Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ઠંડી વધતાં છાતીમાં દુઃખાવાથી મૃત્યુના કિસ્સા વધ્યાઃ એક રાતમાં ત્રણ મોત

પાણીના ઘોડા પાસે કાવાવાળા મનોજભાઇ સગરનું હૃદય બેસી ગયું: બીજા બે બનાવમાં આનંદનગરના વિજુબેન કોળીનું અને કૈલાસ પાર્કના વિણાબેન રજપૂતનું બેભાન હાલતમાં મોત

રાજકોટ તા. ૧૪: કડકડતી ઠંડી વચ્ચે છાતીમાં દુઃખાવાથી મૃત્યુનું પ્રમાણ વધ્યું છે. એક રાતમાં ત્રણ મૃત્યુ થયા છે. પેડક રોડ પર પાણીના ઘોડા પાસે કાવો વેંચતા સગર પ્રોૈઢ રાત્રે અચાનક ઢળી પડતાં મોત નિપજ્યું હતું.

મોરબી રોડ ખોડિયાર પાર્ક-૨માં રહેતાં મનોજભાઇ ભાણજીભાઇ ગોંઢા (ઉ.૫૮) નામના સગર પ્રોૈઢ રાત્રે દસેક વાગ્યે પાણીના ઘોડા પાસે પોતાની કાવાની રેંકડીએ હતાં ત્યારે અચાનક છાતીમાં દબાણ થતાં બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના રાણાભાઇ ચીહલા અને રવિભાઇ ગઢવીએ જાણ કરતાં બી-ડિવીઝનના હેડકોન્સ. ખોડુભા જાડેજાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

બીજા બનાવમાં આજીડેમ ચોકડી પાસે આનંદનગરમાં રહેતાં વિનુભાઇ વિનુભાઇ ભટવારા (ઉ.૪૦) નામના કોળી મહિલાને હૃદય અને વાલ્વની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. આજીડેમ પોલીસ મથકના જીતુભાઇ ભમ્મરે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પતિ ભનુભાઇ કારખાનામાં કામ કરે છે.

ત્રીજા બનાવમાં રણુજા મંદિર પાસે કૈલાસ પાર્ક-૧માં રહેતાં વિણાબેન નરેન્દ્રભાઇ સગર (ઉ.૪૨) નામના કારડીયા રજપૂત મહિલાને છાતીમાં દબાણ થતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. મૃતકના પતિ ડ્રાઇવીંગ કરે છે. આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરે છે.

(11:42 am IST)