Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

યાર્ડમાં ૧૪ દિ' બાદ કાલથી ઘઉંની હરરાજી શરૂ થશેઃ મજુરો-વેપારી વચ્ચે સમાધાન

મજુરી પ્રશ્ને વિવાદ થતા મજુરો હડતાલ ઉપર ઉતરી ગયા હતાઃ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા, વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં મળેલ મીટીંગમાં નિવેડો આવ્યો

રાજકોટ, તા., ૧૪: રાજકોટ (બેડી) માર્કેટ યાર્ડમાં મજુરી પ્રશ્ને વેપારીઓ અને મજુરો વચ્ચે ચાલતા વિવાદનો  આજે અંત આવ્યો છે. બપોરે યાર્ડના પદાધિકારીઓની હાજરીમાં મળેલ મીટીંગમાં વેપારીઓ-મજુરો વચ્ચે સુખદ સમાધાન થતા ૧૪ દિ' બાદ કાલથી ઘઉંની હરરાજી ફરી શરૂ થશે.

પ્રાપ્ત વિગતો મુજબ માર્કેટ યાર્ડમાં ઘઉંની હરરાજીમાં મજુરોને ઘઉંની ગુણીનું વજન કરવા, ઉંચકવા, કિલોગ્રામના કટ્ટા તૈયાર કરવા માટે જે મજુરી મળતી હતી તેમાં અડધો-અડધ મજુરીના દર વેપારીઓએ ઓછા કરી નાખતા મજુરો હડતાલ ઉપર ઉતરી ગયા હતા. છેલ્લા ૧૩ દિવસથી મજુરો હડતાલ પર ઉતરી જતા યાર્ડમાં ઘઉંની હરરાજી ઠપ્પ થઇ ગઇ હતી.

દરમિયાન આગામી દિવસોમાં ઘઉંની સીઝન શરૂ થનાર હોય વેપારીઓ અને મજુરો વચ્ચે ચાલતા વિવાદનો અંત લાવવા આજે બપોરે રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા તથા વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વેપારીઓ અને મજુરોની મીટીંગ યોજી હતી. આ મીટીંગમાં મજુરોએ ઘઉંની ર૦ કિલોની ગુણીએ ર.રપ રૂપીયાની માંગણી કરી હતી. પરંતુ યાર્ડના સંચાલકોએ મધ્યસ્થી કરી ર૦ કિલોએ ર રૂપીયા મજુરી રાખવા સુચન કરતા મજુરો અને વેપારીઓએ આ માંગ સ્વીકારી હતી.

મજુરો અને વેપારીઓ વચ્ચે વિવાદ ઉકેલાતા ૧૪ દિવસ બાદ આવતીકાલથી ફરી ઘઉંની હરરાજી શરૂ થશે.

(4:26 pm IST)