાસમાં કયારેય પણ ન હતું તેટલું ભવ્ય ભારત, એક ભારતનું નિર્માણ શ્રી સરદાર સાહેબે કર્યું છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીની ભેટ આપનારા સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય ઈતિહાસ અને રાજકારણનાં એક એવા અમર રાષ્ટ્રનાયક છે જેમની કીર્તિ સદાય અકબંધ રહેશે. સરદાર પટેલ ખરા અર્થમાં ભારતીય લોકશાહીનાં સર્જક નિર્માતા છે.

ગુજરાતના એક ગરીબ કિસાન કુળમાં જન્મેલા, ખેડાની ખમીરવંતી ધરતીની ગોદમાં ઊછરીને આપબળે વકીલ બનેલા સરદાર સાહેબ આજીવન અકિંચન અને નિર્મોહી રહ્યા હતા. પોતાનું સમગ્ર જીવન દેશ માટે સમર્પિત કરનારા સરદાર પટેલને દેશસેવાનાં બદલામાં કોંગ્રેસે જીવન પર્યંત અને મૃત્યુ બાદ પણ માત્રને માત્ર અન્યાય જ કર્યો છે. ૫૬૨ રજવાડાઓને એક કરી અખંડ ભારત એક ભારત ભવ્ય ભારતનું નિર્માણ કરનારા સરદાર પટેલ પોતાના કાર્યો વડે મહાત્મા ગાંધી સમકક્ષ એક વિરલ વિભૂતિ બનવા જઈ રહ્યાં હતાં ત્યારે નહેરુ પરિવારે સદાય દ્રેશભાવની કૂટનીતિ અપનાવી સરદાર સાહેબની  લીટી ટૂંકી કરવાનો પ્રયાસ કર્યો. આઝાદી મળ્યા પહેલા અને પછી પણ હમણાંના વર્ષો સુધી કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતાઓએ સરદાર પટેલને જરા પણ અન્યાય કરવામા કસર રાખી નથી. જેનો અનુભવ અને ઉદાહરણ એ છે કે, નહેરુ ગાંધી પરિવાર અને કોંગ્રેસ દ્વારા સરદારનાં જીવન પર જાણી જોઈને પડદો પાડી દેવામાં આવ્યો. રાજકીય ઈતિહાસની આ કેવી વિચિત્ર બલિહારી જે વ્યકિતએ પોતાનું સમગ્ર જીવન દેશ તેમજ કોંગ્રેસ પક્ષ માટે ખર્ચી નાખ્યું તે પક્ષે પ્રજાના માનસ અને ઈતિહાસના પાનાં પર સરદારના સત્કાર્યોને પ્રસ્તુત થવા ન દીધા. કેમ કે, જો સરદારનાં કાર્યો અને જીવન દેશની પ્રજા જાણી લે તો સરદારનું કદ પ.નહેરુ તો શું પણ નેતાઓ થી પણ ચડિયાતું  બની રહે. ભારતમાતાનાચરણો માં દેશહિતમાં સરદારનું સમર્પણ અભૂતપૂર્વ અને અનન્ય  છે.

 આઝાદીની પોણી સદી પછી પણ દિલ્હીમાં સરદાર સાહેબના કાર્યોને બિરદાવતા કોઈ સ્મારક નથી ત્યારે નરેદ્રભાઈએ વિશ્વનું સૌથી ઊચું સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી ભારતીય લોકશાહી ના શિલ્પી સરદારનાં પ્રદાન અને તપ-ત્યાગ ને શ્રદ્ઘાંજલિ આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે. ગુજરાતના  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી પણ સરદાર સાહેબની સ્મારક-પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની  સતત દેખરેખ રાખી ત્યાં આવતા પ્રવાસીઓ સરદાર સાહેબનાં જીવન અને વિચારધારાને સરળતાથી જાણી-અપનાવી શકે તે માટે સતત કાર્યરત છે. સરદાર ચિંધ્યામાર્ગે ચાલવું એ સરદારને ખરા અર્થમાં સ્મરણાંજલી છે. સરદાર વાદ-વિવાદ નહીં પરંતુ એક જ વાદમાં વિશ્વાસ ધરાવતા, એ હતો રાષ્ટ્રવાદ. દરેક વ્યકિતમાં દેશવાદ કેળવાય એ સરદારને સાચી અંજલી કહેવાશે. સરદારના સપના  એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા ભાજપા સરકાર વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈના નેતૃત્વમાં કટિબદ્ઘ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એ કોંગ્રેસ દ્વારા સરદારની જે ઉપેક્ષા થઈ તેની સામે ભાજપનું ચક્રવૃદ્ઘિ વ્યાજ સહિત ઋણ ચૂકવવાનો પ્રયાસ છે એવું જણાવી અંતમાં રાજુભાઈ ધ્રુવે  (મો.૯૪૨૬૭૧૯૫૫૫) સરદાર વલ્લભભાઈ પટેલને   શબ્દાંજલિ અર્પી હતી. (૪૦.૩)

(11:53 am IST)