Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

જાહેર શૌચાલયોમાં મહિલાઓની મર્યાદા-સુરક્ષા જળવાય તે માટે આમુલ પરિવર્તન કરાવતા બંછાનીધી

૧પ૦ જાહેર શૌચાલયોમાં હવા-ઉજાસ-વિકલાંગો માટે અલગ ટોઇલેટ-શાક માર્કેટમાં મોડેલ ટોઇલેટ સહીતનાં ફેરફારો કરાવતાં મ્યુનીસીપલ કમિશ્નર

રાજકોટ, તા., ૧૪:  સ્વચ્છતાની બાબતે દેશના શહેરોને અપાતા નેશનલ સિટી રેન્કિંગમાં આ વર્ષે વધુ સુધારો કરવા અને રાજકોટને નંબર વન શહેર બનાવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાના સાથ સહયોગ સાથે સદ્યન પ્રયાસો કરવામાં આવી રહયા છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં કાર્યરત ૧૫૦ જેટલા પબ્લિક ટોઇલેટ અને કોમ્યુનિટી ટોઇલેટમાં હાલ ઉપલબ્ધ સેવાનું સ્તર શ્રેષ્ઠ બનાવવા તેમજ જાહેર જનતા માટે પબ્લિક ટોઇલેટ સુવિધા વધુ બહેતર બની શકે તે માટે આયોજન કરવામાં આવ્યું છે તેમ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.

આ આયોજન વિશે વાત કરતા કમિશનરશ્રીએ કહ્યું હતું કે, તમામ પબ્લિક ટોઇલેટ અને કોમ્યુનિટી ટોઇલેટમાં હવે નવી ડિઝાઈન મુજબ કેટલાક ફેરફારો કરવામાં આવી રહયા છે. આ ફેરફારો યુઝર્સને એક નવો અનુભવ કરાવશે. જેમાં સૂર્યપ્રકાશ અને હવાની યોગ્ય અવરજવર માટે વ્યવસ્થિત વેન્ટીલેશન ઉપર ભાર મુકવામાં આવશે. તમામ પબ્લિક ટોઇલેટ અને કોમ્યુનિટી ટોઇલેટમાં સૂર્યપ્રકાશ આવી શકે અને યોગ્યરીતે હવાની અવરજવર થઇ શકે તે ખુબ જ જરૂરી છે અને તે માટે વર્તમાન ટોઇલેટ બિલ્ડિંગમાં આવશ્યક ફેરફારો કરવામાં આવશે.આ વ્યવસ્થા થવાથી જાહેર શૌચાલયના માહોલ અને પરિસ્થિતિમાં સારૂ પરિવર્તન આવી શકશે.

મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ વિશેષમાં ઉમેર્યું કે, પબ્લિક ટોઇલેટ અને કોમ્યુનિટી ટોઇલેટમાં વિકલાંગો, મહિલાઓ અને બાળકો માટે વિશેષ સુવિધા આપવાનું આયોજન કરાયું છે. જેમાં વિકલાંગો માટે ખાસ રેમ્પ, તથા રેમ્પની સાઈડમાં વિકલાંગો ટેકો લઇ શકે તેવા સ્ટીલના બાર મુકવામાં આવશે. વિકલાંગ લોકોને નજર સમક્ષ રાખી પબ્લિક ટોઇલેટ અને કોમ્યુનિટી ટોઇલેટમાં વેસ્ટર્ન સ્ટાઈલ ટોઇલેટ મુકવામાં આવશે, જેથી બેસવાની તકલીફ ધરાવતા વિકલાંગ લોકો માટે ખુબ જ સાનુકુળ પરિસ્થિતિ રહે.

તેમણે અન્ય એક ખાસ વાત કરતા કહ્યું કે, હાલ કેટલાક પબ્લિક ટોઇલેટ એવા છે જેમાં મહિલાઓ માટે કયારેક ક્ષોભજનક સ્થિતિનું નિર્માણ થતું હોય છે. મહિલાઓએ પુરૂષના ટોઇલેટની બાજુમાંથી જ પસાર થવું પડે છે. આ સ્થિતિ બદલી નાંખવામાં આવશે. તમામ પબ્લિક ટોઇલેટ અને કોમ્યુનિટી ટોઇલેટનો મહિલાઓ વિના સંકોચે અને પોતાની આમન્યા જળવાય તે રીતે ઉપયોગ કરી શકે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. સાથોસાથ મહિલાઓની સુરક્ષા માટે વિશેષ ઇન્તજામ કરવામાં આવનાર છે. તો વળી બાળકોનો વિશેષ ખ્યાલ રાખી તેમણે અનુકુળ હોય તે રીતે ટોઇલેટમાં સેવા ઉપલબ્ધ બનાવવામાં આવશે. અહી અન્ય એક મહત્વની ટકોર કરતા કમિશનરશ્રીએ કહ્યું કે, પબ્લિક ટોઇલેટનું સંચાલન કરતી એજન્સીઓ આ સેવાની સંવેદનશીલતાને સમજી તેને અનુરૂપ તેમના માણસોના વાણીવર્તન રહે અને ટોઇલેટ યુઝર્સનું સન્માન જળવાય તે રીતે તેઓ પોતાની ફરજ બજાવે તે માટે ખાસ ભાર મુકવામાં આવશે.

વિશેષમાં જયાં રોજબરોજ ખુબ મોટી સંખ્યામાં લોકો આવતા જતા રહેતા હોય તેવા સ્થળો જેમ કે બસ સ્ટેન્ડ, શાકમાર્કેટ વગેરે ખાતે મોડેલ ટોઇલેટ બનાવવામાં આવશે અને તેમાં સ્વચ્છતા અને સફાઈના ઊંચા માપદંડ રાખવામાં આવશે. આ મોડેલ ટોઇલેટ હાલના ટોઇલેટના અનુભવની તુલનાએ કાંઈક અલગ અને વધુ સંતોષકારક બનશે.

દરમ્યાન શહેરમાં જયાં જયાં પબ્લિક ટોઇલેટ ઉપલબ્ધ છે ત્યાંથી ૨૦૦ મીટરના અંતરે તેનું માર્ગદર્શન અને દિશાદર્શન કરાવતા સાઈન બોર્ડ મુકવામાં આવશે જેથી લોકોને આ સેવા વિશે માહિતી મળી રહે. માત્ર એટલું જ નહી ગૂગલ ટોઇલેટ લોકેટર એપની મદદથી લોકો શહેરમાં પોતે જયાં હશે ત્યાંથી પબ્લિક ટોઇલેટ કયા સ્થળે અને કેટલા અંતરે ઉપલબ્ધ છે તેની માહિતી મેળવી શકે છે. મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ પબ્લિક ટોઇલેટ યુઝર્સ લોકો પોતાના મોબાઈલમાં આ એપ ખાસ ડાઉનલોડ કરે અને પબ્લિક ટોઇલેટનો ઉપયોગ કર્યા બાદ આ એપમાં પોતાનો અભિપ્રાય પણ આપ તેવી અપીલ કરવામાં આવે છે. ગૂગલ ટોઇલેટ લોકેટર એપની સાથોસાથ મહત્ત્।મ સંખ્યામાં લોકો સ્વચ્છતા એપ પણ ડાઉનલોડ કરે અને દ્યેર બેઠા બેઠા જ ગંદકી અંગે ફરિયાદ કરી શકે અને તેનો સત્વરે ઉકેલ થઇ શકે. લોકો આ એપનો ખુબ ઉપયોગ કરે તેવી અપીલ છે.

આ સમગ્ર પ્રક્રિયામાં શહેરીજનોનો સહયોગ મહત્વપૂર્ણ છે. વધુને વધુ લોકો સ્વચ્છ એપ ડાઉનલોડ કરી શહેરમાં જયાં કયાંય પણ કચરો ગંદકી જોવા મળે તેનો ફોટો ખેંચી અપલોડ કરવાની ટેવ પાડે અને આ રીતે મહાનગરપાલિકાના આ મહા સ્વચ્છ અભિયાનમાં સાથસહકાર આપે તે જરૂરી છે. શહેરીજનોનો સહકાર પ્રાપ્ત થતો રહેશે તો રાજકોટ ખુબ જ ઝડપથી દેશનું સૌથી સ્વચ્છ શહેર બની જશે. મ્યુનિ. કમિશનરશ્રીએ તમામ સફાઈ કામદારોને એવો અનુરોધ કર્યો હતો કે, સ્વચ્છ એપ અને સ્વચ્છ સર્વેક્ષણ અંગે વધુ ને વધુ લોકોને માહિતગાર કરે.

(4:26 pm IST)