Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શનિવારે વાર્ષિક સામાન્ય સભા-તજજ્ઞોનું વકતવ્ય-સન્માન સમારોહ

રાજકોટ તા. ૧૪ : ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા આગામી તા. ૧૬ ના શનિવારે યોજવામાં આવી છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગ્રેટર ચેમ્બરના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા.૧૬ ના શનિવારે બપોરે ૩.૩૦ વાગ્યે કાઠીયાવાડ જીમખાના કોમ્યુનીટી હોલ, ડો. રાધાક્રિષ્નન માર્ગ ખાતે ૧૭ મી વાર્ષિક સામાન્ય સભા મળશે. પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચન, ગત મીટીંગની મીનીટ્સને બહાલી, વર્ષ દરમિયાનની કાર્યવાહીનો અહેવાલ, આવક ખર્ચના હિસાબોને બહાલી સહીતની પ્રક્રીયા પુર્ણ કરાશે.

સાથો સાથ એક ત્રિરંગો કાર્યક્રમ યોજેલ છે. 'હાલમાં પ્રવર્તી રહેલ વેપાર ઉદ્યોગમાં મંદી અંગે તજજ્ઞો  અંશુમાન તિવારી અને ડો. કે. કે. ખખ્ખર દ્વારા માર્ગદર્શન અપાશે. ફુલછાબના તંત્રીશ્રી કૌશીકભાઇ મહેતાને મળેલ એવોર્ડ બદલ તેમજ રાઇફલ શુટીંગમાં ગોલ્ડ મેળવનાર કુ. ધ્રવી વોરાને સન્માનીત કરાશે.

કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે કલેકટર શ્રી રેમ્યા મોહન, શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજકુમાર અગ્રવાલ, જીવન કોમર્શીયલ બેંકના એમ.ડી. શ્રી નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં 'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા, સહમંત્રી ઇશ્વરભાઇ બ્રાંભોલીયા, ખજાનચી અજીતસિંહ જાડેજા, ડાયરેકટર મનસુખભાઇ પાંભર નજરે પડે છે.  (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:24 pm IST)