Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

કાલે રાજકોટમાં Tea-20: જય વસાવડા- આર.જે. દેવકીની ટકકરઃ જયેશ ઠકરારની બોલીંગઃ જબરદસ્ત કાર્યક્રમ

ટી-પોસ્ટના ઉપક્રમે જિંદગીના જઝબાતોનો હાઈ વોલ્ટેજ મેચ : અહીં ગુગલી- બાઉન્સર ફેંકાશેને જય- દેવકીના અફલાતૂન શોટ્સનું ચાહકો કરશે અમ્પાયરિંગ : કાલે રાત્રે ૯:૩૦ વાગે ટી-પોસ્ટ દેશી કાફે ખાતે શબ્દોની સંવેદનાસભર સંગત

રાજકોટ,તા.૧૪: ભારત- બાંગ્લાદેશના શાનદાર Tea-20 ની યાદો તાજી છે. ત્યાં આવતીકાલે તા.૧૫ના શુક્રવારે રાત્રે ફરી એક અનોખો Tea-20 યોજાવાનો છે. દેશભરમાં મશહૂર ટી- પોસ્ટ દ્વારા જાણીતા વકતા- લેખક- યુથ આઈકોન જય વસાવડા અને પ્રખ્યાત આર.જે. દેવકી વચ્ચેના હાઈવોલ્ટેજ મુકાબલાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જાણીતા પત્રકાર જયેશ ઠકરાર તેની ધારદાર શૈલીથી બોલીંગ કરશે. જેમાં જય- દેવકીની અફલાતૂન બેટીંગ નિહાળવાનો રાજકોટના લોકોને લ્હાવો મળવાનો છે.

આ શબ્દોની રમત છે, જેમાં અલ્લડ અદ્દભૂત અને અનોખા વકતાઓ તેની બેહતરીન સ્ટાઈલથી અઘરા અને અટપટા પ્રશ્નોના જવાબ આપશે. જય વસાવડાનું ફલક બહું વિશાળ છે. મીરાથી લઈને મન્ટો સુધી કે પછી રામ મંદિરથી લઈ વેટીકન સિટી સુધીએ બહું તેજતર્રાર લખે છે. અદ્દભુત બોલે છે અને એટલે જ પ્રિન્ટ, ઈલેકટ્રોનિક અને સોશિયલ મિડીયામાં તેના હજજારો ફોલોઅર્સ છે.

આર.જે.દેવકી ઘર ઘરમાં ગૂંજતો અવાજ- રેડિયોથી રંગભૂમિ ઉપર તે એકથી દસ નંબર ઉપર અબાધિત અધિકાર ધરાવે છે. એના સ્વરમાં આધુનિકતાનો ડંકો છે તો ગીરની ડણક પણ મેહસૂસ થાય છે. રેડ રાસથી અકૂપાર સુધીની તેની યાત્રામાં સૌથી વધું ધ્યાનકર્ષક બાબત છે તેની બોલ્ડ અને ટ્રાન્સપેરેન્સ શૈલી.

રાજકોટમા આ બંને ધૂરંધરો સામે અટપટા પ્રશ્નોની ગૂગલી અને વિવાદોના બાઉન્સર ફેંકવા ઉતરશે જાણીતા પત્રકાર જયેશ ઠકરાર 'સંદેશ'ની રાજકોટ આવૃતિના નિવાસી તંત્રી જયેશ ઠકરાર 'વાઈડ એન્ગલ' અને 'કરન્ટ અફેર્સ' કોલમ લખે છે.

ટી- પોસ્ટના દર્શન દસાણી કહે છે કે ચા આપણી જીવનશૈલીનો હિસ્સો છે, એટલે અમે ચાના વ્યવસાયને જીવનમાં આવતા બદલવાની જેમ જ મોર્ડન લૂક આપ્યો છે. જિંદગી કડક- મીઠી છે એમ અમે ટી પોસ્ટની સાથે ગુજરાતી ભાષાના ગૌરવને અનુરૂપ ''Tea-20'' જેવા કાર્યક્રમનું આયોજન કર્યુ છે.

આ કાર્યક્રમ નિઃશુલ્ક છે. ટી- પોસ્ટ, દેશી કાફે, કાલાવડ રોડ ખાતે તા.૧૫ નવેમ્બરના રાત્રે ૯:૩૦ વાગ્યાથી શરૂ થશે.

(4:49 pm IST)