Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

રોણકીના અજય કોળીની હત્યાઃ સોખડાની સીમમાં લાશ ફેંકી દેવાઇ

લફરૂ કે છેડછાડ કારણભૂત?: માથામાં તિક્ષ્ણ હથીયારના ઘાઃ શરીર પર મારના નિશાનઃ કુવાડવા પોલીસે તપાસનો ધમધમાટ આદર્યો

રોણકીના કોળી યુવાન અજય ડાભીની હત્યા નિપજાવી લાશને સાત હનુમાન પાછળ સોખડાની સીમમાં સિકોતર માતાજીના  મંદિર પાસે ફેંકી દેવામાં આવ્યાની ઘટનાથી પોલીસે તપાસ આરંભી છે. ઘટના સ્થળે અજયનો મૃતદેહ, એએસઆઇ હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી, મનિષભાઇ સહિતનો સ્ટાફ તથા હત્યાનો ભોગ બનનારનો ફાઇલ ફોટો જોઇ શકાય છે

રાજકોટ તા. ૧૪: પોપટપરાના છેડે માધાપર-મોરબી રોડ વચ્ચે આવેલા રોણકી ગામમાં રહેતાં કોળી યુવાનની હત્યા કરી લાશને કુવાડવા રોડ સાત હનુમાન પાછળ આવેલા નાકરાવાડી-સોખડાની સીમમાં સિકોતર માતાજીના મંદિર પાસે ફેંકી દેવામાં આવતાં ચકચાર જાગી છે. હત્યા કોણે અને શા માટે કરી તે અંગે કુવાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસને શકદારો અંગે પ્રાથમિક માહિતી તેને સકંજામાં લેવા દોડધામ શરૂ કરી છે. લફરૂ કે છેડછાડ કારણભુત હોવાનું સપાટી પર આવતાં કુવાડવા પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે શકદારોનું પગેરૂ દબાવવાનું શરૂ કર્યુ છે.

જાણવા મળ્યા મુજબ નાકરાવાડી અને સોખડા વચ્ચે સોખડા ગામની સીમમાં સિકોતર માતાજીના મંદિર પાસે એક યુવાનની લાશ પડી હોવાની જાણ સોખડા ગામના સરપંચ વિજયભાઇ રાઠોડે પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતાં કુવાડવાના પી.આઇ. એ.આર. મોડીયા, પીએસઆઇ ઝાલા, એએસઆઇ હીરાભાઇ રબારી, રાઇટર હિતેષભાઇ ગઢવી, ડી. સ્ટાફના હેડકોન્સ. પ્રકાશભાઇ વાંક, સલિમભાઇ, મનિષભાઇ ચાવડા, બુટાભાઇ સહિતનો કાફલો દોડી ગયો હતો.

પોલીસે તપાસ કરતાં મૃતકના માથા પાછળ તિક્ષ્ણ હથીયારનો ઘા તેમજ શરીરે મારના નિશાનો જોવા મળ્યા હતાં. બનાવ હત્યાનો હોવાનું સ્પષ્ટ થયુ હતું. મૃતકની ઓળખ મેળવવા પેન્ટના ખિસ્સા તપાસાતાં ઓળખ કાર્ડ મળતાં તેના આધારે તપાસ થતાં તે રોણકી ગામમાં ધાવરી માતાજીના મંદિર પાસે રહેતો અજય રણછોડભાઇ ડાભી (કોળી) (ઉ.૨૭) હોવાનું ખુલતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.

સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર અજય છોટાહાથીનું ડ્રાઇવીંગ કરતો હતો. ગઇકાલે સાંજે ઘરેથી મોટર સાઇકલ લઇને નીકળી ગયા બાદ પરત આવ્યો નહોતો. તે અવાર-નવાર ડ્રાઇવીંગ કરવા જતો હોઇ કયારેક મોડો આવતો હતો. રાત્રે મોડે સુધી પાછો ન આવતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી. તેમજ અજય ગૂમ થયાની ગાંધીગ્રામ પોલીસને જાણ કરવામાં આવી હતી.   દરમિયાન આજે સોખડાની સીમમાંથી અજયની હત્યા કરાયેલી લાશ મળતાં સ્વજનોમાં કલ્પાંત મચી ગયો હતો.

પોલીસને પ્રાથમિક માહિતી મળી છે કે હત્યાનો ભોગ બનનારને એકાદ-બે શખ્સો સાથે કોઇ બાબતે માથાકુટ થઇ હતી. આ શકમંદોને સકંજામાં લેવા દોડધામ શરૂ કરી દેવામાં આવી છે. ઝડપથી હત્યાનો ભેદ ઉકેલાઇ જવાની આશા છે. હત્યાના બનાવને પગલે ડાભી (કોળી) પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હત્યા કોણે અને શા માટે કરી? કયા સ્થળે કરી? તે સહિતના મુદ્દે એસીપી બી.બી. રાઠોડની રાહબરીમાં પી.આઇ. એ.આર. મોડીયા, હીરાભાઇ રબારી, પ્રકાશભાઇ, હિતેષભાઇ ગઢવી, મનિષભાઇ, સલિમભાઇ સહિતની ટીમે દોડધામ શરૂ કરી છે.

ભાવેશ નામનો શખ્સ સાંજે અજય સાથે હતોઃ ક્રાઇમ બ્રાંચે શકદારોનું પગેરૂ દબાવ્યું

. અજય સાંજે ઘરેથી ગૂમ થયા બાદ પત્તો ન મળતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. ક્રાઇમ બ્રાંચને મહત્વની માહિતી મળી છે કે હત્યા પાછળ લફરૂ કે છેડછાડ કારણભુત છે. ટીમને કેટલાક શકમંદના નામ મળતાં શોધખોળ શરૂ કરવામાં આવી છે.

હત્યાનો ભોગ બનનાર અજય કુંવારો અને ચાર ભાઇ, પાંચ બહેનમાં ત્રીજો હતો

છોટાહાથીના ફેરા કરતો'તોઃ સાંજે ઘરેથી નીકળ્યો હતો

. હત્યાનો ભોગ બનનાર અજય ચાર ભાઇ અને પાંચ બહેનમાં ત્રીજો અને અપરિણીત હતો. એક બહેન અને માતા દિવાળીબેન હયાત નથી. તે છોટાહાથી વાહનમાં માલસામાનના ફેરા કરતો હતો. તેના માતા હયાત નથી. પિતા રણછોડભાઇ નિવૃત જીવન જીવે છે. ગઇકાલે સાંજે અજય ઘરેથી મોટરસાઇકલ લઇને નીકળ્યો હતો. આજે તેની હત્યા કરાયેલી લાશ મળતાં સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. અજયને કોઇ સાથે માથાકુટ ચાલતી હોવાની પ્રાથમિક માહિતી બહાર આવતાં તપાસ શરૂ થઇ છે. ભાઇઓમાં સોૈથી મોટો લાલાભાઇ, વિજયભાઇ, જીજ્ઞેશ છે તેમજ બહેનોના નામ રમાબેન, પારૂબેન, જીતુબેન, ચકુબેન છે. એક વર્ષ પહેલા ૧૮ વર્ષની બહેન કંચનબેનનું સ્વાઇન ફલુથી મોત થયું હતું.

(3:59 pm IST)