Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મવડી ચોકડીએ અંકિત કોળીએ દારૂ પીવા પૈસા ન દેતાં વિશાલે છરી ઝીંકી

ભીમનગરમાં મિત્રનું ઉપરાણું લઇ દિલીપને લાલાએ પટ્ટા-ધોકાથી ફટકાર્યો

રાજકોટ તા. ૧૪: મવડી ચોકડીએ રાત્રે કોળી યુવાન પાસે દારૂ પીવા પૈસા માંગી એક શખ્સે છરીથી હુમલો કરતાં ઇજા થઇ હતી.

મવડી ચોકડી પાસે રાધે હોટેલ પાછળ જસરાજનગર-૩/૬ના ખુણે રહેતો અને હાર્ડવેરના કારખાનામાં કામ કરતો અંકિત જગદીશભાઇ મકવાણા (ઉ.૨૫) નામનો કોળી યુવાન રાત્રે દસેક વાગ્યે મવડી ચોકડીએ ઉભો હતો ત્યારે વિશાલ કિશોરભાઇ ચોટલીયાએ આવી ઝઘડો કરી માથામાં છરીની મુઠ મારી દેતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના રાણાભાઇ ચીહલા અને રવિભાઇ ગઢવીએ તાલુકા પોલીસને જાણ કરી હતી. અંકિતના સગા વિપુલભાઇના કહેવા મુજબ અંકિત ચોકમાં હતો ત્યારે વિશાલ અને તેનો ભાઇ નશો કરીને આવ્યા હતાં અને દારૂ પીવા પૈસા માંગતા અંકિતે ન આપતાં હુમલો થયો હતો.

બીજા બનાવમાં નાના મવા રોડ પર ભીમનગરમાં રહેતો દિલીપ વિનોદભાઇ પરમાર (ઉ.૨૫) નામનો વણકર યુવાન રાત્રે ઘર પાસે હતો ત્યારે વાજડીના લાલો ચનાભાઇ વણકરે આવી 'બે દિવસ પહેલા તેં કેમ મારા મિત્ર સાથે માથાકુટ કરી હતી, એની માથે કેમ પેશાબ કર્યો હતો?' કહી ઝઘડો કરતાં દિલીપે પોતે કોઇ માથાકુટ નથી કરી તેમ જણાવતાં ગાળો દઇ પટ્ટા-ધોકાથી માર મારી ભાગી ગયો હતો. દિલીપ સિવિલમાં દાખલ થતાં રાણાભાઇ ચીહલા અને રવિભાઇ ગઢવીએ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(12:47 pm IST)