Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

યોગ અને તંત્ર વચ્ચેનો તફાવત ઓશોએ બતાવેલો : મા પ્રેમ નિધિ

ધ્યાન-વિધિઓનું મુળ એટલે વિજ્ઞાન ભૈરવ : 'બુક ઓફ સિક્રેટ'માં ૧૧૨ વિધિઓ રજૂ કરી છે : ઓશોની ૧૧૨ વિધિઓમાંથી પ્રત્યેક વિધિ એવી છે જે ઈશ્વરતત્વની ઓળખ આપે અને મોક્ષ સુધી લઈ જાય છે : સ્વામી નિરવ જયંતિ : ઓશો વાટીકામાં ત્રિદિવસીય શિબિર ઓશો તંત્ર પથ (વિજ્ઞાન ભૈરવ તંત્ર)નો આજથી પ્રારંભ

રાજકોટ, તા. ૧૪ : ઓશોના સાધકો આજે 'અકિલા'ના આંગણે આવેલા. મા પ્રેમ નિધિ અને સ્વામી નિરવ જયંતિએ 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે ઓશોએ કરેલ યોગ અને તંત્ર વચ્ચેના તફાવત અંગે ચર્ચા કરી હતી.   તેમજ ઓશોવાટીકામાં આજથી શરૂ થઈ રહેલ ઓશો તંત્ર પથ (વિજ્ઞાન ભૈરવ તંત્ર) ત્રિદિવસીય શિબિરમાં શિબિરાર્થીઓને શું શીખવવાના છે તે અંગે પણ માહિતી આપી હતી.

મા પ્રેમ નિધિએ જણાવેલ કે ઓશોની શિબિરો ત્રણથી પાંચ દિવસની યોજાતી હોય છે. જેમાં વિવિધ ધ્યાન વિષે સમજણ, માહિતગાર કરવામાં આવે છે. ઓશોએ વિજ્ઞાન ભૈરવ વિશે ઉંડાણપૂર્વક વાતો પીરસી છે. યોગ અને તંત્ર વિશે શું તફાવત છે તે પણ સમજણ આપી છે. તેઓએ જણાવેલ કે 'બુક ઓફ સિક્રેટ' નામના પુસ્તકમાં વિજ્ઞાન ભૈરવ અંગે ૧૧૨ વિધિઓ રજૂ કરવામાં આવી છે. જેમાંની ૯ થી ૧૦ વિધિઓ આજથી શરૂ થઈ રહેલ શિબિરમાં શીખવવામાં આવશે.

તેઓએ જણાવેલ કે ૧૧૨માંથી છ વિધિઓ એવી છે જે પતિ - પત્નિ સાથે કરી શકે છે, જયારે અન્ય વિધિઓ કોઈપણ વ્યકિત કરી શકે છે. હાલમાં તંત્રનું નામ આવે એટલે લોકો તેને જુદી રીતે જ ધ્યાને લેતા હોય છે. પરંતુ એવુ નથી. તંત્ર અને સેકસ એ બંને એકબીજાથી અલગ છે. પુસ્તકમાં એવી પણ વિધિઓ છે જે સરળતાથી શીખી શકાય છે.

એક પ્રશ્નના જવાબમાં મા પ્રેમ નિધિઓ જણાવેલ કે હાલમાં યુવાનો પાસે ઘણુ બધુ છે પણ તેઓને મનમાં કંઈક ખાલીપણુ લાગે છે જે દૂર કરવા ઓશોનો માર્ગ અપનાવે છે અને તે યુવાનોને નવી દિશા આપે છે. તેઓએ જણાવેલ કે હું ઓશો સન્યાસી બન્યા બાદ મને જીવનમાં એક નવી સમજ મળી છે અને આ યાત્રા હજુ ચાલુ જ છે. આજથી શરૂ થઈ રહેલ શિબિરમાં આંતરયાત્રાથી આનંદ કેવી રીતે કરવો તે અંગે સમજૂતી આપવામાં આવશે.

તેઓએ જણાવેલ કે ઓશો એ પ્રથમ એવા ગુરૂ છે. જેઓએ મહિલાઓને પ્રાધાન્ય આપ્યુ હતું. યોગ અને તંત્ર વચ્ચેનો તફાવત પણ ઓશોએ બતાવ્યો હતો. તંત્રની વિધિઓ નાનકડી અને સરળ લાગે પણ તેના પરિણામો આશ્ચર્યચકિત કરી દેનારા હોય છે.

આ તકે સ્વામી નિરવ જયંતએ જણાવેલ કે ઓશોની ૧૧૨ વિધિઓમાંથી એક વિધિ એવી છે કે જેમાં ઈશ્વરતત્વની ઓળખ આપે છે અને મોક્ષ સુધી લઈ જાય છે. આપણું વ્યકિતત્વ ખંડિત હોય તે આ વિધિઓ કરાથી અખંડિત થઈ જાય છે. આ વિધિઓ કરવાથી શરીરમાં નવી ઉર્જા ઉત્પન્ન થાય છે. આપણી પાંચેય ઈન્દ્રીયોને સ્પર્શ થતો હોય તેવો અહેસાસ કરાવે છે. તેઓએ જણાવેલ કે તંત્રમાં પ્રેમ અને ધ્યાનનું સરખુ જ મહત્વ છે, જેમ પક્ષીને બે પાંખની જરૂર પડે તેવી જ રીતે તેમાં પણ બંનેનો સમન્વય જોવા મળે છે.

મા પ્રેમ નિધિ અને સ્વામી નિરવ જયંતનો પરિચય

મા પ્રેમ નિધિએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી વર્ષ ૨૦૦૪માં ઓશો શિક્ષા દર્શન વિષય ઉપર પીએચડીની પદવી મેળવી છે. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી ઓશો ધ્યાન શિબિરોનું સંચાલન કરી રહ્યા છે. તેઓ પતિ - પત્નિ સાથેની શિબિરોનંુ સંચાલન વધુ કરે છે. જયારે મુળ અમરાવતી સ્વામી નિરવ જયંત છેલ્લા ૧૦ વર્ષોથી નિયમીત શિબિરોનું સંચાલન કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે તા.૧૪ થી ૧૭ નવેમ્બર દરમિયાન કાલાવડ રોડ ઉપર વાગુદડ - બાલાસર રોડ બાલાજી વેફર્સની સામે ઓશો વાટીકા ખાતે ઓશો તંત્ર પથ શિબિર યોજાયેલ છે.

આજે સાંજે ૬ વાગ્યે 'વિજ્ઞાન ભૈરવ તંત્ર શિબિર'નો પ્રારંભ થશે અને રવિવારે બપોરે ૧ વાગ્યે વિરામ લેશે.

શિબિર વિષયક વધુ માહિતી માટે મો. ૯૯૭૮૪ ૮૦૮૨૯ અથવા મો.૯૮૯૮૯૮૦૪૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

ઉપરોકત તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મા પ્રેમ નિધિ સ્વામી નિરવ જયંત તેમજ મા પ્રેમ રસીલી, સ્વામી સંજય સરસ્વતી અને સ્વામી પ્રેમ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:10 pm IST)