Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

૧૧મીથી ગૂમ ભગવતીપરાના માનસિક અસ્વસ્થ આહિર યુવાનની ખાડામાંથી નગ્ન લાશ મળી

હિતેષ ઉર્ફ મુન્નો કાનગડ (ઉ.૩૫) પાણીમાં પડ્યા બાદ બહાર ન નીકળી શકતાં ઠુંઠવાઇ ગયાની શકયતાઃ અંદર પડ્યા બાદ તેણે જાતે જ કપડા કાઢી નાંખ્યાનું તારણઃ અવાર-નવાર ઘરેથી ગમે ત્યારે નીકળી જતો હતો

રાજકોટ તા. ૧૪: ભગવતીપરા શેરી નં. ૨૦માં રહેતો માનસિક અસ્વસ્થ યુવાન હિતેષ ઉર્ફ મુન્નો સુખાભાઇ કાનગડ (ઉ.૩૫) ૧૧મીએ ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થયો હોઇ આજે ભગવતીપરાના છેડે જયપ્રકાશનગરથી આગળ નવા બની રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજના કવાર્ટર પાસે નદી પાસેના ખાડામાંથી તેની લાશ મળતાં અરેરાટી વ્યાપી ગઇ છે. માનસિક અસ્વસ્થ એવો આ યુવાન દસ-બાર ફુટ ઉંડા પાણી ભરેલા ખાડામાં અકસ્માતે પડી ગયા બાદ બહાર ન નીકળી શકતાં ઠુંઠવાઇ જવાથી મોત નિપજ્યાનું પોલીસનું તારણે છે. કપડા તેણે જાતે જ કાઢી નાંખ્યાનું પણ પોલીસનું માનવું છે.લાશ પડી હોવાની જાણ કડીયા કામની સાઇટ પર આવેલા સંજયભાઇ સાકરીયાએ કરી હતી. ૧૦૮ના પાઇલોટ મનિષ ગોંડલીયા અને ઇએમટી નિલેષ ગોહેલ પહોંચ્યા હતાં. બી-ડિવીઝનના પી.એસ.આઇ. પી. બી. જેબલીયા, મહેશગીરી ગોસ્વામી, હિતુભા ઝાલા, મહેશભાઇ મંઢ, હંસરાજભાઇ ઝાપડીયા સહિતનો સ્ટાફ પહોંચ્યો હતો. પોલીસે લોકો મારફત મૃતદેહ બહાર કઢાવ્યો હતો. તપાસ કરતાં આ લાશ ભગવતીપરા-૨૦માં રહેતાં હિતેષ ઉર્ફ મુન્નો કાનગડની હોવાનું ખુલ્યું હતું.

મૃતક બે ભાઇમાં મોટો હતો. તેના નાના ભાઇનું નામ નિલેષ છે અને માતાનું નામ લાભુબેન છે. પિતા સુખભાઇ કાનગડ નિવૃત રેલ્વે કર્મચારી છે. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે હિતેષ ઉર્ફ મુન્નો માનસિક અસ્વસ્થ હતો અને અવાર-નવાર ઘરેથી નીકળી જઇ હાઇવે પર ચડી જઇ મોરબી, માળીયા, વાંકોનર તરફ જતો રહેતો હતો. શોધખોળ બાદ મળી આવતો હતો. આ વખતે ૧૧મીએ ઘરેથી નીકળી ગયો હતો. તેને શોધવા મોરબી-મિંતાણા-મોરબી-વાંકાનેર સહિતના રોડ પર તપાસ કરવામાં આવી હતી. પણ પત્તો મળ્યો નહોતો. આજે તેની લાશ ખાડામાંથી મળી આવી હતી. તે માનસિક બિમાર હોઇ કપડા પણ ઉતારીને ફેંકી દેતો હતો. બાદમાં કોઇ લોકોને દયા આવે તો તેને કપડા પહેરાવી દેતાં હતાં. આ વખતે ઘરેથી નીકળ્યા બાદ તે કોઇપણ રીતે ખાડામાં પડી જતાં અને બહાર ન નીકળી શકતાં મોત નિપજ્યાનું પોલીસનું માનવું છે.

બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ ગયા હતાં. તસ્વીરમાં ખાડામાં મૃતદેહ, તેને બહાર કાઢવામાં આવ્યો તે તથા ભેગા થયેલા લોકો, પોલીસ, ૧૦૮નો સ્ટાફ જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:22 pm IST)