Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

એમડી-ડીસીપી વગર ધમધમતી રપ૦ થી વધુ ખાનગી હોસ્પીટલો

રાજકોટ શહેરમાં લાયકાતવાળા ૩પ એમડી પેથોલોજીસ્ટ છે તો સામે ૪પ૦થી વધુ ટેકનીશ્યન કાર્યરત :ખાનગી હોસ્પીટલોના ડોકટરોને ૪૦ ટકા કમિશનની ચર્ચાઃ સુપ્રિમ કોર્ટના ચુકાદાથી બીએસસી-ડીએમસીટી-એમએસસી ટેકનીશ્યનની ચાલતી લેબો બંધ થશે? : છેવાડાના તાલુકા વિસ્તારમાં એમડી પેથોલોજી ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી થશે

રાજકોટ, તા., ૧૪: આધુનિક યુગમાં તમામ દર્દોની સારવાર પુર્વે તબીબો પેથોલોજીકલ રીપોર્ટ માપદંડ રાખે છે. પરંતુ આ પેથોલોજીકલ રીપોર્ટ તૈયાર કરનારની લાયકાત સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. છેલ્લા કેટલાક સમયથી ડોકટરો અને લેબોરેટરીના કમિશનના પાપે દર્દીઓ ભારે હાલાકી ભોગવતા હતા. ભારત દેશની સુપ્રિમ કોર્ટે ગઇકાલે ચુકાદો આપ્યો કે પેથોલોજી રીપોર્ટમાં એમડી અને ડીસીપીની સહી હશે તે જ માન્ય ગણાશે.

ગુજરાતમાં આજે નિદાનના નામે દર્દીઓ પાસે ફરજીયાત લેબોરેટરી ટેસ્ટ કરાવવામાં આવે છે. ટેસ્ટના કોઇ માપદંડ વગર ફી વસુલવામાં આવે છે. આ સંજોગોમાં ગુજરાત પેથોલોજીસ્ટ એસોસીએશન દ્વારા સુપ્રિમ કોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી. જેમાં એમડી પેથોલોજીસ્ટ અને ડીપ્લોમા ઇન કલીનીકલ પેથોલોજીની ડીગ્રી નથી તેવા લોકો લેબોરેટરી ચલાવી શકે નહિ. તે અંગેની રીટ દાખલ કરી હતી. ર૦૦૮ માં ગુજરાત હાઇકોર્ટે આ મુદ્દાને માન્ય ગણી ગેરકાયદેસર લેબોરેટરી બંધ કરાવવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. જેને સુપ્રિમ કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

ગુજરાતની અંદાજીત ૪૦,૦૦૦થી વધુ લેબોરેટરી બંધ કરવાની શકયતા બળવત્તર બની છે. રાજકોટમાં ૩પ એમડી પેથોલોજી અને ડીસીપી છે. આ સંજોગોમાં મોટા ભાગની ખાનગી હોસ્પીટલોમાં લેબોરેટરી ટેકનીશ્યન બેસાડી લોહીના પરીક્ષણ થતા હોય છે. અંદાજે ૪૦ ટકા ડોકટરને કમીશનવાળો ધંધો હોવાની વ્યાપક ચર્ચા ચાલે છે. હવે સંકેલવાનો સમય આવી ગયો હોવાનું જાણવા મળે છે.

ગુજરાતમાં બીએસસી, ડીએલએમટી, એમએસસી ડીગ્રીવાળા ખાનગી હોસ્પીટલોમાં લેબોરેટરી ચલાવતા હોય છે. અત્યાર સુધી યુનિવર્સિટીએ આ ડીગ્રી માન્ય કરી હોય લેબોરેટરીના રીપોર્ટ કરી શકતા હતા. પરંતુ નવા ચુકાદાને આધીન હવે કોઇ પણ લેબોરેટરીના રીપોર્ટમાં એમડી અને ડીસીપીની સહી વાળો રીપોર્ટ જ માન્ય ગણાશે.

તબીબ વર્તુળોના જણાવ્યા મુજબ એમડી પેથોલોજીનો અભ્યાસ કરવા માટે ૮ વર્ષનો સમયગાળો લાગતો હોય છે. જેમાં વિદ્યાર્થીએ ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. જયારે ડીએમએલટી કે અન્ય કોર્ષ માત્ર ૧ વર્ષમાં થાય છે.

રાજકોટમાં ૩પ એમડી પેથોલોજી છે તેની સામે હાલ ખાનગી હોસ્પીટલોમાં સગા-સબંધીઓને કે ટેકનીશ્યન તરીકે કાર્યરત ૪પ૦  લોકો દરરોજ હજારો રીપોર્ટ કરતા હોય છે. આવનાર સમયમાં ખાનગી હોસ્પીટલોમાં એમડી પેથોલોજી કે ડીસીપી વગર ચાલતી લેબોરેટરી બંધ કરવાની ફરજ પડશે.

અમુક રીપોર્ટ સામાન્ય હોય આ સંજોગોમાં તાલુકાકક્ષાએ એમડી અને ડીસીપી ન હોવાથી શહેર તરફ દર્દીએ આવવાનું રહેશે. પરીણામે સમય અને ખર્ચનો માર દર્દીએ ભોગવવો પડશે. આ સંજોગોમાં તાલુકા કક્ષાએ એમડી પેથોલોજીની વ્યવસ્થા કરવી એ સમયની માંગ છે.

(4:27 pm IST)