Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

વધુ એક આરોગ્ય અધિકારીએ કોર્પોરેશનને કર્યું બાય બાય

નાયબ અધિકારી ડો. હિરેન વિસાણીએ વધુ અભ્યાસ અર્થે આપ્યુ રાજીનામુ : તાત્કાલીન આરોગ્ય અધિકારી ડો. પંડયાનું રાજીનામું મંજુર કરતા મ્યુ કમિશ્નર

રાજકોટ,તા.૧૪: મહાનગરપાલિકાની જાહેરક્ષેત્રની વિવિધ કામગીરીઓ પૈકી જાહેર સ્વાસ્થ્ય લગત કામગીરીના હિતમાં તથા આરોગ્ય શાખાની કામગીરીમાં વિલંબ કે વિક્ષેપ ન થાય તેવા આશય સાથે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલએ લાંબા સમયથી વિચારણાધીન રહેલ તત્કાલીન આરોગ્ય અધિકારીડો. વી.પી.પંડ્યાનું રાજીનામું મંજુર કર્યું છે.ત્યારે મ્યુ કોર્પોરેશનનાં નાયબ આરોગ્ય અધિકારીએ કોર્પોરેશનને બાય બાય કરવાનો નિર્ણય કર્યો છે. ડો. હિરેન વિસાણીએ વધુ અભ્યાસ અર્થે રાજીનામુ આપ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ  RMC માં વર્ષ જાન્યુઆરી-૨૦૧૪ થી (છ) વર્ષ સુધી નાયબ આરોગ્ય અધિકારી તરીકે ફરજો બજાવી, ડો. હિરેન વી. વિસાણી દ્વારા વધુ અભ્યાસ અર્થે રાજકોટ મહાનગરપાલિકા માંથી નાયબ આરોગ્ય અધિકારી તરીકે રાજીનામું આપી સી.પી.એસ. (કોલેજ ઓફ ફીઝીશ્યન્સ એન્ડ સર્જન્સ) માં પીડીયાટ્રીક વિભાગમાં બાળરોગ નિષ્ણાંતનાં ઉચ્ચ અભ્યાસ માટે એડમીશન મેળવી જોડાયા.

આ તકે ઈ.ચા. આરોગ્ય અધિકારી ડો. પંકજ પી. રાઠોડ, ઈ.ચા. નાયબ આરોગ્ય અધિકારીઓ ડો. મનીષ બી. ચુનારા તરફથી તેમને વધુ અભ્યાસ માટે શુભેચ્છાઓ આપી છે. સાથો સાથ એવો અતુટ વિશ્વાસ વ્યકત કર્યો છે કે વધુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડો. હિરેન વી. વિસાણીની સેવાઓનો લાભ રાજકોટના નગરિકોને મળી રહેશે.

ડો. હિરેન વી. વિસાણી દ્વારા નિયમનુસાર કમિશનર શ્રીની મંજૂરી મેળવી GPMC ACT 61(૧)(૯) મુજબ બે મહિનાનો નોટીસ પે ભરી સેવામાંથી મુકત થયેલ છે.

MBBS જેવી ઉચ્ચ લાયકાત ધરાવનાર ડો. હિરેન વી. વિસાણી આરોગ્ય સેવાનો બહોળો અનુભવ ધરાવે છે. તેમની રાજકોટ ખાતેની આરોગ્ય સેવાઓ નોંધપાત્ર રહી છે. ખાસ કરીને મુખ્યમંત્રી અમૃતમ 'માં અને માં વાત્સલ્ય યોજના' માં યોજનાનો મહતમ લાભ શહેરીજનોને મળે તેવું કાર્ય કરેલ છે. તેમજ આરોગ્ય કેન્દ્ર ખાતે અપાતી સેવાઓ, રોગચાળા અટકાયત, કુપોષણમુકત બાળસેવા, પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એકટ અંતર્ગત સદ્યન કામગીરી, રસીકરણ વગેરેને ગુણવતાસભર બનાવવા પ્રયાસો કર્યા છે.

RMC ના તેમના કાર્યકાળ દરમ્યાન માન. કમિશનરશ્રી તથા ડો. પંકજ પી. રાઠોડનાં માર્ગદર્શન હેઠળ ડો. હિરેન વી. વિસાણી દ્વારા મીઝલ્સ રૂબેલા કેમ્પેઈનમાં નોંધપાત્ર કામગીરી કરાવવામાં આવેલ. તેમજ ડો. હિરેન વિસાણી દ્વારા રાજય સરકારશ્રી દ્વારા શરુ કરાયેલ IM Techo+ સોફ્ટવેરમાં ફેમીલી હેલ્થ સર્વેની નોંધપાત્ર કામગીરી કરાવવામાં આવેલ.

આ તકે ડો. હિરેન વી. વિસાણીએ RMC ના આદરણીય પદાધિકારીઓ માન. મેયર બીનાબેન આચાર્ય, કાર્યકારી મેયર અને ડે. મેયર અશ્વિનભાઈ મોલીયા, માન. સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઈ ઠાકર, અધિકારીશ્રીઓ કમિશનર  ઉદિત અગ્રવાલ સાહેબ,નાયબ કમિશનર ગણાત્રા અને આરોગ્ય શાખાના સાથી અધિકારીશ્રીઓ/કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેઓએ માસમીડિયાના પ્રતિનિધિશ્રીઓનો સવિશેષ આભાર માનેલ. આરોગ્ય વિભાગની કામગીરીમાં આ સૌનો સિંહફાળો હોવાનું જણાવેલ. ભવિષ્યમાં ઉચ્ચ અભ્યાસ બાદ તેમની સેવાઓનો લાભ રાજકોટના નાગરીકોને મળી રહેશે તેવી લાગણી વ્યકત કરી છે.

(3:36 pm IST)