Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

રાજનગર ચોકમાં જ્યાં સીન જમાવ્યા'તા ત્યાં જ હાથ જોડી માફી માંગી

મંગળવારે રાતે પટેલ વેપારીને છરી ઝીંકી આતંક મચાવનારા નવદિપસિંહ અને હરકિશનસિંહને ક્રાઇમ બ્રાંચે પકડી આકરી પુછતાછ કર્યા બાદ માલવીયાનગર પોલીસે કબ્જો મેળવી બંનેને ઘટના સ્થળે લઇ જઇ કાર્યવાહી કરતાં લોકોના ટોળા ઉમટી પડ્યા

રાજકોટઃ રાજનગર ચોક પાસે બાલાજી પાન બહાર મંગળવારે રાત્રીના અગિયારેક વાગ્યે એક શખ્સ અચાનક છરી લઇ ધસી આવતાં ત્યાં દૂકાન બહાર પોતાના મિત્ર સાથે ઉભેલા સુર્યમુખી હનુમાનજી સામે લક્ષમણધામ સોસાયટી-૨માં રહેતાં પટેલ વેપારી ગોપાલભાઇ રામજીભાઇ કાપડીયા (પટેલ) (ઉ.૩૫)ને ગાળો દેતાં તેણે ગાળો દેવાની ના પાડતાં આ શખ્સે ઉશ્કેરાઇ જઇ છરી કાઢી મારી નાંખવાની ધમકી આપી હતી અને ઘા ઝીંકી દેતાં ડાબી બાજુ કમરની પાછળના ભાગે ઇજા થઇ હતી. બનાવના સીસીટીવી ફૂટેજ વાયરલ થતાં એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયા, માલવીયાનગર પી.આઇ. ચુડાસમા તથા ડી. સ્ટાફની ટીમ અનએએસઆઇ કે. કે. માઢક, હરૂભા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસને ડખ્ખો કરનારા શખ્સોમાં નવદિપસિંહ જાડેજા  અને હરકિશનસિંહ સામેલ હોવાની માહિતી મળી હતી. એ પછી ગઇકાલે બપોરે ક્રાઇમ બ્રાંચની ટીમે નાના મવા પાસેથી નવદિપસિંહ દિલીપસિંહ જાડેજા (ઉ.૨૪-રહે. નાના મવા સર્કલ, વિરલ સોસાયટી) તથા હરકિશનસિંહ પ્રદિપસિંહ જાડેજા (ઉ.૨૧-રહે. ઘંટેશ્વર)ને નાના મવા પાસેથી ઝડપી લીધા હતાં. બંનેને પોલીસ કમિશનર કચેરીના લીમડા નીચે લાવી પુછતાછ કરવામાં આવી હતી. બંનેનો માલવીયાનગર પોલીસે કબ્જો મેળવ્યા બાદ આજે બપોરે પી.આઇ. એન. એન. ચુડાસમા સહિતની ટીમ બંનેને રાજનગર ચોકમાં તેણે જ્યાં ડખ્ખો કર્યો હતો ત્યાં લઇ જઇ રિકન્સ્ટ્રકશનની કાર્યવાહી કરી હતી. બંનેએ હાથ જોડી ભુલ થઇ ગયાનું કહી માફી માંગી હતી. કાર્યવાહી જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં.

(4:13 pm IST)